હવે TDS કૌભાંડનો પર્દાફાશ: કંપનીઓએ કર્મચારીઓના 3200 કરોડની કરી દીધી 'હોળી' - Sandesh
  • Home
  • Business
  • હવે TDS કૌભાંડનો પર્દાફાશ: કંપનીઓએ કર્મચારીઓના 3200 કરોડની કરી દીધી ‘હોળી’

હવે TDS કૌભાંડનો પર્દાફાશ: કંપનીઓએ કર્મચારીઓના 3200 કરોડની કરી દીધી ‘હોળી’

 | 2:39 pm IST

ઇન્કમ ટેક્સ વિભાગે 3200 કરોડ રૂપિયાના TDS કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આઇટી ડિપાર્ટમેન્ટે આવી 447 કંપનીઓની ભાળ મેળવી લીધી છે જેમણે પોતાના કર્મચારીઓ પાસેથી ટેક્સ કાપી લીધો, પરંતુ તેને સરકારની પાસે જમા કરાવ્યો નથી. આ કંપનીઓએ કર્મચારીઓના કપાયેલા ટીડીએસને પોતાના બિઝનેસમાં જ ઇન્વેસ્ટ કરી દીધા.

સૂત્રોએ કહ્યું કે ઇન્કમ ટેક્સ વિભાગની ટીડીએસ શાખાએ આ કંપનીઓની વિરૂદ્ધ તપાસ શરૂ કરી દીધી છે અને કેટલીય બાબતોમાં વોરંટ પણ રજૂ કરી દીધા છે. ઇનકમ ટેક્સ એકટની અંતર્ગત આ કેસમાં ત્રણ મહિનાથી લઇ દંડ સાથે 7 વર્ષ સુધીની સજા થઇ શકે છે. આરોપી કંપનીઓ અને માલિકોની વિરૂદ્ધ આઇટી એક્ટના સેકશન 276બી અંતર્ગત કાર્યવાહી થઇ રહી છે.

ઇનકમટેકસ વિભાગ આઇપીસીની કલમોની અંતર્ગત છેતરપિંડી અને ગુનાહિત બાબતો પણ નોંધી રહ્યાં છે. સૂત્રોનું કહેવું છે કે આ કૌભાંડમાં એમ્પલોયીઝની સાથે છેતરપિંડી કરાઈ છે, આથી આઇપીસીની કલમો પણ લગાવાશે. આરોપીઓમાંથી એક જાણીતા બિલ્ડર પણ છે, જે રાજકારણ સાથે જોડાયેલા છે. કર્મચારીઓ પાસેથી કાપેલા 100 કરોડ રૂપિયાના ટીડીએસનો બિલ્ડરે પોતાના જ બિઝનેસમાં રોકાણ કરી દીધું.

બીજા આરોપીઓમાં પ્રોડક્શન હાઉસથી લઇ ઇન્ફ્રા કંપનીઓના માલિક સુદ્ધાં સામેલ છે. એક ઇન્કમટેક્સ અધિકારીએ અગ્રણી મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તાજેતરમાં જ કરાયેલા વેરિફિકેશન સર્વેમાં આવા 447 કેસ સામે આવ્યા. કંપનીઓએ કર્મચારીઓને ટીડીએસના 3200 કરોડ રૂપિયા કાપ્યા, પરંતુ તેને સરકારના ખાતામાં જમા કરાવ્યા નહીં. અમે કેટલાંકની ધરપકડ પણ કરવા જઇ રહ્યાં છીએ. આ આંકડો એપ્રિલ 2017થી માર્ચ 2018 સુધીનો છે.

ઇન્કમ ટેક્સ વિભાગે રિકવરી માટે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના મતે આરોપી કંપનીઓના બેન્ક ખાતા અટેચ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. એક અધિકારીએ કહ્યું કે કેટલીય બાબતોમાં કંપનીઓએ ટીડીએસના પૈસા વર્કિંગ કેપિટલમાં લગાવી દીધા. કેટલાંકે તો માફી માંગી છે અને પૈસા ચૂકવવાનું વચન આપ્યું છે. જ્યારે કેટલાંકનું કહેવું છે કે માર્કેટની સ્થિતિ યોગ્ય ન હોવાના લીધે તેઓ પૈસા ચૂકવી શકયા નથી. કેટલીય બાબતોમાં કર્મચારીઓ પાસેથી લેવામાં આવેલ ટેક્સનો અડધો હિસ્સો સરકારના ખાતામાં ટ્રાન્સફર કરાયો અને બાકીનાનો ખોટો ઉપયોગ કરાયો.