કડીના કસ્બામાં મહિલાઓ પર માથાભારે શખ્સોના જીવલેણ હુમલાથી ગંભીર ઈજા - Sandesh
  • Home
  • Mehsana
  • કડીના કસ્બામાં મહિલાઓ પર માથાભારે શખ્સોના જીવલેણ હુમલાથી ગંભીર ઈજા

કડીના કસ્બામાં મહિલાઓ પર માથાભારે શખ્સોના જીવલેણ હુમલાથી ગંભીર ઈજા

 | 3:16 am IST

કડી, તા.૮

કડીના કસ્બા વિસ્તારમાં મોબાઈલની દુકાન ધરાવતા વેપારીને કસ્બા વિસ્તારમાં જમીન મામલે માથાભારે શખ્સો સાથે બોલાચાલી બાદ મામલો ગરમાતા બે દિવસમાં મારામારીના બે બનાવો બનતા વેપારીના પરિવારની મહિલાઓ પર ગુરુવારે વહેલી સવારે હુમલો કરતા બે મહિલાઓ ગંભીર ઈજા પામતા કડી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કડી પોલીસ મથકે ઘટનાની જાણ થતા અમદાવાદ ખાતે મહિલાઓના નિવેદન લઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ બાબતે મળતી માહિતી અનુસાર કડી કુંડી બજારમાં રહેતા મહંમદભાઈ ઈસબભાઈ ઘાંચીની પિરબોરડી વિસ્તારમાં યુનિક મોબાઈલ નામની દુકાન આવેલી છે અને કસ્બા વિસ્તારમાં તેમની જમીન આવેલી છે. જે મામલે કસ્બાના કેટલાક માથાભારે શખ્સો સામે અદાવત ચાલી રહી છે જેના પગલે બે દિવસ અગાઉ માથાભારે શખ્સો દ્વારા તેમની મોબાઈલની દુકાને બોલાચાલી કરી પિતા-પુત્ર ઉપર હુમલો કરી મોબાઈલની દુકાને તોડફોડ કરી રોકડ રકમની લૂંટ ચલાવાઈ હતી. જેમાં બંને પક્ષોએ સામસામે મારામારી, ઈજાઓ પહોંચાડવા અને લૂંટ બાબતે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ તેમ છતાં મામલો થાળે ન પડતા ગુરુવારે વહેલી સવારે ઘાંચી મહંમદભાઈ ઈસબભાઈની પરિવારની બે ત્રણ મહિલાઓ જમીન ઉપર જઈ કોઈ કામ કરતા તે સમયે કસ્બાના કેટલાક માથાભારે શખ્સો આવી મહિલાઓને જગ્યા છોડી દેવા જણાવી હુમલો કરી મહિલાઓને ઢોર માર મારી ઈજા પહોંચાડતા મહિલાઓને આસપાસના લોકો ભેગા થઈ જતા મહિલાઓને છોડાવી સારવાર અર્થે કડી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલાઓને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી. હુમલાના પગલે કડી પોલીસે અમદાવાદ ખાતે મહિલાઓના નિવેદનના આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવા માગ ઊઠી

કડી કસ્બા વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર કસ્બા વિસ્તારના કેટલાક માથાભારે શખ્સોને રાજકારણ અને પોલીસનો સપોર્ટ હોવાથી મનફાવે ત્યારે હુમલાઓ કરે છે તો આ બાબતે પોલીસ દ્વારા ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે.