ટૂંકાગાળામાં ઉત્પાદન આપતો શ્રેષ્ઠ ગાજર-મૂળાનો શિયાળુ પાક , આ રીતે કરશો ખેતી તો થશે ફાયદો - Sandesh
  • Home
  • Agro Sandesh
  • ટૂંકાગાળામાં ઉત્પાદન આપતો શ્રેષ્ઠ ગાજર-મૂળાનો શિયાળુ પાક , આ રીતે કરશો ખેતી તો થશે ફાયદો

ટૂંકાગાળામાં ઉત્પાદન આપતો શ્રેષ્ઠ ગાજર-મૂળાનો શિયાળુ પાક , આ રીતે કરશો ખેતી તો થશે ફાયદો

 | 7:00 am IST

ભારતભરમાં લગભગ દરેક વિસ્તારમાં મૂળા અને ગાજરનો પાક થાય છે. ગાજરના કંદ શાકભાજી ઉપરાંત અથાણા તથા મીઠાઈ બનાવવામાં ખૂબ જાણીતા છે.ગાજરમાં પ્રોટીન, ચરબી, શર્કરા ઉપરાંત ખનીજ તત્વનું પ્રમાણ વિપુલ છે. ગાજરના કંદમાં કેરોટીન નામના રંગદ્રવ્યનું પ્રમાણ ખૂબ જ રહેલું છે. જેનું યકૃતમાં પાચન થતા વિટામિન ‘એ’ પુષ્કળ પ્રમાણમાં બને છે. ગાજરનું સૂપ શરીરમાં શક્તિ-સ્ફૂર્તિ લાવવા માટે શ્રેષ્ઠ પુરવાર થયેલ છે. આ ઉપરાંત તેના પાનમાં પણ પ્રોટીન, વિટામિન તથા ખનીજ તત્વો વિપુલ પ્રમાણમાં હોઈ પશુઆહાર માટે ઉત્તમ ખોરાક ગણાય છે.તેનાથી પશુ તંદુરસ્ત બને છે અને વધુ દૂધ આપી શકે છે. ભારતમાં ગાજરની ખેતી ઉત્તર ભારતના રાજ્યોમાં વધુ પ્રમાણમાં અને બાકીના રાજયમાં ઓછા વધતા પ્રમાણમાં અને ગુજરાતમાં મુખ્યત્વે પાટણ, અમદાવાદ, ખેડા, મહેસાણા, ભાવનગરના વિસ્તારમાં વધુ થાય છે.

મૂળાના પાન, ફૂલ તથા કુણીશીંગો (મોગરી)નો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. કાચા મૂળા એકલા અથવા કચુંબર બનાવીને તેમજ પાનને કાચા કે રાંધીને ભાજી તરીકે ખાઈ શકાય છે. કાચી મોગરી તથા ફૂલ જમવાની ડીશની શોભા અનેકગણી વધારી દે છે. કુમળા મૂળાનો આહારમાં ઉપયોગ કરવાથી જઠરાગ્નિ સતેજ થાય છે. મૂળાના પાન પાચનમાં હલકા અને ગરમ છે. જેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી પેશાબમાં છૂટ રહે છે અને દસ્ત સાફ આવે છે. પાન ખનીજ તત્વો તથા વિટામીન એ, અને સી થી સમૃદ્ધ હોય છે.ભારતમાં મૂળાની ખેતી ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ ઉપરાંત દરેક રાજ્યમાં વત્તે ઓછે અંશે જ્યારે ગુજરાતમાં મૂળાનું વાવેતર મુખ્યત્વે ખેડા, મહેસાણા, અમદાવાદ તેમજ અન્ય જિલ્લાઓમાં ઓછા વધતાં પ્રમાણમાં થાય છે.

ગાજર-મૂળા માટે જમીન-આબોહવા  

ગાજર અને મૂળાના પાકને સારા નિતારવાળી, ઊંડી- ભરભરી અને ગોરાડુ જમીન વધુ અનુકૂળ આવે છે.ચીકણી ભારે જમીન તેમજ વધુ અમ્લતાવાળી જમીન આ પાકને માફક આવતી નથી પરંતુ જે જમીનમાં પોટાશનું તત્વ વધુ હોય તેવી જમીન આ પાકને વધુ માફક આવે છે.ઠંડી ઋતુના પાક હોઈ શિયાળુ ઋતુમાં લેવામાં આવે છે. આ પાકોને ઠંડુ અને સૂકુ હવામાન વધુ માફક આવે છે. મૂળાનો પાક ૧૦થી ૧૫ં સે. ઉષ્ણતામાનમાં સારો થાય છે.ગાજરના પાક માટે ૧૫ંથી ૨૦ં સે. ઉષ્ણતામાન વધુ માફક આવે છે. આ ઉષ્ણતામાને ગાજરના કંદનો રંગ એકદમ સારો આવે છે તેનાથી ઊંચા કે નીચા ઉષ્ણતામાને કંદનો રંગ ફિક્કો રહે છે.

ગાજરની જાતો  

ગાજરની જાત રંગને આધારે એશિયાઈ અને યુરોપીયન એમ બે સમૂહમાં વર્ગીકૃત કરાયેલ છે.

પુસા કેસર

ગાજરની જાત એશિયાઈ (લોકલ રેડ) અને યુરોપીયન (નાન્ટીસ હાફ) જાતોના સંકરણથી તૈયાર કરાયેલ છે. કંદ રંગે ઘેરા લાલ, અણીદાર,પીળો પાતળો, રંગીન અને ઓછી શાખાવાળો હોય છે કંદમાં કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે. કંદ ૮૦થી ૯૦ દિવસે કાપણી માટે લાયક થાય છે.

નાન્ટીસ

કંદ રંગે કેસરી, નળાકાર, પાતળા, અણી વગરના, પૂંછડીવાાળા, સ્વાદે મીઠાં હોય છે.

એન્ટીની

કંદ ઘાટ્ટા લાલાશ પડતા નારંગી રંગના, શંકુ આકારના લીસા અને છેડે બુઠ્ઠા હોય છે. કંદ ૧૨૦ દિવસે તૈયાર થાય છે.આ ઉપરાંત અન્ય જાતોમાં ગોલ્ડન હાર્ટ અને કાશ્મીરી બ્યુટી જેવી જાતો ઉપલબ્ધ છે.

મૂળાની અગત્યની જાતો

મૂળાની જાતો તેના કંદ, આકાર, રંગ, તીખાશ અને કેટલા દિવસ સુધી ખાઈ શકાય તેવા કુમળાં રહે તેના આધારે વર્ગીકૃત કરાયેલ છે.યુરોપિય જાતના મૂળાની કંદ નાના અને સ્વાદે તીખાશ વગરના, કચુંબર તરીકે ઉપયોગી છે. આ જાતો ભારતમાં વધુ પ્રચલિત નથી.મૂળાની ગોળાકાર રેપિડ રેડ જાત ૨૫ દિવસે જ્યારે વ્હાઈટ આઈસીકલ ૩૦ દિવસમાં તૈયાર થાય છે.પુસા દેશી, પુસા રશ્મિ, પુસા હિમાની,પુસા ચેતકી જેવી જાતો આપણા ઝોન માટે ભલામણ કરવામાં આવેલ જાત છે.

પુસા દેશી

કંદ રંગે સફેદ ૩૩થી ૩૫ સે.મી. લાંબા, મધ્યમ જાડા,અણીદાર અને સ્વાદે તીખા હોય છે

પુસા રશ્મિ

રંગે સફેદ ૩૩થી ૩૫ સે.મી. લાંબા, મધ્યમ જાડા,એકસરખા,સુંવાળા,સ્વાદે તીખા હોય છે.

પુસા હિમાની

કંદ સફેદ,૧૫થી ૨૨સે.મી. લાંબા, મધ્યમ તીખા હોય છે.. બારેમાસ વાવણી માટે  અનુકૂળ  જાત છે.

પુસા ચેતકી

કંદ રંગે સફેદ,૧૫થી ૨૨સે.મી. લાંબા,જાડા, સુંવાળા, ખૂબ જ નરમ અને સ્વાદે તીખા હોય છે.

જમીનની તૈયારી અને વાવણી

જમીનને ૨૦થી ૨૫ સે.મી. જેટલી ઊંડી ખેડ કરી જમીનના ઢેફાં બરાબર ભાંગી, ભરભરી કરી જમીનને સમતળ કરવી ત્યારબાદ અનુકૂળ સાઈઝના સપાટ ક્યારા બનાવી તેમાં મૂળા તેમજ ગાજરનાં બીજ પૂંખીને વવાય છે.

બીજનો દર

ગાજર તેમજ મૂળાના વાવેતર માટે બીજનો દર ૮થી ૧૦ કિલોગ્રામ પ્રતિ હેકટરનો ઉપયોગમાં લેવામાં  આવે છે.

મૂળા-ગાજર માટે જરૂરી ખાતર

જમીનને તૈયાર કરતી વખતે ૧૫થી ૨૦ ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવવું.ગાજરને ૧૦૦:૫૦:૫૦ ના.ફો.પો. અને મૂળાને ૫૦-૫૦-૫૦કિ.ગ્રા./હે. રાસાયણિક ખાતર હેકટરે આપવા, જેમાં વાવણી સમયે ૫૦:૫૦:૫૦ ના.ફો.પો. આપવા અને વાવણી પછી ૨૦ દિવસ બાદ ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન બંને પાકને પૂર્તિ ખાતર તરીકે આપવો.

પિયત અને નીંદામણ

મૂળા તેમજ ગાજરમાં વાવણી બાદ તરત જ પ્રથમ પિયત આપવું. બીજું પિયત ૪થી ૬ દિવસ બાદ અને ત્યારબાદ જમીનની જાત અને ઋતુ પ્રમાણે જરૂરિયાત મુજબ પિયત આપવાં.જો બીજ નજીક ઉગ્યા હોય તો દરેક છોડના મૂળના વિકાસ માટે પૂરતી જગ્યા મળી રહે તે રીતે છોડ આછા કરવા અને જરૂરિયાત મુજબ બેથી ત્રણ આંતરખેડ તેમજ નીંદામણ કરતા રહેવું.

સરળ રીતે કાપણી

ગાજરનો પાક વાવણી બાદ ૯૦થી ૧૧૦ દિવસે તૈયાર થાય છે.બંને પાકને કાપણી પહેલા બેથી ત્રણ દિવસે પિયત આપવાથી જમીન ભેજવાળી અને નરમ બને છે. જેથી ઉપાડવામાં સરળતા રહે છે. ગાજરના પાન કાપીને કંદ કોથળામાં કે ટોપલામાં ભરી બજારમાં વેચાણ માટે મોકલવા.મૂળાનો પાક ૪૦થી ૪૫ દિવસે તૈયાર થાય છે.મૂળાના કંદ પાકટ થઈ જાય તે પહેલા જમીનમાંથી પાન સાથે હાથ વડે ઉપાડી પાણીથી ધોઈ સાફ કરી ૩થી ૫ નંગની જૂડી બનાવી બજારમાં વેચાણ માટે મોકલવા.

કેટલું ઉત્પાદન મળે?

ગાજરનું હે. દીઠ આશરે ૩૦૦૦૦ કિ.ગ્રા. જ્યારે મૂળાનું   હેકટર દીઠ આશરે ૧૫થી ૨૦હજાર કિ.ગ્રા. જેટલું કંદનું ઉત્પાદન મળે છે.

ગાજર અને મૂળામાં જીવાત નિયંત્રણ

મશી-આ જીવાત પાનમાંથી રસ ચૂસે છે. જેથી પાકના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર માઠી અસર થાય છે. આ જીવાતના નિયંત્રણ માટે ડાયમીથોએટ અથવા મીથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ લીટર પાણીમાં ૧૦ મી.લી. દવાનું મિશ્રણ કરી  છંટકાવ કરવો.

ડાયમંડ બ્લેક મોથ અને રાઈની માખી-આ બંને જીવાતની ઈયળો મૂળાના પાન ખાઈને નુકસાન કરે છે જેના નિયંત્રણ માટે એન્ડોસલ્ફાન ૧૦ લીટર પાણીમાં ૨૧ મી.લી. દવા મિશ્ર કરી છંટકાવ કરવો.

મૂળાના પાકમાં મોઝેક તથા ગેરૂના રોગ દેખાય છે. પરંતુ તેનાથી ખાસ નોંધપાત્ર નુકસાન થતું નથી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન