કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નાગા સમૂહ વચ્ચે સફળ વાર્તા બાદ મણિપુરમાં લગભગ પાંચ મહિનાથી ચાલી રહેલી યૂનાઈટેડ નાગા કાઉન્સિલ (UNC)ની આર્થિક નાકાબંધી રવિવારે રાત્રે સમાપ્ત થઈ ગઈ. નવગઠિત ભાજપ સરકારના આ પહેલા પગલાને વખાણતા મણિપુરના રાજ્યપાલ નજમા હેપ્તુલ્લાએ કહ્યું કે આર્થિક નાકાબંધી સમાપ્ત થતા રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. આ અગાઉ રવિવારે કેન્દ્ર, રાજ્ય અને નાગા સમૂહોની વાતચિત બાદ એક અધિકૃત નિવેદનમાં નાકાબંધી ખતમ કરવાની વાત જણાવવામાં આવી. અગાઉ ચૂંટણી પ્રચાર વખતે પીએમ મોદીએ વાયદો કર્યો હતો કે જો રાજ્યમાં ભાજપની સરકાર આવશે તો જનતાને ખુબ જ હેરાન કરનારા આર્થિક નાકાબંધીનો અંત લાવવામાં આવશે.

આ બાજુ મુખ્યમંત્રી એન બિરેન સિંહે જણાવ્યું કે નાકાબંધી સમાપ્ત કરવી એ ફક્ત શરૂઆત છે. તેમની સરકાર રાજ્યના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા કરવાની કોશિશ કરી રહી છે. રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી ઓ ઈબોબી સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારના નવા સાત જિલ્લા બનાવવાના ફેસલા વિરુદ્ધ યુએનસીએ પહેલી નવેમ્બર 2016થી આર્થિક નાકાબંધી શરૂ કરી હતી. જેના પગલે બે રાષ્ટ્રીય રાજમાર્ગો NH-2 અને NH-37 પર નાકાબંધીથી રાજ્યમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમતોમાં ભારે ઉછાળો આવી ગયો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું. રાજ્યમાં હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બની રહ્યો હતો.

નોંધનીય છે કે પીએમ મોદીએ મણિપુરના ઈમ્ફાલ ખાતે 25 ફેબ્રુઆરીના રોજ એક ચૂંટણી રેલીમાં વાયદો કર્યો હતો કે જો રાજ્યમાં ભાજપની સરકાર આવશે તો જનતાને ખુબ જ હેરાન કરનારા આર્થિક નાકાબંધીનો અંત લાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં સત્તામાં હોવા છતાં જે ન કરી શકી તે ભાજપ 15 મહિનામાં કરીને બતાવશે. તેમણે ઈબોબી સિંહની સરકારને સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી હતી અને તેમના પર કમિશન વસૂલોનો આરોપ પણ લગાવ્યો હતો.