Increasing attractiveness of various prints in pants, adopt an innovative fashion
  • Home
  • Supplements
  • Stree
  • પેન્ટમાં વિવિધ પ્રિન્ટનું વધતું આકર્ષણ, અપનાવો અવનવી ફેશન

પેન્ટમાં વિવિધ પ્રિન્ટનું વધતું આકર્ષણ, અપનાવો અવનવી ફેશન

 | 8:08 am IST

ફેશન ફંડા । મેધા પંડયા-ભટ્ટ

ઉનાળાની આછી ગરમીની શરૂઆત થતાની સાથે જ આ ગરમીમાં કેવા આઉટફિટ પહેરવા અને સાથે જ અલગ દેખાવું તે પણ યુવતીઓ માટે મહત્ત્વની બાબત છે. જિન્સને આ ગરમીમાં યુવતીઓ વધારે પસંદ કરતી નથી. તેથી તેના ઓપ્શનમાં કોટન પેન્ટ લોકપ્રિય છે. વળી, કોટન પેન્ટમાં વિવિધ પ્રકારની પ્રિન્ટ પણ આકર્ષક લાગે છે. કોટન પ્રિન્ટેડ પેન્ટમાં મલ્ટિ કલરની પેટર્ન વધારે જોવા મળે છે. પહેલાં આ પ્રકારના પેન્ટ સરકસમાં જોકર પહેરતાં. આ પેન્ટની પેટર્ન અને ડિઝાઇનમાં થોડોઘણો ફેરફર કરીને બદલાતા સમયની સાથે આ પેન્ટે આજની ફેશનમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે.

ફેશનની દુનિયામાં ડેનિમ હંમેશાં અગ્રેસર રહ્યું છે અને તેથી જ તે સિઝનલ ડ્રેસિંગ માટે પણ વખણાય છે. તેના જ એક પ્રકાર રૂપે આવેલા પેન્ટ ઉનાળામાં વધારે અનુકૂળ છે. આ પેન્ટ પહેરીને ગરમીમાં પણ તમે આરામદાયક રહી શકવા સાથે ગ્રેસફુલ દેખાશો. હાલમાં સૌથી વધુ આકર્ષણમાં રહેલા પરિધાનમાં પ્રિન્ટેડ કોટન પેન્ટ ઇન થિંગ છે. યુવતીઓએ જેને પહેલી પસંદગીમાં સ્થાન આપી દીધું છે તેવા કોટનના પ્રિન્ટેડ પેન્ટ પહેરીને નીકળો તો લોકો બે ઘડી જોતાં તો રહી જ જશે.

કેવા કલર્સ જોવા મળે?

દરેક વ્યક્તિ ઉનાળામાં હળવા રંગો પહેરવાનું વધુ પસંદ કરે છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇનરોએ ડેનિમ અને કોટનના મટીરિયલમાંથી બનેલા લાઇટ કલરના પેન્ટમાં રંગોની પસંદગી પર ખાસ ધ્યાન આપ્યું છે. વળી, તેને સિંગલ કલરમાં ન રાખતા તેમાં ડિઝાઇનને પણ સ્થાન આપી દીધું છે. જેથી તમે મલ્ટિ કલર પહેરી શકો. પ્રિન્ટેડ પેન્ટમાં જો લાઇટ કલરની વાત કરીએ તો લેમન યલો, ગ્રે, વ્હાઇટ, પિન્ક, ક્રીમ, લાઇટ ઓરેન્જ, ગ્રે, સ્કાય બ્લૂ, લાઇટ બ્રાઉન વધારે ઇન છે. જ્યારે ડાર્ક કલરમાં નેવીં બ્લૂ, બ્લેક, મરુન, રેડ, ઓરેન્જ અને પર્પલ કલર વધારે જોવા મળે છે. ડાર્ક કલરમાં મોટા ભાગે વ્હાઇટ અને ક્રીમ કલરની પ્રિન્ટ હોય છે જેનાથી પેન્ટ વધારે આકર્ષક લાગે છે. લાઇટ કલરના પેન્ટમાં ડાર્ક કલરની પ્રિન્ટ અને એ જ રીતે ડાર્ક કલરમાં લાઇટ પ્રિન્ટનું કોમ્બિનેશન ખૂબ જ આકર્ષક લાગે છે.

ઇતિહાસ

૧૯૪૦ના સમયમાં આ પ્રકારના પેન્ટની ફેશન વધારે જોવા મળતી હતી. તે વખતે પેન્ટની કમરનો ભાગ ફિટિંગવાળો અને હિપ્સની નીચેના ભાગથી લૂઝ રાખવામાં આવતો તેમ જ એડીના ભાગમાં થોડું ઓછું ફિટિંગ આવતું. અત્યારના સમયમાં જે ફેશન જોવા મળે છે તેમાં થોડાક ફેરફર સાથે એડીના ભાગથી માપસરનું ફિટિંગ રાખવામાં આવે છે. આ સાથે સળંગ લૂઝ પેન્ટ પણ હોય છે. પ્રિન્ટેડ કોટન પેન્ટમાં ફેરફરો કરવામાં આવ્યા છે. જેથી તે નવા જમાના પ્રમાણેની ફેશનમાં સ્થાન મેળવી શકે. અત્યારે પેટર્નમાં એડીના ભાગમાં દોરીની નવી પેટર્ન પણ જોવા મળે છે. જે ટ્રાઉઝર્સમાં મોટાભાગે હોય છે. પેન્ટને તમે નીચેથી ફેલ્ડ કરીને પણ પહેરી શકો છો તો તે કેપ્રી જેવો લુક આપશે. આજકાલ આ પ્રિન્ટેડ કોટન પેન્ટ બોલિવૂડ અને હોલિવૂડની અભિનેત્રીઓની પસંદગીમાં છે.

પ્રિન્ટના પ્રકાર અને

ટોપનું કોમ્બિનેશન

કોટન પ્રિન્ટવાળા પેન્ટમાં તમને કેવી પ્રિન્ટ શોભશે તે પણ જરૂરી છે. પ્રિન્ટમાં ફ્લોરલ પ્રિન્ટની ઝીણી ડિઝાઇન, ચેકસ, એનિમલ પ્રિન્ટ, વેજિટેબલ પ્રિન્ટ, ડોટ્સ, અનઇવન લાઇનિંગ વગેરે જોવા મળે છે. બોલ્ડ પ્રિન્ટ એટલે કે મોટી ડિઝાઇનવાળી પ્રિન્ટ તમારા વ્યક્તિત્વને શોભે છે કે નહીં તે ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમારી ઊંચાઇ ઓછી હોય તો બોલ્ડ પ્રિન્ટના પેન્ટ ન પહેરવા. તમે ફ્લોરલ પ્રિન્ટની ઝીણી ડિઝાઈનવાળા પેન્ટ પસંદ કરી શકો છો અથવા ઊભી લાઇનિંગવાળી પ્રિન્ટ પણ તમને શોભશે. જો તમારી ઊંચાઇ વધારે હોય તો તમે કોઇ પણ પ્રિન્ટના પેન્ટ પર પસંદગી ઉતારી શકો છો. ઝીણી પ્રિન્ટ તમને વધારે આકર્ષક બનાવશે. આ પ્રિન્ટેડ પેન્ટ સાથે તમે પ્લેઇન કલરની જર્સી, સ્લિવલેસ ટોપ, ટયૂનિક, ટી-શર્ટ્સ, સ્પગેટી, ઓફ શોલ્ડર ટોપ, ક્રેપ ટોપ પહેરી શકો છો. પ્લેઇન કલરના ટોપ અને પ્રિન્ટેડ પેન્ટનું કોન્બિનેશન તમને સેક્સી લુક આપે છે. સ્લિવલેસ ટોપ વધારે ઉઠાવ આપે છે.

ઉનાળામાં વધારે તાપ સામે કોટનના પ્રિન્ટેડ પેન્ટ તમને હળવાશનો પણ અનુભવ કરાવે છે. જે પહેરીને તમે પિકનિક પર જઇ શકો. ઓફ્સિમાં જો આ પેન્ટ પહેરવા હોય તો તેની સાથે જર્સી પહેરી શકાય. આ પેન્ટની સાથે તમે હાઇ હિલના સેન્ડલ પહેરી શકો છો. તો હવે તમે પણ ઉનાળામાં પેન્ટ પહેરવાનું પસંદ કરતા હો અને સાથે જ હળવાફૂલ રહેવું હોય તો તમારા વોર્ડરોબમાં પ્રિન્ટેડ કોટન પેન્ટને સ્થાન આપી દો. આરામદાયક, આકર્ષક લાગવાની સાથે તમે ‘કૂલ’ પણ લાગશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન