Ind vs Eng 5th Test: કુકની અડધી સદી, ઈંગ્લેન્ડની મજબૂત શરૂઆત - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • Ind vs Eng 5th Test: કુકની અડધી સદી, ઈંગ્લેન્ડની મજબૂત શરૂઆત

Ind vs Eng 5th Test: કુકની અડધી સદી, ઈંગ્લેન્ડની મજબૂત શરૂઆત

 | 7:17 am IST

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં શુક્રવારથી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચનો આરંભ થયો હતો. ઈંગ્લેન્ડનો ઓપનર એલેસ્ટર કુક પણ પોતાની અંતિમ ટેસ્ટ રમી રહ્યો છે. પોતાની અંતિમ ટેસ્ટમાં કૂકે મોઈન અલી સાથે ભાગીદારી કરવા દરમિયાન પોતાની અડધી સદી પૂરી કરી હતી. મોઈન અલી ૨૩ રન બનાવીને કૂકને સાથ આપી રહ્યો છે. ટી બ્રેક સુધીમાં ઈંગ્લેન્ડે કૂકના ૬૬ અને અલીના ૨૩ રનની મદદથી ૧ વિકેટના નુકસાને ૧૨૩ રન બનાવ્યા હતા. કૂક માટે આ ટેસ્ટ ખૂબ જ મહત્ત્વની છે. તે પોતાની કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહ્યો છે. આ ટેસ્ટ રમવા દરમિયાન તેણે ઓવલ મેદાન ઉપર પોતાના ૧,૦૦૦ રન પણ પૂરા કર્યા હતા. લોર્ડ્સ બાદ આ બીજું મેદાન છે જ્યાં કૂકે પોતાના એક હજાર રન પૂરા કર્યા છે. ભારતે ટીમમાં કરેલો ફેરફાર પ્રારંભિક ધોરણે ફળ્યો હતો. જાડેજાએ ભારતને પહેલી વિકેટ અપાવી હતી. જેનિંગ્સ ૨૩ રને પેવેલિયન ભેગો પડયો હતો.

હનુમા વિહારીએ ડેબ્યુ કર્યું

આ સિરીઝમાં વિરાટ કોહલી એકપણ વખત ટોસ જીતી ચૂક્યો નથી. વિરાટ કોહલીએ બે ફેરફાર સાથે ટીમને મેદાને ઉતારી હતી. હનુમા વિહારીએ અંતિમ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ રવીન્દ્ર જાડેજાએ ટીમમાં વાપસી કરી હતી. હનુમા ભારત માટે ટેસ્ટ રમનારો ૨૯૨મો ખેલાડી બની ગયો છે. અશ્વિનની જગ્યાએ જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સિરીઝમાં ભારતનો ૩-૧થી પરાજય થયો છે. આ અંતિમ ટેસ્ટ છે જેમાં ભારત વિજય મેળવીને પોતાની લાજ બચાવી શકે છે.

ઓવલમાં ભારત એક જ ટેસ્ટ જીતી શક્યું છે

ઓવલમાં બંને ટીમો અત્યાર સુધી ૧૨ ટેસ્ટ રમી ચૂકી છે જેમાં ઈંગ્લેન્ડનો ચાર ટેસ્ટમાં જ્યારે ભારતનો એક જ ટેસ્ટમાં વિજય થયો છે. ૧૯૭૧માં ભારતે ઈંગ્લેન્ડને અહીંયા ચાર વિકેટી પરાજય આપ્યો હતો. ત્યારબાદ આ મેદાન ઉપર ભારતનો વિજય થયો નથી. બંને ટીમો વચ્ચે સાત મુકાબલા ડ્રો ગયા હતા. ઓવલનો તાજેતરનો રેકોર્ડ ચેક કરીએ તો ભારતનો અહીંયા ૨૦૧૪માં ઈનિંગ અને ૨૪૪ રને પરાજય થયો હતો. તે પહેલાં ૨૦૧૧માં ઈનિંગ અને ૮ રને પરાજય થયો હતો.

ભારત સામે જ અંતિમ ટેસ્ટ રમશે કૂક

ઈંગ્લેન્ડના સુકાની જો રૃટે ઓવલ ટેસ્ટ માટે ક્રિસ વોક્સ અને ઓલી પોપને ટીમમાં સ્થાન આપ્યું છે. બીજી તરફ એલેસ્ટર કૂક પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ૨૦૦૬માં કૂકે નાગપુર ખાતે ભારત સામે જ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તે ભારત સામે જ ઓવલમાં પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ મેચમાં પણ બેરસ્ટોની જગ્યાએ બટલર વિકેટ કિપિંગ કરશે. ઉલ્લેખનીય છે કે, ત્રીજી ટેસ્ટમાં બેરસ્ટોને ઈજા થઈ હોવાથી ચોથી ટેસ્ટમાં તે કિપિંગ કરી શક્યો નહોતો.