ટ્રાન્સપોર્ટમાં ખરેખર ક્રાંતિ કે ભ્રાંતિ! - Sandesh

ટ્રાન્સપોર્ટમાં ખરેખર ક્રાંતિ કે ભ્રાંતિ!

 | 3:23 am IST

પોઈન્ટ બ્લેન્કઃ એમ. એ. ખાન

આપણા દેશના નામે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ જાય એવી ઘટના આકાર લઈ રહી હોવાના સમાચાર છે. આન્ધ્રપ્રદેશની રાજધાની અમરાવતિ આપણા દેશના તમામ રાજધાનીના શહેરોમાં સૌથી યુવાન રાજધાની છે. એ સૌથી છેલ્લે રાજધાનીનું શહેર બન્યું છે. પરંતુ કદાચ સૌથી ઝડપી વાહન વડે લોકોને આવ-જા કરવાની સગવડ આપનાર સૌથી પહેલું શહેર બની જશે. માત્ર ભારતનું જ શા માટે, સમગ્ર વિશ્વનું સૌથી પહેલું શહેર બની જશે. કારણ કે અહીં હાયપર લૂપ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાના કરાર થયા છે. હાયપર લૂપ સિસ્ટમ દુનિયાના કોઈપણ શહેરમાં હજી સુધી બની નથી. એટલે સમગ્ર વિશ્વમાં હાયપર લૂપ સિસ્ટમથી લોકોને અવરજવર કરાવનાર સૌથી પહેલું શહેર અમરાવતિ બની જશે. અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી એક કંપનીના વિજ્ઞાાનીઓ અત્યારે આન્ધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો ખૂંદી રહ્યા છે. તેઓ હાયપર લૂપ બનાવવા માટેની આદર્શ જગ્યા તપાસી રહ્યા છે. દોઢેક મહિનામાં તેમનો રિપોર્ટ ત્રણેય રાજ્ય સરકારોને આપી દેશે. એના આધારે નક્કી થશે કે હાયપર લૂપ શહેરની બહાર બનાવી શકાય એમ છે કે નહીં, બનાવી શકાય એમ હોય તો આસપાસના કયા વિસ્તારમાં બનાવી શકાય. હાયપર લૂપ બનાવવાનો ખર્ચ કેટલો આવશે અને તે બનીને કેટલા સમયમાં તૈયાર થઈ જશે.

એક વખત આ સિસ્ટમ બની જશે તો વિજયવાડાથી અમરાવતિ વચ્ચેનું ૩૫ કિલોમીટરનું અંતર માત્ર પાંચ મિનિટમાં કપાઈ જશે. હાયપર લૂપમાં બેસ અને ચા અથવા કોફીનો કપ પૂરો કરો એટલી વારમાં તો તમારે ઉતરવાનું આવી જાય! કારણ કે એમાં તમે કલાકના ૬૦૦ કિલોમીટરની સ્પીડમાં મુસાફરી કરતા હશો. આટલી પ્રચંડ સ્પીડે મુસાફરી કરવામાં જોખમ કેટલું બધું વધી જાય એવો વિચાર સહેજે આવી જાય, પરંતુ હાયપર લૂપમાં એવી ગોઠવણ કરવાનો આઈડિયા છે કે અકસ્માત થવાની શક્યતા અત્યારની ટ્રેન કે પ્લેનમાં જે શક્યતા ગણાય છે તેના કરતાં ઓછી થઈ જાય.

મુંબઈ પૂના વચ્ચે પણ એકબાજુ બુલેટ ટ્રેન દોડાવવાના જાપાન સાથે એમઓયુ થયો હોવાના સમાચાર ગાજ્યા હતા. એ જ રૂટ પર હવે હાયપર લૂપ બનાવવાના પણ કરાર થવાના છે. જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે અને હાયપર લૂપમાં ખરેખર મુસાફરોને લઈને કેપ્સ્યુલ દોડતી થઈ જશે ત્યારે હાયપર લૂપ ૨૧મી સદીનું સૌથી ઝડપી વાહનવ્યવહાર માધ્યમ બનશે. અને ત્યારે ભારતના નામે વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાઈ જશે.

આ ટેકનોલોજી બ્રિટનના રિચાર્ડ બ્રાન્સન નામના અતિ શ્રીમંત સાહસિક બિઝનેસમેનના સાહસનું પરિણામ છે. આ માણસને વિચાર આવ્યો કે આકાશ, અવકાશ કે પૃથ્વી ઉપરના વાહનવ્યવહારના ક્ષેત્રમાં અત્યારે જે શોધ-સંશોધનો થઈ રહ્યા છે એ જેતે સરકારી સંસ્થાના વિજ્ઞાાનીઓ જ કરી રહ્યા છે. આ સંસ્થાઓમાં વિજ્ઞાાનીઓ પસંદ કરવાની પદ્ધતિ છે. એમાં પાસ થાય એ જ વિજ્ઞાાની સંશોધનમાં સામેલ થઈ શકે. આખી દુનિયા જાણે છે કે ન્યૂટન અથવા આઈન્સ્ટાઈન જેવા ધૂરંધરો કોઈ લાયકાતના આધારે કોઈ સંસ્થામાં જોડાઈને સંશોધન નહોતા કરતા. આનો અર્થ એ થયો કે આ બધી સંસ્થાઓની બહાર પણ નવી ટેકનિક શોધી શકે એવી ટેલેન્ટ હોવી જ જોઈએ. તેણે ધી વર્જિન ગ્રૂપ નામની કંપની બનાવી અને આખી દુનિયાના લોકોને પડકાર કર્યો કે આકાશ, અવકાશ કે ધરતી ઉપર અત્યારે જે વાહનો ચાલી રહ્યા છે એનાથી વધારે ઝડપથી અથવા એના કરતાં ઓછા ખર્ચે અવરજવર કરી શકે એવા વાહનોની ડિઝાઈન વિચારને અમને મોકલી આપો. અમારા નિષ્ણાતો એ ડિઝાઈન ખરેખર વાસ્તવિક વાહન બનાવી શકાય એવી છે કે નહીં અને એનાથી ખરેખર સમય અથવા ખર્ચની બચત થાય એમ છે કે નહીં. જેની ડિઝાઈન ખરેખર ક્રાંતિકારી સાબિત થશે તેને ઈનામ આપવામાં આવશે. એમાં સેંકડો ડિઝાઈનો આવી છે અને ઈનામ મેળવી ગઈ છે. હાયપર લૂપ આવી જ એક ડિઝાઈન છે.

એમાં આઈડિયા એવો છે કે અંગ્રેજી વી આકારના થાંભલા ઊભા કરીને એની ઉપર ફાયબર ગ્લાસની ત્રણ મીટર વ્યાસની એરટાઈટ પાઈપલાઈન બનાવવી. આ પાઈપલાઈન લૂપમાં બનાવવી એટલે કે રબરબેન્ડની જેમ કોઈપણ આકારમાં ફરતી હોય તેના બંને છેડા જોડાઈ ગયા હોય. એમાં આ પાઈપના અંદરના વ્યાસ કરતાં ઓછા વ્યાસની એટલે કે ૨.૫ મીટરના વ્યાસની કેપ્સ્યુલ દાખલ કરી શકાય એવા એરટાઈટ દરવાજા બનાવવા. કેપ્સ્યુલ અંદરથી એટલી લાંબી બનાવવી કે તેમાં બબ્બેની જોડમાં ૨૮ બેઠકો ગોઠવી શકાય. કેપ્સ્યુલમાં મુસાફરો બેસી જાય એટલે તેને પાઈપમાં સરકાવી દેવી. પછી પાઈપલાઈનમાંથી મોટાભાગની હવા શોષી લેવી. પરિણામે પાઈપલાઈનમાં લગભગ શૂન્યાવકાશ જેવી સ્થિતિ સર્જાય. કેપ્સ્યુલની અંદર હવા ભરીને વિમાનની જેમ હવાનું કૃત્રિમ દબાણ બનાવી રાખવું. કેપ્સ્યુલની નીચે અને પાઈપલાઈનની અંદરના નીચેના ભાગમાં ચુંબકો એ રીતે ગોઠવવા કે સામસામેના અપાકર્ષણના કારણે કેપ્સ્યુલ પાઈપમાં તળિયાથી એકાદ ઈંચ ઉપર હવામાં તરતી હોય એમ અદ્ધર રહે. કેપ્સ્યુલની આગળના ભાગે વિમાન જેવો પંખો ગોઠવવામાં આવે. આ પંખો એરટાઈટ પાઈપલાઈનના લગભગ શૂન્યાવકાશ ધરાવતા નળાકારમાં કેપ્સ્યુલને આગળ દોડાવવાનું કામ કરશે. હાયપર લૂપ શી રીતે ચાલશે એની વાત અને તેના લાભ સામે મર્યાદાઓ વિશે આવતા અઠવાડિયે વાત કરીશું.

[email protected]