જંગલમાં યોજાઈ એક મિનિટની સ્પર્ધા - Sandesh

જંગલમાં યોજાઈ એક મિનિટની સ્પર્ધા

 | 1:31 am IST

એક જંગલ હતું. જંગલના રાજા સિંહે-એક દિવસ બધા પ્રાણીઓની સભા બોલાવી. સિંહ પણ ગુફામાંથી મલકાતો મલકતો બહાર આવ્યો અને કહેવા લાગ્યો, “જુઓ ભાઈઓ, આજે આપણે સૌ મારા જન્મદિવસની ઉજવણી પ્રસંગે ભેગા થયા છીએ. આજે કોઈએ કોઈનાથી પણ ડરવાનું નથી. સિંહે કહ્યું મારે મારા પરિવાર સાથે જંગલમાં એક મિનિટની સ્પર્ધા યોજવી છે. સિંહે આમંત્રિત પ્રાણીઓને થોડીવાર માટે પોતપોતાની જગ્યાએ બેસાડી દીધા અને સ્પર્ધાની વાત શરૂ કરી. સિંહે આ સ્પર્ધાની શરતો જણાવતાં કહ્યું કે, “આપણી આ સભા ફરતે દરેકે વારાફરતી ગોળ એક ચક્કર પૂરૂ કરવાનું છે, અને એ પણ એક જ મિનિટમાં આ સ્પર્ધામાં બધા જ ભાગ લઈ શકે છે. બીજું આ રમતમાં કોઈએ સહેજે દોડવાનું નથી, પણ ફકત ઝડપથી ચાલવાનું જ છે, અને એ સાથે તમારાથી એક નાના પ્રાણીને પીઠ પર બેસાડીને ચાલવાનું છે.” એક મિનિટની આ સ્પર્ધા સાંભળતાની સાથે જ સૌ પ્રાણીઓ ભાગ લેવા માટે ઉત્સાહમાં આવી ગયા. સ્પર્ધાની શરૂઆત દીપડાએ કરી, બિલાડીને બેસાડી દીપડાભાઈ ઝડપથી ચાલવા ગયા તો બિલ્લીબાઈ નીચે પડી ગયાં. પછી શિયાળભાઈ સસલાને લઈને ચાલવા લાગ્યાં પણ અધવચ્ચે જ મિનિટ પૂરી થઈ ગઈ. પછી આવ્યો રીંછનો વારો. એક માંકડાને બેસાડી ચાલતાં-ચાલતાં રીંછનો ખેલ પણ અધૂરો રહી ગયો પછી જંગલી ભૂંડ શાહુડીને લઈને, નીલ ગાય ચિત્તળને લઈને, સાબર જંગલી વાંદરાને લઈને, સસલું ખીસકોલીને લઈને તો વરુ નોળિયાભાઈને લઈને આમ હરણ, કાળિયાર, ચિત્તો, ઝરખ, ઘુડખર એમ બધાં વારાફરતી સ્પર્ધામાં ચાલ્યાં પણ એક મિનિટની આ સ્પર્ધામાં એક પણ વિજેતા થયાં નહીં.

આ ટોળાથી થોડેક દૂર તળાવ નજીક આરામ કરતો, એક વાઘ આ સ્પર્ધા જોઈ રહ્યો હતો. પછી તેની માસી બિલાડીને બેસાડી વાઘે સ્પર્ધામાં ભાગ લીધો. વાઘે લાંબી છલાંગો મારી ચાલવા માંડયુ અને દસ સેકન્ડ પહેલાં તો રાઉન્ડ પૂરૂ કરી દીધું. આમ ધીરજ અને આત્મવિશ્વાસથી વાઘ એક મિનિટની સ્પર્ધા જીતી ગયો. બધા પ્રાણીઓએ વાઘને ખૂબ અભિનંદન આપ્યા. સિંહે પણ વાઘને હાર પહેરાવી જાહેર સન્માન કર્યું. આમ એક મિનિટની સ્પર્ધામાં બધા પ્રાણીઓએ વાઘને ખૂબ અભિનંદન આપ્યા. સિંહે પણ વાઘને હાર પહેરાવી જાહેર સન્માન કર્યું. આમ એક મિનિટની સ્પર્ધામાં બધા જ પ્રાણીઓને મજા પડી ગઈ. અંતે બધા રાજી થઈ સિંહને જન્મદિનની શુભેચ્છા પાઠવી છૂટા પડયા.

બાળ દોસ્તો, તમે પણ હાર-જીતની પરવા કર્યા વિના તમને ગમતી કોઈપણ સ્પર્ધામાં હિંમત, ધીરજ અને આત્મવિશ્વાસથી ભાગ લેજો. શક્ય છે કે વિજેતા તરીકે તમારૃં પણ જાહેરમાં સન્માન થાય.