પરીક્ષાખંડમાં નિરીક્ષાર્થી નહીં, પરીક્ષાર્થી મહત્ત્વનો છે!  - Sandesh
NIFTY 10,217.10 -143.05  |  SENSEX 33,241.95 +-443.59  |  USD 64.9100 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • પરીક્ષાખંડમાં નિરીક્ષાર્થી નહીં, પરીક્ષાર્થી મહત્ત્વનો છે! 

પરીક્ષાખંડમાં નિરીક્ષાર્થી નહીં, પરીક્ષાર્થી મહત્ત્વનો છે! 

 | 1:30 am IST

રોંગ નંબર :- હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

પ્રિય પેરન્ટ્સ!

કુશળ રહેશો. તમને થશે કે ‘કુશળ હશો’ એવું લખવાને બદલે ‘કુશળ રહેશો’ એવું શા માટે લખ્યું? એવું એટલા માટે લખ્યું કે આવતા સોમવારથી જે બોર્ડ એક્ઝામિનેશન શરૂ થઈ રહી છે એ તમારાં સંતાનોની છે, તમારી નહીં! મને ખબર છે કે, આ આખું વરસ તમે કુશળ નહીં જ રહ્યા હો, કેમ કે તમે સેન્ટ પર સેન્ટ ગુજરાતી પેરન્ટ્સ છો! અરે મિત્રો, તમે એવું શા માટે ધારી લો છો કે તમારાં સંતાનોનું રિઝલ્ટ પણ તમે બોર્ડ એક્ઝામમાં લાવેલા એવું જ આવશે? જરા પોઝિટિવ બનો! તમારા અને તમારાં સંતાનો વચ્ચે રહેલો બુદ્ધિઆંકનો ડિફરન્સ તો સમજો! ચાલો, બુદ્ધિઆંકનો ડિફરન્સ ન સમજો તો કાંઈ નહીં પણ મેન્ટલ અને ફન્ડામેન્ટલ ડિફરન્સ તો સમજો! સારું રિઝલ્ટ આવે એનો સામનો અને સ્વીકાર કરવાની થોડી હિંમત રાખો!

અમુકને બાદ કરતાં મોટાભાગનાં ગુજરાતી પેરન્ટ્સની એક લાક્ષણિકતા છે કે પોતાનાં સંતાનને કોઈપણ પ્રકારનો વિચાર કરવા જેટલી પણ મહેનત કરાવવામાં એ લોકો માનતાં નથી. એ તો સારું છે કે કેટલાંક પેરન્ટ્સ એમનાં સંતાનોની એટલી હદે ચિંતા નથી કરતાં કે બેટા, જમવામાં સમય બગાડવાને બદલે તું શાંતિથી વાંચવાનું રાખ, અમે તારા વતી જમી પણ લઈશું અને ઊંઘી પણ લઈશું. આટલું વરસ તો તારા માટે એક એક સેકન્ડ વાંચવાનું વરસ છે.

પોતાનાં સંતાનોને પરીક્ષાના ભય અને ભારણમાંથી બચાવવાને બદલે પોતે જ ભય અને ભારણનો શિકાર બની ગયાં હોય એવું વર્તન કરનાર પેરન્ટ્સને હું બે હાથવાળો તો શું વિનંતી કરું પણ પેલો હજાર હાથવાળો ઉપર બેઠો બેઠો વિનંતી કરે છે કે ‘હે માઈબાપો, ‘તમે આટલાં બધાં બ્હાવરાં અને હાંફળાં-ફાંફળાં ન બનો, બહાદુર બનો’ એવું તમારે તમારાં સંતાનોને કહેવું જોઈએ પણ તમે એવું એમને કહેતા નથી માટે મારે તમને કહેવું પડે છે! સંતાનોને સમજાવો કે બેટા, પરીક્ષા તો જિંદગીનું બીજું નામ છે, એ તો આવે અને જાય એનાથી ગભરાવાનું ન હોય પણ જો જો પાછા, આટલુંય બોલતાં બોલતાં તમે ગભરાઈ ન જાઓ એટલી તો હિંમત રાખજો જ! સંતાનોને સમજાવજો કે પરીક્ષા આપવી એ મહત્ત્વનું છે. પાસ થવું-નાપાસ થવું એ મહત્ત્વનું નથી, વળી, એને એ પણ સમજાવજો કે પરીક્ષા લેનાર વ્યક્તિ કરતાં પરીક્ષા આપનાર વ્યક્તિ મહાન છે. પરીક્ષા આપનાર જ જો ન હોત તો પરીક્ષા લેનાર કોની પરીક્ષા લઈ શકવાનો હતો?’ બોર્ડ એક્ઝામમાં સાત સાત વાર નાપાસ થવાનો પ્રગાઢ અનુભવ લેનાર એક સફળ ઉદ્યોગપતિનું કહેવું છે : એક્ઝામિનેશનહોલમાં નિરીક્ષાર્થી(એટલે કે નિરીક્ષક) કરતાં પરીક્ષાર્થીનું માન વધારે હોય છે.

કેળવણીકાર અને ચિંતક બર્ટ્રાન્ડ રસેલનું એક વિધાન છે : Our entire life is an examination. જિંદગી પોતે જ એક પરીક્ષા છે, માટે હે માઈબાપો, તમારાં સંતાનોને તમારી ચિંતા થવા માંડે એટલી બેફામ હદે એમની ચિંતા કરવાનું છોડી દો. સંતાનોને પ્રેમથી સમજાવજો કે બેટા, કસોટી તો સોનાની જ થાય, પિત્તળની નહીં.

પરીક્ષાના પહેલા દિવસે એ પરીક્ષા આપવા જાય ત્યારે એનું મોં મીઠું કરાવો. કોઈનુંય મોં મીઠું કરાવવું એ સારી વાત છે, કેમ કે એ બહાને, મોં મીઠું કરાવનારને પણ મોં મીઠું કરી લેવાનો ચાન્સ મળી જાય છે! પણ એ સમયે તમારાં સંતાનનું મન કડવું થઈ જાય એવી અને એટલી સલાહોનું કડુ-કરિયાતું તો પીવડાવશો જ નહીં. ઘણાં પેરન્ટ્સને પોતાનાં સંતાનો પર એટલો બધો કોન્ફિડન્સ હોય છે કે એમનાં સંતાનો પણ પરીક્ષા બાબતે ભૂલો કરવાની ખાનદાની પરંપરાને જાળવી રાખવામાં સહેજ પણ પાછાં નહીં જ પડે! પણ અહીં જ એમની ભૂલ થાય છે. હે માઈબાપો, જરા એટલું તો વિચારો કે ભગવાન ‘પરિવર્તન’માં માને છે, ‘પુનરાવર્તન’માં નહીં!

ડિયર પેરન્ટ્સ, તમારાં સંતાનોને ક્યારેય અન્ડરએસ્ટિમેટ ન કરશો. દુનિયાનો દસ્તૂર છે કે પારકાં ભાણામાં પડેલો લાડુ આપણને હંમેશાં મોટો જ લાગે! એમ અન્યનાં સંતાનો આપણને આપણાં સંતાનો કરતાં વધારે ઠાવકાં, મહેનતુ અને હોશિયાર જ લાગે પણ હકીકત કંઈક જુદી જ હોય છે. હવેનાં સંતાનોને તમારી જેમ એટલે કે જૂની પેઢીની જેમ દેખાડો કરવાનો, ઢોંગ કરવાનો કે દંભ કરવાનો મનોરોગ લાગુ નથી પડયો એટલે એ લોકો સેન્ટ પર સેન્ટ નિખાલસ અને પારદર્શિતાવાળાં હોય છે. તમારી જેમ ‘કશુંય જાણતાં ન હોવા છતાં બધું જ જાણે છે’ એવી ગ્રંથિ કે એવા વહેમથી એ પીડાતાં નથી. બાકી, યાદ કરો તમારો વિદ્યાર્થી અવસ્થાનો સમયગાળો! એ સમયમાં તો કેટલાક ઠોઠ વિદ્યાર્થીઓ પણ પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યાં સુધી સ્કોલર હોવાનો દેખાડો કરતા રહેતા, જોકે આવો મનોરોગ આજના કેટલાક કહેવાતા વિદ્વાનોમાં જોવા મળે છે. મારા એક વિદ્વાન મિત્ર છે, એમનો તો એક જ મંત્ર છે કે વિદ્વાન થતાં પહેલાં વિદ્વાન દેખાવું જરૂરી છે. એમના દિમાગમાં, વાણીમાં કે જીવનમાં વિદ્વતા આવે એ પહેલાં તો એમના મુખ પર, પહેરવેશ પર, ચાલવાની ઢબ પર વિદ્વતાની ગંભીરતા પથરાઈ જતી હોય છે. એ લોકોને કદાચ એ વાતની ખબર નથી હોતી કે વિદ્વતા તો બુદ્ધિનો વિષય છે! એ લોકો તો ચહેરા પરનાં ગાંભીર્યને જ વિદ્વતા માનીને ચોવીસે કલાક ચહેરાને ભારેખમ બનાવી વિદ્વતાને પહેરી રાખતાં હોય છે.

આજનાં પેરન્ટ્સે પોતાનાં સંતાનોની હોશિયારી, કાબેલિયત કે બુદ્ધિમતા સાથે પોતાની હોશિયારી, કાબેલિયત કે બુદ્ધિમતાની સરખામણી કરીને સંતાનોને ક્યારેય પડકાર નહીં ફેંકવો જોઈએ. હા, સંતાનોને રમૂજ પૂરી પાડવી હોય તો એવું કરવાની ના નથી!

હે માવતરો, સંતાનોને પરીક્ષાના દિવસોમાં સારો રેન્ક, સારો ગ્રેડ, સારા માર્ક્સ કે સારું રિઝલ્ટ લાવવા માટે ધાક-ધમકી કે નાની-મોટી કોઈ ગિફ્ટ આપવાની લાલચ ન આપશો. આમ કરવાથી બીજું તો કશું નહીં પણ તમારી ઇમેજ ખતરામાં પડી જવાની પૂરેપૂરી સંભાવના છે! જો તમે એમને ધાક-ધમકી આપશો તો એ લોકો નાની ઉંમરમાં જ એવું દૃઢપણે માનતાં થઈ જશે કે આતંકવાદીઓ ફક્ત બોર્ડર પર જ નથી ત્રાટકતા, ઘરમાંય હોય છે અને તમે એ લોકોને નાની-મોટી ગિફ્ટની લાલચ આપશો તો એમના કુમળા દિમાગમાં એ વાત જડબેસલાક બેસી જશે કે, અરે વાહ! હવે તો લાંચ-રુશવત એ કંઈ સરકારી ઓફિસોની જ મોનોપોલી નથી રહી! આવું છે પેરન્ટ્સ મિત્રો, એટલે સંતાનો સાથે જરા સાચવીને વાણી-વર્તન કરજો! પહેલાં એવું હતું કે સંતાનોની ચોટલી પેરન્ટ્સના હાથમાં રહેતી’તી, આજે એવું નથી. આજે તો… તમે સમજી ગયા ને!

હે વાલીમિત્રો, પરીક્ષાનાં નાજુક વાતાવરણમાં તમારાં સંતાનોને એટલું જ કહેજો કે જેમ પેલો કીડો ભમરીનું ધ્યાન ધરતો ધરતો ભમરીરૂપ થઈ ગયો’તો એમ હે બેટા, પરીક્ષાનાં પેપરો લખતી વેળાએ તારે પણ તારા શિક્ષકોનું ધ્યાન ધરતાં ધરતાં શિક્ષકરૂપ થઈ જવાનું છે! તને નહીં સમજાતા તમામ સવાલોના જવાબો ફટાફટ આવડવા માંડશે પણ ધ્યાન ધરતાં ધરતાં ભૂલથીય અમને યાદ કરીશ નહીં, બસ, આટલું કરીશ તો રિઝલ્ટના દિવસે તારા તરફથી અમારે એવું સાંભળવાની નોબત નહીં આવે કે ‘સોરી મોમ-સોરી ડેડ, ઇસ સાલ ભી રુકાવટ કે લિએ ખેદ હૈ!’

ચાલો ત્યારે, વિશ યુ ઓલ ધ બેસ્ટ!

ડાયલટોન : 

મેઘાલયમાં માત્ર બે સીટ જીતનાર પાર્ટીએ NDAની સરકાર બનાવી.

આને કહેવાય મેઘાલયની ‘મેગા સરકાર!’

;