ફિલ્મમાં સ્ટાર સિસ્ટમનો અંત આવશે? - Sandesh
  • Home
  • Columnist
  • ફિલ્મમાં સ્ટાર સિસ્ટમનો અંત આવશે?

ફિલ્મમાં સ્ટાર સિસ્ટમનો અંત આવશે?

 | 12:39 am IST

રેડ રોઝ :- દેવેન્દ્ર પટેલ

૨૦૧૮ના વર્ષના અંતિમ દિવસોમાં લેજન્ડરી ફિલ્મમેકર મૃણાલ સેનનું નિધન થયું. તેના થોડા જ દિવસ બાદ નવા વર્ષના આરંભે એક્ટર, કોમેડિયન, વિલન અને ફિલ્મોના સંવાદ લેખક કાદર ખાને પણ કેનેડામાં અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ જગતની એક યાદગાર પેઢી જાણે કે વિદાય લઈ રહી છે. મૃણાલ સેન હિન્દી ફિલ્મ જગતમાં નવી તરાહની ફિલ્મોના આરંભકાર હતા. ‘ભુવન શોમ’ ફિલ્મ તેનો શ્રેષ્ઠ નમૂનો છે. એક્ટર કાદર ખાને વિલન અને કોમેડિયન તરીકે યાદગાર ભૂમિકાઓ અદા કરી.

ફિલ્મ એક એવી દુનિયા છે જ્યાં સમયાંતરે લોકોની રુચિ પ્રમાણે ફિલ્મોના વિષય પણ બદલાય છે. ભારતની આઝાદીની આસપાસ ખ્વાજા અહમદ અબ્બાસે રાજકપૂર માટે લખેલી ફિલ્મોમાં ફૂટપાથ પર જિંદગી ગુજરનાર ગરીબોની આસપાસની વ્યથા-કથા રહેતી. એ બધી જ શ્રેષ્ઠ અને સર્જનાત્મક ફિલ્મો હતી. એ જ રાજકપૂર વર્ષો બાદ ‘સંગમ’ અને ‘બોબી’ જેવી કર્મિશયલ ફિલ્મો લઈને આવ્યા. દેશમાં ઉદ્યોગપતિઓના શોષણ સામે ‘પૈગામ’ જેવી ફિલ્મો બની. એ જ સમયગાળામાં પારિવારિક વિષયો પર ‘ગૃહસ્થી’ અને ‘મૈં ચૂપ રહુંગી’ જેવી ફિલ્મો બની. હવે ‘ધૂમ’ અને ‘રેસ’ જેવી ફિલ્મો પણ આવી અને તે જમાનો પણ અસ્ત થવા લાગ્યો.

વિતેલા વર્ષ ૨૦૧૮માં પણ ઘણાં બધાં પરિવર્તનો આવ્યાં. ક્યારેક એમ કહેવાતું હતું કે બોલિવુડમાં ‘સેક્સ’ અને ‘શાહરૂખખાન’ આ બે જ ચાલે છે. પરંતુ ૨૦૧૮માં એ ફોર્મ્યુલા પણ અસફળ રહી. શાહરૂખખાનની ફિલ્મ- ‘ઝીરો’ કોઈ ખાસ કૌવત દેખાડી શકી નહીં. એ જ રીતે ‘હેટ સ્ટોરી ૪’માં નગ્નતા હોવા છતાં દર્શકોએ તેમાં કોઈ રુચિ દર્શાવી નહીં. એથી ઊલટું ‘સુઈ ધાગા’ અને ‘રાઝી’ જેવી ફિલ્મો દર્શકોને વધુ પસંદ આવી.

બોલિવુડમાં એવી માન્યતા રહી છે કે દિવાળી, ગ્રીષ્મ અને નાતાલની રજાઓ દરમિયાન નવી ફિલ્મોની રજૂઆત થાય તો એ ફિલ્મોને વધુ ઓડિયન્સ મળે છે. આ વખતે એ માન્યતા પણ ગલત સાબીત થઈ. ક્રિસમસનો લાભ લેવા માટે શાહરૂખ ખાનની ફિલ્મ ૨૧મી ડિસેમ્બરે રિલીઝ થઈ પણ એ ફિલ્મને ક્રિસમસના વેકેશનનો કોઈ ખાસ લાભ મળ્યો નહીં. એ જ રીતે આમિરખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ દિવાળી વેકેશનમાં રજૂ થઈ. અત્યંત મોંઘી આ ફિલ્મમાં આમિર ખાન, કેટરીના કૈફ, અમિતાભ બચ્ચન અને ગજબની વિઝુઅલ ઈફેક્ટસ હોવા છતાં આ ફિલ્મ દર્શકોને છબીઘરો સુધી લાવી શકી નહીં. એ જ રીતે સલમાન ખાનની ફિલ્મ ‘રેસ-૩’ પણ ઉનાળાના વેકેશનમાં રજૂ થઈ પણ દર્શકોએ ફિલ્મ જ્યાં રજૂ થઈ તે છબીઘરોમાં પણ વેકેશન જ રાખ્યું.

ત્રણેય ખાન છેલ્લાં ૨૦ વર્ષથી સફળતાની ગેરંટી મનાતા રહ્યા છે. ત્રણેય શ્રેષ્ઠ અભિનેતાઓ પણ છે પરંતુ ૨૦૧૮ના વર્ષે એ ગેરંટીને પણ નાકામયાબ બનાવી દીધી. શાહરૂખ ખાન તેમની ‘રઈસ’ ફિલ્મ પછી સતત અસફળ રહ્યા છે. મિ.પરફેક્શનીસ્ટ ગણાતા આમિર ખાનની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ને પણ દર્શકોએ નકારી દીધી. એવું જ સલમાન ખાનની ‘રેસ ૩’નું થયું.

સાચી વાત એ છે કે આ નિષ્ફળતા કલાકારોની નથી પરંતુ વિષયોની છે.

આ ત્રણેય કલાકારો લોકપ્રિય છે પરંતુ સાચી વાત એ છે કે લોકોની અભિરુચિ બદલાઈ રહી છે. દર્શકોને નવા જ પ્રકારની કથાઓ જોઈએ છે, નવા જ પ્રકારની પરિકલ્પનાઓ જોઈએ છે.

એક જમાનો હતો જ્યારે માત્ર કલાકારો જ ચાલતા હતા. દેવ આનંદની કોઈ પણ ફિલ્મ રજૂ થાય એટલે બોક્સ ઓફિસ છલકાઈ જાય. દિલીપ કુમાર કે રાજ કપૂરની અભિનીત ફિલ્મ સફળતાની ગેરંટી મનાતી. પરંતુ આ જ રાજકપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. આર્થિક રીતે બેહાલ થઈ ગયેલા રાજકપૂરે સર્જનાત્મક ફિલ્મો બનાવવાનું છોડીને લોકરંજન માટે ‘બોબી’ બનાવવું પડયું હતું. બિમલ રોયે સર્જનાત્મક ફિલ્મો છોડીને ‘મધુમતી’ ફિલ્મ બનાવવી પડી હતી જે પુનર્જન્મના વિષય પર આધારીત હતી.

એક જમાનામાં વી.શાંતારામ ‘જનક જનક પાયલ બાજે’, ‘દો આંખે બારહ હાથ’ અને ‘નવરંગ’ જેવી ફિલ્મો આપતા હતા. હવે આ વિષયો ખોવાઈ ગયા છે.

એક જમાનામાં શમ્મી કપૂર અભિનીત ફિલ્મ ‘દિલ દે કે દેખો’ રજૂ થઈ ત્યારે અમદાવાદની એક સ્કૂલની ટીનએ જ વિદ્યાર્થીનીએ એ ફિલ્મ ૩૩ વખત જોઈ હતી. એ જમાનામાં નાસિર હુસેનની રોમેન્ટિક ફિલ્મો ધૂમ મચાવતી.

એક સમયે બોલિવુડમાં ડાકુઓના વિષય પર ફિલ્મો બનતી. ‘મુઝે જીને દો’ ફિલ્મ પછી છેલ્લે ‘શોલે’ ફિલ્મએ ગજબનું આકર્ષણ જમાવ્યું. હવે ડાકુઓ પર ફિલ્મ બનતી નથી.

આવો એક જમાનો હોલીવુડમાં હતો. ૧૯૫૦ પછીના ગાળામાં કાઉબોયના વિષયો પર ફિલ્મો બનતી. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તી બાદ ‘ધી લોંગેસ્ટ ડે’, ‘ધી ગન્સ ઓફ નેવરોન’, ‘ટોરા ટોરા’ અને ‘બ્રીજ ઓન રિવર ક્વાઈ’ જેવી શ્રેષ્ઠ ફિલ્મો બની. હવે એ વિષયો લુપ્ત થઈ ગયા છે.

એ જ ગાળામાં ‘ધી ટેન કમાન્ડમેન્ટસ’, ‘બેનહર’, ‘કિલયોપેટ્રા’, ‘સ્પાર્ટાકસ’ અને ‘ધી ફોલ ઓફ રોમન એમ્પાયર’ જેવી એપિક ફિલ્મો બની. એ બધી જ બીગ બજેટ ફિલ્મો હતી. એ વખતના કલાકારો જેવાં કે ચાર્લ્ટન હેસ્ટન, કર્ક ડગ્લાસ, એલિઝાબેથ ટેલર ફિલ્મની સફળતાની ગેરંટી મનાતાં હતા. એ બધી જ ઉત્કૃષ્ઠ ફિલ્મો હતી. એ વિષયો હવે ખોવાઈ ગયા છે.

એ પછી ૭૦ના દાયકામાં ‘મેકેન્નાઝ ગોલ્ડ’ જેવી ફિલ્મો બની જેમાં ગ્રેગરી પેક અને ઓમર શરીફ જેવા અભિનેતાઓનો અભિનય લોકો પર જાદુ કરી ગયો. એથીયે આગળના સમયમાં લોરલ અને હાર્ડી તથા ચાર્લી ચેપ્લીનની બ્લેક એન્ડ વાઈટમાં બનેલી કોમેડી ફિલ્મોનો એક દોર હતો. જે સમયાંતરે લુપ્ત થઈ ગયો. વર્ષો પછી બનેલી હેરી પોટર શ્રેણીની ફિલ્મો આજે પણ બાળકો માટે સદાબહાર છે. પરંતુ આ એક અપવાદ છે.

બોલીવુડને લાગે વળગે છે ત્યાં સુધી ગુરુ દત્તે વર્ષો પહેલાં ‘પ્યાસા’ અને ‘કાગજ કે ફૂલ’ બનાવી, જે ઉત્કૃષ્ટ ફિલ્મો હતી. હવે ફરી એવો દોર શરૂ થાય તો નવાઈ નહીં.

ભારતમાં બનેલી ‘મધર ઈન્ડિયા’ અને ‘મોગલે આઝમ’ સીમાચિહન રૂપ ફિલ્મો હતી. એની તોલે આવે એવાં ચિત્રોના સર્જક હવે રહ્યા નથી. મધુબાલા, મીનાકુમારી, નરગીસ, વહીદા રહેમાન, આશા પારેખ, નલિની જયવંત, વૈજયંતિમાલા, નૂતન, શ્રીદેવી, માલા સિંહા જેવી અભિનેત્રીઓના અભિનયનાં ઊંડાણ હવે ગાયબ છે.

ટૂંકમાં સમયાંતરે લોકોની રુચિ બદલાતી રહે છે. એ જમાનામાં સ્ટાર સિસ્ટમ હતી. એટલે કે કલાકારોના નામ પર ફિલ્મો ચાલતી. હવે એ સિસ્ટમ સમાપ્ત થઈ રહી છે. ફિલ્મ બાહુબલીમાં હિન્દી બેલ્ટના દર્શકો માટે નવા જ કલાકારો હોવા છતાં એ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી. એ એક આશ્ચર્યની વાત છે કે શાહરૂખખાનની ‘ઝીરો’ ફિલ્મ માત્ર ૨૦ કરોડ, સલમાનખાનની ‘હેસ ૩’ ફિલ્મ માત્ર ૨૯ કરોડની ઈનિશિયલ સાથે શરૂ થાય છે અને પહેલો જ રવિવાર આવતાં તે રૂ.૧૮ કરોડ પર નીચે આવી જાય છે.

૨૦૧૮ની સફળ ફિલ્મોની યાદીમાં ‘સ્ત્રી’, ‘રાઝી’, ‘બધાઈ હો’ આવે છે જે લોકોને પસંદ આવી.

નોંધપાત્ર વાત એ છે કે આયુષ્યમાન ખુરાના, સાન્યા મલ્હોત્રા અભિનીત ‘બધાઈ હો’ ફિલ્મ પહેલા જ દિવસે રૂ. ૭ કરોડની કમાઈ કરી લે છે અને એક જ સપ્તાહમાં સો કરોડની કલબમાં સામેલ થઈ જાય છે.

ટૂંકમાં એમ કહી શકાય કે દર્શકોને હવે બહેતરીન કહાણીની તલાશ છે. સારી વાર્તાના કારણે જ દર્શકોએ ‘સુઈ ધાગા’, ‘અક્ટૂબર’ અને રાની મુકરજીની ‘હીચકી’ ફિલ્મને પસંદ કરી. સારી અને એક બોલ્ડ કથાના કારણે જ ‘પેડમેન’ને લોકોએ સ્વિકારી.

ફિલ્મ મેકર્સે હવે એ વાત સમજી લે કે દર્શકોને ફિલ્મોમાં મોટા કલાકારો અને રંગ ઓછા હશે તો ચાલશે પરંતુ ફિલ્મની કથામાં ‘જીવન’ ભરપૂર જોઈએ છે.

www.devendrpatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન