માંડવી તાલુકામાં પણ ૭૨ હજાર પશુઓના ઘાસચારા માટે વલખાં - Sandesh
  • Home
  • Bhuj
  • માંડવી તાલુકામાં પણ ૭૨ હજાર પશુઓના ઘાસચારા માટે વલખાં

માંડવી તાલુકામાં પણ ૭૨ હજાર પશુઓના ઘાસચારા માટે વલખાં

 | 2:00 am IST

કચ્છમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાઇ જવાના કારણે સરકાર દ્વારા ઘાસડેપો શરૃ કરીને પશુધન માટે રાહત ભાવે ઘાસચારો આપવાનું શરૃ કરવામાં આવ્યું છે, પરંતુ માંડવી તાલુકાના પશુધનની હાલત હજુ પણ કફોડી છે, કેમ કે તાલુકાનું ૭૨,૮૯૮ નું પશુધન છે જેની સામે ઘાસચારો ખુબ ઓછો આવે છે. તેથી માલધારીઓની હાલત કફોડી બની છે.

માંડવી તાલુકાની ૧૧ પાંજરાપોળોના ૭,૪૭૫ પશુઓ મળીને તાલુકામાં કુલ ૭૨,૮૯૮નું પશુધન છે. કચ્છમાં ચોમાસું ચોથા વર્ષે પણ નબળું રહ્યું છે ત્યારે માંડવીમાં ૧૧૮ મીમી વરસાદ જ્યારે તાલુકાના ગામડાઓમાં તેથી પણ ઓછો વરસાદ પડયો છે, જેના કારણે સુકા ઘાસચારાનો અભાવ વર્તાઇ રહ્યો છે. માલધારીઓના જણાવ્યા પ્રમાણે નાણાં ખર્ચવા છતાં પણ કચ્છમાં સુકો ઘાસચારો મળતો નથી તેવી વિકટ પરિસ્થીતી સર્જાઇ છે, તેથી કચ્છ બહારથી ઘાસચારો મંગાવવો પડી રહ્યો છે. વરસાદની સિઝનને જોતાં પિયત જમીનમાં નવી વાવણીના કારણે લીલો ઘાસચારો પણ ઉપલબ્ધ નથી. જેના પરિણામે માલધારીઓ અત્યંત કપરા કાળમાંથી પસાર થઇ રહ્યા છે. સરકાર દ્વારા સમયસર સુકું ઘાસ મળી રહે તે માટે વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગ માલધારીઓ દ્વારા કરવામાં આવી છે. જો કે તાજેતરમાં મોટા લાયજા ગામમાં ઘાસનું વિતરણ શરૃ કરવામાં આવ્યું છે.