વડોદરામાં 20 કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ, ઠેર-ઠેર ટ્રાફિકજામ - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરામાં 20 કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ, ઠેર-ઠેર ટ્રાફિકજામ

વડોદરામાં 20 કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ, ઠેર-ઠેર ટ્રાફિકજામ

 | 9:19 pm IST

શહેરમાં વિતેલા ૨૦ કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. સમી સાંજે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. નોકરી-ધંધા પરથી ઘરે પરત ફરતાં અનેક લોકો અટવાઈ ગયા હતાં. ઠેર-ઠેર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. વરસાદ દરમિયાન ૭ સ્થળે ઝાડ પડયાં હતા, જેમાં ચાર વાહનો દબાઈ ગયા હતાં, જ્યારે તુલસીવાડીમાં મંદિર પાસે દીવાલ પડી ગઈ હતી અને કારેલીબાગમાં વીજ પોલ જમીનદોસ્ત થઈ ગયો હતો. તેમજ કેટલાક સ્થળે ર્હોિડગ્સ-બેનર્સ પડી ગયા હતાં. જોકે સદ્નસીબે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. દીવ-દમણમાં ૨૪ કલાકમાં અતિ ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી આપી છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

છેલ્લાં ત્રણ દિવસથી શહેરીજનો ઉકળાટભર્યા માહોલથી હેરાન પરેશાન હતાં. જોકે, મંગળવારની મોડી રાતે મેઘરાજાએ બેટિંગ શરૃ કરતાં ઠંડકનો માહોલ છવાઈ ગયો હતો. આખી રાત વરસાદ ચાલું રહ્યો હતો. ગઈમોડી રાતના ૧૦ કલાકથી સવારના ૮ કલાક સુધી ૧૦ કલાકના ગાળામાં જ શહેરમાં ત્રણ ઈંચ (૭૫ મિમી) વરસાદ નોંધાયો હતો. જોકે, એ પછી મેઘરાજાએ વિરામ લીધો હતો. બપોરે ૨ કલાકથી ફરી વરસાદે ઝરમર ઝરમર વરસવાનુ શરૃ કરી દીધું હતું. છેક સાંજ સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જોકે, મોડી સાંજે ફરી એક વખત ધોધમાર વરસાદ શરૃ થઈ ગયો હતો. નોકરી-ધંધા પરથી ઘરે જતાં અનેક વાહન ચાલકો વરસાદને કારણે પલળી ગયા હતાં.

વરસાદના પાણી ઠેર-ઠેર ભરાઈ જતાં મોપેડ, બાઈક, ઓટોરિક્ષા વિગેરે નાના વાહનો બંધ પડી ગયા હતા. બીજી તરફ વરસાદી પાણી ભરાઈ જવાથી રસ્તાઓ દેખાતા ન હતાં. શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.

ગઈ મોડી રાતથી આજે મોડી સાંજ સુધીના ૨૦ કલાકમાં શહેરમાં પોણા ચાર ઈંચ (૯૦ મિમી) જેટલો વરસાદ ખાબક્યો હતો. એ પછી પણ મેઘરાજા મનમૂકીને વરસવાનું ચાલુ જ રાખ્યું હતું. જે જોતા વરસાદનો આંક વધે તેમ છે.