દેશમાં એક જ વર્ષમાં વાહનચાલકોએ ૨૪ હજાર રાહદારીઓને કચડયા   - Sandesh
  • Home
  • Columnist
  • દેશમાં એક જ વર્ષમાં વાહનચાલકોએ ૨૪ હજાર રાહદારીઓને કચડયા  

દેશમાં એક જ વર્ષમાં વાહનચાલકોએ ૨૪ હજાર રાહદારીઓને કચડયા  

 | 2:36 am IST

ચલતે ચલતે : અલ્પેશ પટેલ

દેશમાં રોજબરોજ માર્ગો ઉપર ચાલતા જનારા ૪૫ કરોડ લોકોની સુરક્ષા ભગવાન ભરોસે છે. બેફામ દોડતા વાહનો ઉપર કોઈ અંકુશ ન હોવાથી નિર્દોષ લોકોના જીવનદીપ બૂઝાઈ રહ્યા છે. ગમે તેટલા ટ્રાફિકના આકરા નિયમો બનાવવામાં આવે પણ ખાટલે મોટી ખોડ એ છે કે વાહન ચાલકો સમજતા નથી. આજે પણ દેશમાં ચાલતા નીકળેલા ૬૮ લોકો હેમખેમ ઘર સુધી પહોંચી શક્તા નથી. દર સાત કલાકે છ લોકો વાહન અકસ્માતમાં ઘાયલ થાય છે. બીજી તરફ માત્ર ૨૦૧૮માં જ ચાલતા જતા ૨૪,૮૬૧ લોકોનાં અકાળે મોત નિપજ્યાં છે. આપણા દેશમાં જાણે કે માણસની જિંદગીની કોઈ કિંમત ન હોય તેમ છાશવારે નિર્દોષ લોકોને કચડી નાખવામાં આવે છે. આજે પણ દર દસમાંથી નવ લોકો શહેરમાં રોડ ક્રોસ કરતા ગભરાય છે. એ ગભરામણ ઉચિત છે કે, અહીં ક્યારે કોઈ વાહન ચાલક પાછળથી આવીને કચડી નાખીને જિંદગી ઉપર પૂર્ણવિરામ મૂકી દેશે તેની કોઈ ખાતરી હોતી નથી. આપણા દેશમાં ગમે ત્યાં જાઓ ત્યાં ‘કાગડા બધે કાળા જ હોય’તેમ ટ્રાફિકને લઈ અંધાધૂંધી અને અરાજકતાનો માહોલ જ જોવા મળે છે. એની સામે વિદેશમાં વાહન ચાલકો જ સ્વયંભૂ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. ક્રોસિંગ પર કોઈ વૃદ્વાને રોડ ક્રોસ કરવો હોય તો સેંકડો વાહનો રોકાઈ જાય છે, ત્યાં કોઈ ઉતાવળ નથી કરતું કે કોઈને કચડી નાખવાનો વિચાર પણ કરતું નથી. જ્યારે આપણે ત્યાં વૃદ્વ વ્યક્તિને રોડ ક્રોસ કરવો હોય તો એક વાર નહીં સો વાર વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે.

નિયમોની ઐસીતૈસી  

આપણા દેશની કમનસીબી કહો કે વિડંબણા કહો કે, ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરવામાં કોઈ પાછું પડે તેમ નથી. ગમે તેટલા આકરામાં આકરા નિયમો અને દંડની જોગવાઈ કરવામાં આવે છતાં પણ બેફામ વાહન ચાલકો ‘કૂતરાની પૂંછડી વાંકીને વાકી રહે’ તેમ સુધરવા માગતા નથી. માર્ગો જાણે કે તેમના બાપનો બગીચો હોય તેમ છાશવારે નિર્દોષ લોકોના ‘જીવનદીપ’ બુઝાવી નાખે છે. કોઈને આજીવન અપંગ બનાવી દે છે તો કોઈના પરિવારનો સહારો પણ આંખના પલકારામાં છીનવી લેતાં વાર કરતા નથી. કાયદાને ખિસ્સામાં લઈને ફરનારા વાહન ચાલકોની સાન ઠેકાણે આવતી નથી એ કડવું સત્ય છે.

ઝિબ્રા ક્રોસિંગ  

શહેરોમાં ઝિબ્રા ક્રોસિંગ પર નિયમ અનુસાર વાહનની સ્પીડ ધીમી કરવી જોઈએ પણ એનો અમલ કોણ કરે છે ? ફૂટપાથ પર ગાડી પાર્ક કરવી નહી પણ તેનો ચૂસ્ત અમલ કોણ કરે છે ? ફૂટપાથના ગેરકાયદે વાહનો કેમ જપ્ત કરવામાં આવતા નથી ? ફૂટપાથો ઉપર દબાણો ખડકાઈ જતાં સ્થિતિ દિવસે-દિવસે વિષમ બની રહી છે. માર્ગો સાંકડા બની જતા રાહદારીઓ ઉપર ગમે ત્યારે મોતનું ‘અતિક્રમણ’ થાય છે. હવે ચાલતા નીકળવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું બની રહ્યું છે.મોટા-મોટા શહેરોમાં જ્યાં જુઓ ત્યાં ગેરકાયદે દબાણોના ખડકલાના પાપે રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલભર્યું બની રહ્યું છે. ક્યાં છે પોલીસ અને ક્યાં છે જવાબદાર વહીવટી તંત્ર ?

છટકબારીઓ  

અમદાવાદના જજીસ બંગલાનો રસ્તો જાણે કે બાપનો બગીચો હોય તેમ ૨૦૧૩માં બેફામ ગતિએ કાર હંકારી નબીરા વિસ્મય શાહે બાઈક પર જતા શિવમ અને રાહુલને ઊડાડી દેતાં બંને યુવકનાં મોત નિપજ્યાં હતાં.૨૦૧૫માં અમદાવાદ રુરલ સેશન્સ કાર્ટે આરોપી વિસ્મય શાહને પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત કોર્ટે આદેશ કર્યો હતો કે દોષિત વિસ્મય બંને મૃતકોના પરિવારને વળતર પેટે પાંચ લાખ ચૂકવે. નીચલી અદાલતના આ ચુકાદાની સામે વિસ્મય શાહે સજા ઘટાડવા જ્યારે મૃતકના માતા-પિતાએ અને રાજ્ય સરકારે વિસ્મયની સજા વધારવાની માગ સાથે હાઈકોર્ટમાં અપીલ કરેલી છે. નીચલી અદાલતના ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટે વિસ્મયના જામીન મંજૂર કર્યા હતા. પૈસાના જોરે છૂટી જવા દરેક કોર્ટમાં હવાતિયાં મારે છે. બે યુવકના જીવનદીપ બુઝાવનાર વિસ્મય હાલ જામીન ઉપર બહાર છે. નિર્દોષ રાહદારીઓની કિંમતી જિંદગી છીનવાઈ જતાં વાર જ લાગતી નથી. ક્યાંક વાહન ચાલક વગદાર હોય તો પૈસાના જોરે કૂદાકૂદ કરે છે અને પોતાનું ધાર્યું કરાવી પીડિતના પરિવારને પૈસા આપી મોંઢું બંધ કરાવી દે છે. કેટલાક કિસ્સાઓમાં કાયદાની છટકબારીઓમાં એટલા છીંડા હોય છે કે, મામૂલી સજા પણ થઈ શક્તી નથી.

બાપનો બગીચો  

અમદાવાદ જેવા શહેરમાં આડેધડ વાહન હંકારવું અને રાહદારીઓને પરેશાની ભોગવવી પડે તેવી રીતે વાહન પાર્ક કરનારાઓની કમી નથી. જાણે કે રસ્તા તેમના બાપનો બગીચો હોય તેવી રીતે રાહદારીઓને હેરાન થવું પડે તેવી રીતે વાહન હંકારવામાં આવી રહ્યા છે. ૯૦ ટકાથી વધારે કિશોર-કિશોરીઓ પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોતું નથી છતાં તેઓ વાહન લઈને નીકળી પડે છે અને નિર્દોષ લોકોને ક્યારેક કાયમી અપંગ બનાવી દે છે તો ક્યારેક મૃત્યુ પણ નિપજાવે છે. કેટલાક કિસ્સામાં અપંગતાનો ભોગ બનનાર મરી જાય છતાં ય વળતર મળતું નથી. કોર્ટોમાં તારીખ પે તારીખનો સિલસિલો એટલો લાંબો ચાલે છે કે બિચારી વ્યક્તિ એમાંથી છૂટવા માંગે છે.

જોખમી હાઈ-વે  

હાઈ-વે ઉપર પણ રાહદારીઓના માથે સતત મોતનો ઓછાયો રહેતો હોય છે. ફોર લેન અને સિક્સ લેન ઉપર ઓવરસ્પીડ દોડતા વાહન ચાલકો ઓવરટેક કરવાની લ્હાયમાં નિર્દોષ રાહદારીઓને ઘેટા-બકરાંની જેમ કચડી નાખીને ફરાર પણ થઈ જાય છે. હમણાં થોડા દિવસ પહેલાં વલસાડ-મુંબઈ હાઈ-વે ઉપર એક રાહદારીને કચડી નાખવામાં આવ્યો હતો અને આખી રાત તેની લાશ ઉપર થઈ વાહનો નીકળતા રહ્યા હતા. એ મૃતદેહ એટલી હદે ક્ષત-વિક્ષત થઈ ગયો હતો જેની ઓળખ પણ થઈ શકી નહોતી. આવા તો રોજના અનેક રાહદારીઓની જિંદગી છીનવી લેવામાં આવે છે અને ફરાર થઈ ગયેલો વાહન ચાલક પકડાતો પણ નથી. પોલીસ ફરિયાદ થાય છે અને પછી લાંબી કાનૂની પ્રક્રિયા શરૂ થાય છે તેનો અંત ક્યારે આવશે તે કોઈ કહી શક્તું નથી. પીડિત વ્યક્તિ કે પરિવાર પીડા ભોગવે છે છતાં ક્યારેક ન્યાય મળી શક્તો નથી.

સમજ ક્યારે ?  

દર વર્ષે ૨૪ હજાર રાહદારીઓને બેફામ વાહન ચાલકો કચડી નાખતા હોય ત્યાં બીજા કેટલા અકસ્માતો સર્જાતા હશે ? એની કલ્પના કરવી અઘરી છે. સારા કામની શરૂઆત પોતાના ઘરેથી જ કરાય તેમ અહીં પણ વાહન ચાલકને સમજ હોવી જોઈએ કે, પોતાનું વાહન મનફાવે તેમ હંકારીને કોઈના જીવને જોખમમાં મૂકી શકાય નહી. ટ્રાફિક સિગ્નલ શો-પીસ માટે મૂકાયા નથી એટલે તેનો અમલ કરવાની સમજ હોવી જ જોઈએ. કોઈ રાહદારી રોડ ક્રોસ કરી રહી છે તો તેને નીકળી જવાની સમજ કેળવવી પડશે.એકાદ-બે મિનિટ મોડા જવાથી કોઈ સોનાની લંકા લૂંટાઈ જવાની નથી. જે વ્યક્તિને કચડી નાખો છો એ કોઈના પરિવારનો લાડલો દીકરો હોય છે કે કોઈનો આધારસ્તંભ હોય છે. એ વ્યક્તિને ગુમાવવાનું દુઃખ કેટલું દર્દભર્યું હોય છે તેની સમજ વાહન ચાલક ક્યારે સમજશે ? ટુ-વ્હીલરથી લઈ ફોર વ્હીલર અને ભારે વાહન ચાલકો આપમેળે સમજ કેળવે એ વર્તમાન સમયની માંગ છે. તમને તમારી જિંદગી જેટલી પ્યારી અને વ્હાલી છે એટલી જ જિંદગી રાહદારીઓને પણ વ્હાલી છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહી. કોઈ રાહદારીનો હાથ પકડી તેણે રસ્તો ક્રોસ ન કરાવી શકીએ તો કંઈ નહી પણ પોતાનું વાહન એવી રીતે ન હંકારીએ કે એ વ્યક્તિને જિંદગીથી હાથ ધોવા પડે. સાંજે આપણી આતુરતાથી કોઈ ઘરે રાહ જુએ છે તેમ રાહદારીને પરિવાર છે એની પણ રાહ જોનાર કોઈક તો હશે ને ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન