વડોદરામાં કોંગ્રેસે હાથ ધર્યું ગાંધી પ્રતિમાનું શુદ્ધિકરણ, જાણો કેમ? - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરામાં કોંગ્રેસે હાથ ધર્યું ગાંધી પ્રતિમાનું શુદ્ધિકરણ, જાણો કેમ?

વડોદરામાં કોંગ્રેસે હાથ ધર્યું ગાંધી પ્રતિમાનું શુદ્ધિકરણ, જાણો કેમ?

 | 5:10 pm IST

સંસદની કાર્યવાહી નહિ ચાલવા દેનારા વિપક્ષ સામે ગઈકાલે ભાજપ દ્વારા પ્રતીક ઉપવાસ કરાતા, વડોદરામાં ગાંધીનગર ગૃહ બહાર મંડપ બાંધ્યો હતો. જેમાં ગાંધીજીની પ્રતિમા અડધી ઢંકાઈ જતા વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ મંડપ ખોલી દેવાયો હતો. આજે કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાનું શુદ્ધિકરણ કરવામાં અવ્યું હતું.

સંસદની કાર્યવાહી નહિ ચાલવા દેનારા વિપક્ષ સામે ધરણા અને પ્રતીક ઉપાવસ કરતા ભાજપે વડોદરામાં ગાંધીનગર ગૃહ બહાર મંડપ બાંધ્યો હતો. જેનાથી ગાંધીજીની પ્રતિમા અડધી ઢંકાઈ જતા વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસે એનો વિરોધ કર્યો હતો. કોંગેસના વિરોધ બાદ રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમાને ઢાંકી દેનારા મંડપને ખોલી નંખાયો હતો. ગાંધીજીની પ્રતિમાનું અપમાન કોંગ્રેસે સહન ન કરતા, આજે સવારે કોંગ્રેસના કેટલાંક કાર્યકરો દ્વારા ગાંધીજીની પ્રતિમાને ગંગાજળ, દૂધથી સાફ કરવામાં આવી હતી. તે પછી ફૂલ હાર ચઢાવી નમન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે જણાવ્યું હતું કે ભાજપ ગોડસેની વિચારધારા ધરાવે છે. ભાજપ દ્વારા ગાંધીજીની પ્રતિમાનું અપમાન સાખી નહિં લેવાય. આ અંગે એઆઈસીસીના સભ્ય ઋત્વિક જોશીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

ગુરુવારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ ભાષણમાં કોંગ્રેસને ધમકી આપતા કહ્યું હતું કે ભાજપના કાર્યક્રમમાં જો કોંગ્રેસ વચ્ચે આવશે અને ટીકા કરશે તો ભાજપના કર્યકર્તાઓ સહન નહીં કરે. એટલું જ નહિ તો ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસીઓનું સરનામું ભુલાઈ દેશે. કોંગ્રેસ દેશને તોડવાનો પ્રયાસ કરી રહી છે, તે સાંખી નહિં લેવાય. જે અંગે કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિલેશ બ્રહ્મભટ્ટે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ એ ગોડશેની વિચારધારા પર ચાલે છે. ભાજપની ધમકી થી અમે ડરીશું નહી. અમે ગાંધીજીના સંસ્કારોથી વણાયેલા છીએ. અમે વિપક્ષમાં રહીને અહિંસાના માર્ગે ભાજપનો વિરોધ કરીશું.