રમતગમતની દુનિયામાં પણ યૌન શોષણનું ગ્રહણ! - Sandesh
  • Home
  • Columnist
  • રમતગમતની દુનિયામાં પણ યૌન શોષણનું ગ્રહણ!

રમતગમતની દુનિયામાં પણ યૌન શોષણનું ગ્રહણ!

 | 5:50 am IST

ઓવર વ્યૂ

યૌનશોષણની તમામ ફરિયાદોની વચ્ચે ભારતીય ખેલ પ્રાધિકરણ ( સાઇ )એ એ વાતનો સ્વીકાર કર્યો છે કે યૌન ઉત્પીડનના આ પ્રકારના કેસોમાં દોષિતોને કડકમાં કડક સજા કરવાની જરુર છે. પરંતુ એ સ્વીકારનો ત્યાં સુધી કોઇ અર્થ નથી, જ્યાં એ દિશામાં કોઇ કડક પગલાં ભરાય નહીં.

છેલ્લા એક દાયકામાં ભારતીય ખેલ પ્રાધિકરણ ( સાઇ ) ના અલગ અલગ એકમોમાં યૌન ઉત્પીડનના ઓછામાં ઓછા ૪૫ કેસો પ્રકાશમાં આવ્યા છે. આરટીઆઇ અને સત્તાવાર હેવાલમાં જણાવાયેલા આ કેસોમાં છેડછાડથી માંડીને શારીરિક શોષણ જેવા કેસો સામેલ છે. એ ઓછું હોય એમ મોટા ભાગના કેસોમાં આરોપીઓ છૂટી પણ ગયા છે, જ્યારે કેટલાક કેસોમાં હજુ વર્ષોથી પૂછપરછ જ ચાલ્યા કરે છે ! દેશનું પ્રતિનિધિત્વ કરનારી ખેલાડીઓ સાથેના યૌન ઉત્પીડનના મામલે પણ આપણે કેટલા ગંભીર છે, તે એ વાત પરથી ફલિત થાય છે, ત્યારે આરોપીઓને સજા થાય અને રમતગમત એક તંદુરસ્ત ક્ષેત્ર બની રહે એ જરુરી છે.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મહિલા સશક્તિકીકરણ પર એક સંસદીય સમિતિની રિપોર્ટમાં કહેવાયું હતું કે, એના કેસોની સંખ્યા વધુ પણ હોઇ શકે છે કેમકે કેટલીક વખત કોચોની વિરુદ્ધ કેસ નોંધાતા જ નથી. આ રિપોર્ટમાં કહેવાયું હતું કે, સમિતિને એ દુર્ભાગ્યપૂર્ણ લાગે છે કે સંરક્ષક અને માર્ગદર્શક પોતે જ શિકારી બની રહ્યા છે. સંસદીય સમિતિનું એમ માનવું છે કે કેટલીય વખત કોચોની વિરુદ્ધ કેસ જ નોંધાતા નથી, એ ગંભીર બાબત છે.

એ સત્ય છે કે રમતજગતની દુનિયાથી લઇને કામના સ્થળે મહિલાઓ પોતાની વિરુદ્ધ થઇ રહેલા શારીરિક અને માનસિક શોષણ સામે અવાજ ઉઠાવી રહી નથી અને તેનું કોઇ એક કારણ નથી. વાત મહિલા ખેલાડીઓની હોય કે અન્ય નોકરિયાત મહિલાઓની, પોતાના સપના સાકાર કરવા, આર્થિક રીતે મજબુત થવા અને પરિવારની આર્થિક મદદ કરવાથી કંઇક વધુ પોતાના ખભા પર પરિવારના તથાકથિત માનનો બોજો એ હદે નાંખી દેવામાં આવ્યો છે કે છદ્મ માનની આગળ પોતાની શારીરિક અને માનસિક પીડાને તિલાંજલિ આપવી પડે છે. જો કે મહિલાઓ પોતાની સાથે થઇ રહેલા કોઇ પણ પ્રકારના દુર્વ્યવહારની ફરિયાદ કરતી જ નથી અને જો ફરિયાદ કરવાનું સાહસ તે દેખાડે તો તેને પોતાને જ એવા કઠેડામાં ઊભી કરી દેવાય છે કે જ્યાં તેને તેનો પરિવાર અને સમાજ એટલે સુધી કે તેની સાથે કામ કરનારા સાથી પણ પૂછે છે કે તમારી સાથે જ કેમ અને બીજી છોકરીઓ પણ છે ને. એ કેમની સાથે જ ચરિત્ર સાથે સવાલો પુછાવા માંડે છે કે પીડિતાનો આત્મવિશ્વાસ પણ ડગી જાય છે.

ભારતની જ નહીં , વિશ્વભરની પિતૃસત્તાત્મક વ્યવસ્થાના મૂળ ઘણા ઊંડા છે અને અહીં માનવ હોવાનો વાસ્તવિક અધિકાર ફક્ત પુરુષોને જ મળેલો છે. મહિલાઓ શરીરથી વિશેષ કશું જ નથી. અને જ્યારે વાત રમતગમતની આવે છે, ત્યારે સ્થિતિ વધુ ગંભીર બને છે. આ સંદર્ભે માર્ચ ૨૦૧૩ થી જાન્યુઆરી ૨૦૧૫ સુધી સાઇ મહાનિર્દેષક તરીકે ફરજ બજાવનારા થોમસનનું નિવેદન ઉલ્લેખનીય છે. તેઓ કહે છે કે, મોટા ભાગની છોકરીઓ ગરીબ પરિવારમાંથી આવે છે, તેથી તેમને પોતાનું નિવેદન બદલી નાંખવા કે ફરિયાદ પાછી ખેંચવા માટે રાજી કરી દેવાય છે કે દબાણ કરાય છે. એ સંજોગોમાં આરોપીઓ છૂટી જાય છે અને સજા થાય તો પણ ફક્ત એક વર્ષના પેન્શનમાં દસ ટકાનો કાપ મૂકવા પૂરતી જ સીમીત થઇ જાય છે, ત્યારે અપરાધીઓનું મનોબળ વધે છે અને આ પ્રકારના કિસ્સાઓ સતત વધતા જ જઇ રહ્યા છે. જે મહિલાઓ પાસે આપણે રાષ્ટ્રીય ગૌરવ વધારવાની આશા રાખતા હોઇએ, ત્યારે તેમનું ગૌરવ- આત્મસન્માન જળવાય એ દિશામાં પણ ત્વરીત અને કડક પગલાં ન ભરાય તો દેશના આ તારલાઓની ચીસ ક્યાંક ધરબાઇ જઇને દેશના ગૌરવને જ ગ્રહિત કરતી જણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન