NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પનામા પેપર લીક કેસમાં શરીફની ખુરશી ટકી પણ તપાસ ચાલુ

પનામા પેપર લીક કેસમાં શરીફની ખુરશી ટકી પણ તપાસ ચાલુ

 | 1:44 am IST

ઇસ્લામાબાદ :

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા ગુરૂવારે બહુચર્ચિત પનામા પેપર્સના કેસમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફની સંડોવણી અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા નવાઝ શરીફ સામે તપાસ કરવા સંયુક્ત ટીમની રચનાનો નિર્ણય લેવાયો હતો. સુપ્રીમના પાંચ જજનો ચુકાદો વિભાજિત હતો, જેમાં ૩ વિરૂદ્ધ ૨ના આધારે નવાઝ સામે સંયુક્ત તપાસ ટુકડી દ્વારા તપાસના આદેશો આપ્યા હતા. ૩ જજ નવાઝની તરફેણમાં હતા જ્યારે બે જજ નવાઝને અયોગ્ય જાહેર કરવાના મૂડમાં હતા. આ ચુકાદા પછી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ નવાઝ શરીફનું રાજીનામું માગ્યું હતું.

કૌભાંડની ફરી તપાસ થશે : નવાઝ અને પુત્રોએ હાજર થવું પડશે

પનામા લીક કેસમાં નવાઝ અને તેમના પરિવારના સભ્યોની સંડોવણીની ફરીથી તપાસ કરવામાં આવશે. આ માટે સંયુક્ત તપાસ ટીમ(જેઆઈટી) રચાશે. કતારમાં પૈસા મોકલવા માટે નવાઝે કૌભાંડ આચર્યું છે કે કેમ તેની જેઆઈટી તપાસ કરશે. નવાઝ અને તેમના બંને પુત્રોએ તપાસ ટીમ સામે હાજર થવાનું રહેશે.

શું છે મામલો?

પનામા પેપર લીક કેસમાં નવાઝ શરીફ અને તેમના પુત્રોની માલિકીની કેટલીક કંપનીઓેએ વિદેશમાં જંગી રોકાણ કર્યાના અહેવાલો બહાર આવ્યા હતા. આ કંપનીઓએ કરોડો ડોલરમાં લેવડદેવડ કરી હોવાનું જણાયું હતું. આ કેસમાં સુપ્રીમે અગાઉ ૨૩ ફેબ્રુઆરીએ તેનો ચુુકાદો અનામત રાખ્યો હતો.

પનામાગેટમાં કોનાં કોનાં નામ?

હાલ તપાસ ટુકડી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાવાની હોવાથી નવાઝની ખુરશી બચી ગઈ છે. તેમને હાલ હોદ્દા પરથી દૂર કરવામાં આવશે નહીં. આમ હાલ શરીફને આ કેસમાં રાહત મળી છે પણ તેમણે જેઆઈટીની તપાસમાંથી પસાર થવું પડશે. જોઇન્ટ તપાસ ટુકડી સાત દિવસમાં રચાશે અને તેણે ૬૦ દિવસમાં તેનો રિપોર્ટ આપવાનો રહેશે. સંયુક્ત તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવશે. પનામા ગેટમાં નવાઝ શરીફ, તેમની પુત્રી મરિયમ, પુત્ર હસન નવાઝ અને હુસેન નવાઝ તેમજ શરીફના જમાઈ રિટાયર્ડ કેપ્ટન મુહમ્મદ સફદર અને નાણાપ્રધાન ઈશાક દાર સામે ભ્રષ્ટાચારના આરોપો છે.

શરીફે સામે પૂરતા પુરાવા નથી

નવાઝ સામેની સંયુક્ત તપાસ ટીમ તેમણે કતાર મોકલેલા પૈસાનાં કૌભાંડની પણ તપાસ કરશે. કોર્ટે કહ્યું કે નવાઝ અને તેમના બે પુત્રોએ તપાસ ટીમ સામે હાજર થવાનું રહેશે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી તપાસ ટીમનો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી તેમણે પીએમપદેથી રાજીનામું આપવાની જરૂર નથી. પનામાગેટમાં તેમની વિરૂદ્ધ પૂરતા પુરાવા નથી.

રાજકીય પક્ષોએ કોર્ટમાં કેસ કર્યો હતો

કોર્ટનો આ ચુકાદો વહેલો કે મોટો નવાઝનાં ભાવી પર માઠી અસર કરશે. પાકિસ્તાનના કેટલાક રાજકીય પક્ષો તહરીક-એ- ઇન્સાફ, જમાત-એ-ઇસ્લામી, અવામી મુસ્લિમ લીગ તેમજ અન્ય દળોએ નવાઝ શરીફ સામે કોર્ટમાં અરજી કરી હતી. કેટલાક વિદેશી રાજકારણીઓ દ્વારા વિદેશોમાં કંપનીઓમાં જંગી બ્લેક મનીનું રોકાણ કરાયું હોવાનો પર્દાફાશ થયો હતો તેમાં શરીફના પરિવારના સભ્યોનાં નામ પણ બહાર આવ્યાં હતાં. આને કારણે પાકિસ્તાનનાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.   બીજી તરફ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પાંચ જજની બેન્ચે વિભાજિત ચુકાદો આપ્યો હતો. ૩ જજે નવાઝ સામે સંયુક્ત તપાસ ટીમ દ્વારા તપાસના આદેશ આપ્યા હતા જ્યારે ૨ જજે નવાઝને અયોગ્ય ઠરાવવાનું નક્કી કર્યું હતું.