મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે - Sandesh
1.6M
1M
1.7M
APPS

મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે

 | 12:12 am IST
  • Share

રીલેશનના રિલેસન :- રવિ ઈલા ભટ્ટ

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.

દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,

મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,

મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

મધર્સ ડે ઉજવાઈ ગયો છે. લગભગ મોટાભાગના લોકો જે આધુનિક સંસ્કૃતિના વારસદારો છે તેમણે પોતપોતાની મમ્મીઓને ગિફ્ટ આપી દીધી હશે, તેમની સાથે સેલ્ફીઓ ખેંચીને કે તસવીરો ખેંચાવીને ફેસબુક, ઈન્સ્ટા કે અન્ય સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધી હશે. લગભગ આ લોકાવ્યવહાર અને વર્ચ્યુઅલ વ્યવહાર પૂરો થઈ ગયો હશે. હવે ખાસ કોઈને પોતાની મમ્મીને કંઈ આપવાનું બાકી નહીં હોય. એક દિવસના લાડકોડ અને હરખ પૂરા થઈ ગયા હશે. હવે મમ્મીઓ ફ્રીથી ૩૬૪ દિવસ માટે એવી જ જુની અને પુરાણી થઈ ગઈ હશે, જેને કંઈ ખબર નહીં પડે, જે તમને સમજી નહીં શકે, જેને કંઈ આવડતું નહીં હોય, જેની બુદ્ધિ તમારા જેટલી ચાલતી નહીં હોય, જેને તમારા ટ્રેન્ડ ખબર નહીં હોય. લગભગ બધી મમ્મીઓ અને સંતાનો આવા રૂટિનમાં આવી ગયા હશે.

આવા જ રૂટિન સાથે સંકળાયેલી એક વાત યાદ આવે છે. લગભગ એકાદ મહિના પહેલાં મારા મિત્રનો ફેન આવ્યો, યાર ફ્રી હોય તો ઘરે આવ, થોડું મહત્ત્વનું કામ છે. હું ઘરે ગયો ત્યારે ઘરમાં ગંભીર વાતાવરણ હતું. પરિવારજનોનું પંચ બેઠેલું હતું. સામેની તરફ આરોપીની ખુરશી ઉપર તેની બહેન બેઠી હતી. બીજી તરફ તે બેઠો હતો અને સામેની તરફ તેના મમ્મી-પપ્પા અને મામા-મામી બેઠાં હતાં. હિંચકા ઉપર તેના દાદા-દાદી બેઠાં હતાં. મારા માટે લગભગ જગ્યા નહોતી. હજી તો હું ઘરમાં ઘુસીને બેસવા માટે જગ્યા શોધતો હતો ત્યાં જ મિત્ર બોલી પડયો, યાર! બહેનને સમજાવ. સરસ છોકરો શોધ્યો હતો, ખૂબ જ પૈસાદાર છોકરો હતો, એકનો એક હતો અને ઘરમાં માત્ર એક સાસુમા જ છે. નણંદ નથી, દિયર નથી, સસરા નથી અને પૈસાય સારા છે છતાં લગ્નના બીજા દિવસે પાછી આવી ગઈ.

એટલામાં એના પપ્પાય તાડુક્યા, આવું કરશે તો ઠેકાણે જનહીં પડે. બહેન તરત જ અકળાઈ ગઈ, પપ્પા પ્લીઝ, મને વારંવાર આવા ઉપદેશ ન આપશો. એની મમ્મી કંઈક બોલવા જતી હતી ત્યાં જ મારા મિત્રે અટકાવી, તું તો બોલીશ જ નહીં, તારા કારણે જ આ વંઠી ગઈ છે.

મારાથી રહેવાયું નહીં એટલે મેં બહેનને પૂછયું કે, આ બધું શું છે. બહેન બોલી, ભઈ આ લોકો મને જે છોકરા સાથે પરણાવી આવ્યા છે તેમાં મને પતિ નહીં પણ મારા પિતા અને ભાઈ દેખાય છે. મને પહેલાં તો સમજાયું જ નહીં. દિવ્યેશ ફ્રી ભડક્યો… સવારની આવી જ વાતો કર્યા કરે છે, ખબર નહીં, બુદ્ધિ વગરની વાતો કરવા બેઠી છે. પતિમાં એને પિતા અને ભઈ દેખાય છે. લગ્નની બીજા જ દિવસે પાછી આવી ગઈ છે ને કહે છે કે છૂટાછેડા જોઈએ છે.

મેં ફ્રી બહેનને પૂછયું શું થયું, આ બધા કેમ અકળાયા છે. બહેને બે દિવસ પહેલાં બનેલી ઘટના જણાવી. તેણે કહ્યું કે, અમે લગ્ન પછી હનીમૂન માટે હોટેલ ઉપર ગયાં. ત્યાંથી સોમવારે સવારે ઘરે આવ્યાં. મહેમાનો અને બધાં ગયાં અને સાંજ પડતાં પડતાં ઘર આખું ખાલી થઈ ગયું. રાત્રે જમવાના સમયે હું અમારા બેડરૂમમાં હતી અને બધું ગોઠવતી હતી ત્યાં જ મિહિર જમવાની ડિશ લઈને આવ્યો. મેં તેને કહ્યું કે, કેમ અહીંયાં. તેણે કહ્યું આપણે અહીંયાં જ બેસીએ. મેં તેને પૂછયું કે, મમ્મીનું શું. તે બોલ્યો કે એ ખાશે ખાવું હશે ત્યારે. મેં ફ્રી સવાલ કર્યો કે તું એમને પૂછી તો જો, એવું હોય તો અહીંયાં જ આપણે ત્રણેય જમી લઈએ, તેમને બોલાવી લાવ. મિહિર ગુસ્સે થઈ ગયો. યાર લગ્નને હજી એક દિવસ થયો છે. હું રોમેન્ટિક થવા મથું છું ત્યાં તું મમ્મીને વચ્ચે લાવે છે. મેં તેને સવાલ કર્યો કે સારું ચાલ મને એટલું જ જણાવ કે, તારે દરરોજ મારી સાથે અથવા તો મમ્મી સાથે જમવાનું હોય તો તું કોને પસંદ કરીશ. તેણે મને કહ્યું ઓફ્કોર્સ તને. મમ્મી તો હવે ઘરડી થઈ ગઈ. તેની અનુકુળતાએ ખાઈ લે.

ભઈ તમે જ જણાવો કે પોતાનો સ્વાર્થ જોનારો એ મિહિર મારા બાપ અને ભાઈ જેવો જ છે ને. આ મારો બાપ પરણીને મા-બાપથી જુદો થઈ ગયો. આ ભાઈ, બાયલો… લગ્ન કરીને અલગ રહેવા જતો રહ્યો. સાલું દરેક લોકો આવી રીતે પરણીને પોતાના માવતરને મૂકીને જતા રહે તો કેવી રીતે ચાલે. ૨૫ વર્ષ સુધી જે મા એના મિહિર વગર જમતી નહોતી, ઊંઘતી નહોતી, અરે તેની ચિંતામાં સરખી જીવતી નહોતી, તેને એક રાતના સુખમાં તો ભઈ છોડી દેવા તૈયાર થઈ ગયો. નફ્રત છે મને આવા નમાલાઓથી. જે માવતરને નથી સાચવતો એની ઉપર મારે શું વિશ્વાસ કરવાનો.

મને સખત ઝાટકો લાગ્યો. મારા કરતાં તેના પિતા અને ભાઈને વધારે આંચકો લાગ્યો. મધર્સ ડેના દિવસે આ વાત એટલા માટે કરવી પડી કે, જે સ્ત્રીએ ગર્ભાધાનથી માંડીને અત્યાર સુધી આપણા માટે પીડા સહન કરી, અભાવ સહન કર્યા, આપણા માટે ઉજાગરા કર્યા, આપણને કોળીયા ભરાવ્યા, આપણી બિમારીમાં સતત આપણી સાથે રહી, આપણી કારકિર્દી માટે પોતાના સુખ અને સ્વપ્નોને ન્યોચ્છાવર કરી દીધાં તેને આપણે પૂરતું માન પણ આપી શકતા નથી.

ક્યારેક પોતાની જાતને સવાલ કરજો કે તમને તમારા મમ્મીનો ફેવરિટ કલર ખબર છે? તેને શું ગમે છે અથવા તો શું ભાવે છે એ ખબર છે? તે જાતે પોતાના માટે એકલી કંઈક શોપિંગ કરી આવી અને તમારી મહત્ત્વની વસ્તુઓ વિશે ચલાવી લેવા કહ્યું છે? તમે ઓફ્સિથી અથવા તો મિત્રો સાથે ફ્રીને મોડા ઘરે આવ્યા હોવ ત્યારે તમારી રાહ જોતું કોણ જાગતું હોય છે? તમે ભરપેટ જમીને આવ્યા હોવ છતાં એક વખત પૂછશે કે દીકરા તું જમ્યો, દીકરી તું બરાબર જમીને આવી છે ને કે કંઈક બનાવું? ત્યારે આપણે ઈરિટેશનથી જવાબ આપીએ છીએ કે, યાર ખાધું ભઈ તું સુઈ જા ને… મારી ચિંતા ના કરીશ, મને સમજણ પડે છે. ઉપરના સવાલો એવા છે જેના જવાબ તેના પતિ પાસે પણ નહીં હોય છતાં તે ઘરના તમામ લોકોના ગમા-અણગમા જાણતી હશે. તમારું ગમતું શાક, તમારી ભાવતી વાનગી, તમારો ગમતો રંગ, તમારો મૂડ ક્યારે સારો હોય છે અને ક્યારે ખરાબ અને તમારી તમામ બાબતો વિશે તે બધું જ ધ્યાન રાખે છે. ઘરના દરેક વ્યક્તિની દરેક બાબતોની તેને જાણ હોય છે. બીજી તરફ આપણને તેની વાતો ઈરિટેટિંગ, બોરિંગ, ભાષણ જેવી લાગે છે. આવા સમયે અનિલ ચાવડાની ઉપરોક્ત પંક્તિ સાચી લાગે.

ઈશ્વરે માણસ થઈને અવતરવા માટે પણ માતાની કુખ પસંદ કરી છે. ઈશ્વરને ખબર છે કે, તેના ખોળામાં માથું મૂકીશ એટલે દુનિયાભરની ચિંતાઓ શાંત થઈ જશે. તે માત્ર માથે હાથ મૂકશે ને તો આખું બ્રહ્માંડ શાંત થઈ ગયું હશે તેવી રાહત થશે. તેના પાલવ પાછળ સંતાઈ જઈશ તો દુનિયાનાં સમગ્ર દુઃખ, પીડા, વ્યથા મને શોધી નહીં શકે. આવી માતાનું આપણે રોજ અપમાન કરીએ છીએ અને પછી નવરાત્રીમાં નક્કોરડા ઉપવાસ કરીએ, ચાલતા અંબાજી જઈને મા અંબાને રિઝવવા મથીએ. ક્યાંથી એ પ્રસન્ન થવાની. ઈશ્વર પાસે આપણે અહોભાવથી ઊભા રહીએ તેના કરતાં હજાર ગણો અહોભાવ ઘરમાં રહેલી એ મા માટે રાખવો પડે કારણ કે તેણે પોતાના જીવ કરતા વધારે જતન તેણે આપણું કર્યું છે.

માત્ર તેની ખુશી અને આનંદ માટે સેલ્ફ્િઓના પાખંડો છોડીને સાચા મનથી તેને ભેટજો… તેને એક વખત કહેજો કે તમે તેને ચાહો છો. તેને કહેજો કે મા, મારા જીવનમાં તારું સ્થાન વિશેષ છે. પછી મને નથી લાગતું કે ભેટસોગાદો કે કેક લાવવાની જરૂર પડે. મધર્સ ડેને ઉત્સવ તરીકે ઉજવવા કરતાં મધર સાથે અડધો કલાક પસાર કરશો તો પણ તેના જીવનમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો