૨૦૧૯માં પાકિસ્તાન સેનાએ ૨૦૫૦થી વધુ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ૨૧ નાગરિકનાં મોત - Sandesh
  • Home
  • India
  • ૨૦૧૯માં પાકિસ્તાન સેનાએ ૨૦૫૦થી વધુ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ૨૧ નાગરિકનાં મોત

૨૦૧૯માં પાકિસ્તાન સેનાએ ૨૦૫૦થી વધુ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ૨૧ નાગરિકનાં મોત

 | 2:37 am IST

। નવી દિલ્હી ।

જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ ખાતે પાકિસ્તાની સેના દ્વારા વારંવાર કરાતા યુદ્ધવિરામ ઉલ્લંઘન સામે ઉગ્ર વાંધો ઉઠાવતા ભારતે રવિવારે પાકિસ્તાનને ૨૦૦૩માં થયેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન કરારનું ચુસ્તતાથી પાલન કરી શાંતિ જાળવવા અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૨૦૧૯માં પાકિસ્તાની સેના દ્વારા એલઓસી પર ૨૦૫૦થી વધુ વખત યુદ્ધવિરામ ઉલ્લંઘન કરાયું છે જેમાં ભારતના ૨૧ નાગરિકનાં મોત થયાં છે. અમે પાકિસ્તાનને વારંવાર અરજ કરી ચૂક્યા છીએ કે તે તેની સેનાને ૨૦૦૩માં બંને દેશ વચ્ચે થયેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનનું પાલન કરવા અને એલઓસી તથા આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિ જાળવવા જણાવે. ભારતીય સેના પાકિસ્તાની સેના દ્વારા કોઈપણ કારણ વિના કરાતી ઉશ્કેરણી અને આતંકવાદીઓને કાશ્મીરમાં ઘુસાડવાના પ્રયાસો સામે ભારે સંયમ જાળવી રહી છે.  પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાના વારંવારના પ્રયાસો બાદ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાની સેનાએ કરેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનના નવા આંકડા જાહેર કરાયા છે. પાકિસ્તાન વિશ્વના દરેક મંચ પર ભારત દ્વારા કાશ્મીરમાં માનવ અધિકારનું ઉલ્લંઘન કરી રહ્યો હોવાના આરોપ મૂકી રહ્યો છે. ભારતે પાકિસ્તાની સેના દ્વારા થતા યુદ્ધવિરામ ઉલ્લંઘન અને સરહદ પારના ત્રાસવાદનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનના દાવાઓની હવા કાઢી નાખી છે.  વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે પાકિસ્તાની સેના દ્વારા સરહદ પારથી કાશ્મીરમાં આતંકવાદીઓ ઘુસાડવાના પ્રયાસો અને એલઓસી તથા સરહદ પરની ભારતીય ચોકીઓ અને સરહદી ગામોમાં ભારતીય નાગરિકોને લક્ષ્યાંક બનાવવા સહિત કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વિના કરાતા યુદ્ધવિરામ ઉલ્લંઘન સામે વારંવાર ચિંતા રજૂ કરી ચૂક્યા છીએ.

ભારતમાં લોહીની નદીઓ વહેવડાવીશું : જૈશની ધમકી

પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે ૮ ઓક્ટોબરે રેવાડી રેલવે સ્ટેશન અને તેની પાછળના મંદિરને ઉડાવી મૂકવાની ધમકી આપી છે. પોલીસે જૈશના વડા મસૂદ અઝહરનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્રમાં લખાયું કે અમે અમારા જેહાદીઓના મોતનો બદલો જરૂરથી લઈશું. આ વખતે ભારત સરકારની સાન ઠેકાણે લાવી દઈશું. ૮ ઓક્ટોબરે રેવાડી રેલવે સ્ટેશન, રોહતક, હિસાર, કુરુક્ષેત્રના રેલવે સ્ટેશને ઉડાવી મૂકવામાં આવશે.

૨૦૦૨થી ૨૦૧૫ સુધીમાં પાકિસ્તાન સેનાએ ૧૧,૨૭૦ વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું

૨૦૧૮માં જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ વિધાનસભામાં રજૂ કરેલા આંકડા અનુસાર ૨૦૦૨થી ૨૦૧૮ સુધીમાં પાકિસ્તાની સેનાએ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ૧૧,૨૭૦ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ આંકડા ૧ જાન્યુઆરી ૨૦૦૨થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૫ વચ્ચેના સમયગાળાના છે. સૌથી વધુ યુદ્ધવિરામ ઉલ્લંઘન ૨૦૦૨માં ૮૩૭૬ વખત અને ૨૦૦૩માં ૨૦૪૫ વખત થયું હતું. ૨૦૦૪, ૨૦૦૫માં યુદ્ધવિરામનું એકપણ વાર ઉલ્લંઘન થયું નહોતું.

પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘન

વર્ષ            ઉલ્લંઘન

૨૦૧૮         ૨૯૩૬

૨૦૧૭         ૯૭૧

૨૦૧૬         ૪૪૯

૨૦૧૫         ૪૦૫

૨૦૧૪         ૫૮૩

૨૦૧૩        ૩૪૭

૨૦૧૨        ૧૧૪

વર્ષ            ઉલ્લંઘન

૨૦૧૧         ૬૨

૨૦૧૦         ૪૪

૨૦૦૯         ૨૮

૨૦૦૮         ૭૭

૨૦૦૭         ૨૧

૨૦૦૬         ૦૩

૨૦૦૫         –

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન