સ્વાતંત્ર્ય દિને આત્મનિરીક્ષણ કરવું રહ્યું કે... આ સ્વતંત્રતા કે સ્વચ્છંદતા ? - Sandesh
  • Home
  • Columnist
  • Chini Kam
  • સ્વાતંત્ર્ય દિને આત્મનિરીક્ષણ કરવું રહ્યું કે… આ સ્વતંત્રતા કે સ્વચ્છંદતા ?

સ્વાતંત્ર્ય દિને આત્મનિરીક્ષણ કરવું રહ્યું કે… આ સ્વતંત્રતા કે સ્વચ્છંદતા ?

 | 7:32 am IST

ભારતનો સ્વાતંત્ર્ય દિન ફરી એક વાર રાષ્ટ્રીય તહેવાર તરીકે ઊજવાશે. વર્ષો પહેલાં ગામડાંઓની શાળાના વિદ્યાર્થીઓ પ્રભાત ફેરી કાઢતા. દેશભક્તિનાં ગીતો ગાતાં. પોસ્ટ ઈન્ડિપેન્ડેન્સ પિરિયડ હવે પૂરો થયો છે. ભારતને આઝાદ થયે ૭૦ વર્ષ થયાં. આઝાદીના ફાયદા પણ મળ્યા, પરંતુ ફરી એક વાર માત્ર શાસકોએ જ નહીં, પરંતુ નાગરિકોએ પણ આત્મનિરીક્ષણ કરવાનો આ સમય છે.

આ આઝાદી કોણે આપી ?

સૌથી પહેલાં પ્રજાની વાત. વાણી સ્વાતંત્ર્ય મળ્યું, પરંતુ વાણી સ્વચ્છંદતા કેટલી વધી ? કોઈ બેજવાબદાર નેતા તો ક્યારેક જીભ લથડતાં કાંઈ બોલી નાખે છે, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલીક વાર વપરાતા અપશબ્દો એથીયે વધુ ખરાબ છે. વાહન ચલાવવાની આઝાદી મળી, પરંતુ રોજ હજારોની સંખ્યામાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓને એ આઝાદી કોણે આપી ? વોટ આપવાનો અધિકાર મળ્યો, પરંતુ પૈસા કે દારૂની બાટલી લઈને મત આપવાની આઝાદી કોણે આપી ? મુક્ત રીતે હરવા-ફરવાની છૂટ મળી, પરંતુ જાહેર રસ્તાઓ પર દીવાલ પાસે ઊભા રહીને પેશાબ કરવાની આઝાદી કોણે આપી ? મોટરકાર ચલાવવા લાઈસન્સ મળ્યું, પરંતુ રસ્તામાં આડેધડ પાર્કિંગ કરવાની આઝાદી કોણે આપી ? ટ્રાફિક પોલીસ નિયમ ભંગ કરનારને રોકે છે ત્યારે ટ્રાફિક પોલીસ પર હુમલો કરવાની આઝાદી કોણે આપી ?

લૂંટવાની આઝાદી ?

મકાન બાંધવાનો અધિકાર છે, પરંતુ સરકારી જમીનો પર ગેરકાયદે બાંધકામ અને આશ્રમો બાંધી દેવાની આઝાદી કોણે આપી ? બાળકોને ભણવાનો અધિકાર છે, પરંતુ શિક્ષણને ધંધો બનાવી વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાની આઝાદી કોણે આપી ? બીમારોને સારવાર લેવાનો અધિકાર છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના દર્દીઓને ખાનગી હોસ્પિટલો દ્વારા લૂંટવાની પરવાનગી કોણે આપી ?

લોકોને બસ કે ટ્રેનમાં મુસાફરી કરવાનો અધિકાર છે, પરંતુ બસ કે ટ્રેનની બારીઓ પર પથ્થર ફેંકી તેના કાચ તોડી નાખવાની આઝાદી કોણે આપી ? હાઈ સ્પીડ તેજસ એક્સ્પ્રેસ ટ્રેન શરૂ થઈ ત્યારે કેટલાક પેસેન્જરોએ જ તેના કાચ તોડી હેડફોન્સ ચોરી લીધા. આવું કરવાની આઝાદી કોણે આપી ?

પાન ખાવાનો અધિકાર છે, પરંતુ ઓફિસોનાં પગથિયાં ચડતાં ખૂણામાં પાનની પિચકારીઓ મારવાની આઝાદી કોણે આપી ?

મુંબઈમાં એક જાણીતા ગ્રાઉન્ડ પર મ્યુઝિક કોન્સર્ટ યોજાઈ તે પછી એ મેદાન પર ટ્રકો ભરાય તેટલો કચરો, પાણીની ખાલી બોટલો, ખાલી ખોખાં અને પ્લાસ્ટિક્સ ફેંકવાની આઝાદી કોણે આપી ? મુંબઈના રેલવે સ્ટેશન પર પીવાના પાણી માટેનાં પ્લાસ્ટિક બોટલ્સ ક્રશર્સ મૂકવામાં આવ્યાં તેના બીજા જ દિવસે કેટલાક ફેરિયાઓ દ્વારા તે ક્રશર્સને તોડી નાખવામાં આવ્યાં. આ આઝાદી કોણે આપી ?

ભેળસેળની આઝાદી ?

દેશની રાજનીતિના કોઈ ને કોઈ મુદ્દે એસ.ટી. અને પબ્લિક ટ્રાન્સપોર્ટની બસોને સળગાવી દેવાની આઝાદી કોણે આપી ? દેશના વેપારીઓને મુક્તપણે વેપાર-ધંધો કરવાની છૂટ છે, પરંતુ તેલ, ચા, મીઠાઈ, માવો અને અનાજમાં ભેળસેળ કરવાની આઝાદી કોણે આપી ? દૂધ વેચવાનો અધિકાર છે, પરંતુ દૂધમાં પાણી રેડીને વેચવાની આઝાદી કોણે આપી ? પેટ્રોલ પંપોવાળાઓને માપ કરતાં ઓછું આપી ગ્રાહકને લૂંટવાની આઝાદી કોણે આપી ? દિવાળી ઊજવવાની છૂટ છે, પરંતુ રસ્તા પર ફટાકડા ફોડીને વાહનચાલકોને ડરાવી દેવાની આઝાદી કોણે આપી ? ફેક્ટરી નાખવાની છૂટ છે, પરંતુ તેનું કેમિકલયુક્ત ઝેરી પાણી નદીઓમાં વહાવી દઈ નદીઓને પ્રદૂષિત કરવાની છૂટ કોણે આપી ? શહેરના જાહેર રસ્તાઓ વાહન વ્યવહારની સુગમતા માટે છે, પરંતુ શ્રાવણ મહિનામાં જ નિર્દોષ ગાયો-ભેંસોને રસ્તા પર રખડતાં મૂકી દેવાની આઝાદી કોણે આપી ?

ભ્રષ્ટાચારની આઝાદી ?

સરકારી અધિકારીઓને પગાર મળે છે તો પૈસા લઈ કામ કરી આપવાનો ભ્રષ્ટાચાર કરવાની આઝાદી કોણે આપી ? ગુજરાતમાં દારૂબંધી છે તો તો પછી ગેરકાયદે દારૂ વેચવાની આઝાદી કોણે આપી ? લાયક ઉમેદવારને વાહન ચલાવવાનું લાઈસન્સ મેળવવાનો અધિકાર છે તો પૈસા લઈ લાઈસન્સ ઈશ્યૂ કરવાની આઝાદી કોણે આપી ? ધર્મગુરુઓને ધર્મોપદેશ કરવાની છૂટ છે, પરંતુ તાંત્રિક વિધિના બહાને સ્ત્રીઓને કુટિયામાં બોલાવવાની આઝાદી કોણે આપી ? ભારતીય સમાજમાં લગ્ન કર્યા બાદ વંશવૃદ્ધિ માટે બાળકો પેદા કરવાની છૂટ છે, પરંતુ જન્મ પહેલાં જ ગર્ભસ્થ બાળકીઓની હત્યા કરી દેવાની આઝાદી કોણે આપી ? રસ્તા પર કાર ચલાવવાની છૂટ છે, પરંતુ દારૂ પીને રાહદારીઓને કચડી નાખવાની આઝાદી કોણે આપી ? મોજમજા માટે પિકનિક કરવાની છૂટ છે, પરંતુ કાળિયાર જેવાં નિર્દોષ હરણાંનો શિકાર કરવાની આઝાદી કોણે આપી ?

જંગલો કાપવાની આઝાદી ?

જંગલો એ આદિવાસીઓના જીવન નિર્વાહ માટે છે તે જંગલો કાપી ગેરકાયદે લાકડાં વેચી દેવાની આઝાદી કોણે આપી ? દેશની ભૂમિ પરનું ખનિજ એ રાષ્ટ્રીય સંપત્તિ છે તો ખનન માફિયાઓને ખનિજ ચોરવાની આઝાદી કોણે આપી ? નદીઓને ભારતમાં લોકમાતા કહેવામાં આવે છે તો ગંગા જેવી નદીઓને પ્રદૂષિત કરવાની આઝાદી કોણે આપી ?

ભારત એક સાર્વભૌમ દેશ છે, ભારત એક અખંડ રાષ્ટ્ર છે, કાશ્મીર એ ભારતનો જ એક અભિન્ન હિસ્સો છે છતાં કાશ્મીરની આઝાદીની માગ કરવાની છૂટ કોણે આપી ? ભારતમાં જ જન્મ્યા છો, ભારતનું જ પાણી પીધું છે, ભારતની જ ભૂમિમાં પાકતું અન્ન ખાધું છે છતાં પાકિસ્તાનથી આવતા ત્રાસવાદીઓને પનાહ આપવાની આઝાદી કોણે આપી ? ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે તો ધર્મ અને કોમના નામે દેશને વિભાજીત કરવાની આઝાદી કોણે આપી ?

અસમાનતાનો અંત ક્યારે ?

આઝાદીના સાત દાયકા બાદ એ વખતનો ૪૦ કરોડનો દેશ આજે ૧૩૦ કરોડની વસતીવાળો દેશ થયો છે. એ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે, સાચું ભારત સાત લાખ ગામડાંઓમાં વસે છે. આજે ગામડાં તૂટી રહ્યાં છે. ગામડાંમાંથી થતાં પલાયનવાદના કારણે શહેરો પર ભારણ વધ્યું છે. ભારત એ ખેતીપ્રધાન દેશ છે અને ભારતમાં રોજ ૨૪ ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. દેશની ૩૩ કરોડની પ્રજા એક ટંક ખાઈને સૂઈ જાય છે. સવારે ખાય છે તો સાંજે ભૂખ્યા રહે છે અને સાંજે ખાય છે તો સવારે ભૂખ્યા રહે છે. ગરીબી અને ભ્રષ્ટાચાર આ દેશની મુખ્ય બીમારીઓ છે. આ દેશના એક શહેરમાં એક ધનવાન રૂ. ૬,૦૦૦ કરોડના મકાનમાં રહે છે તો એ જ શહેરમાં એશિયાની મોટામાં મોટી ઝૂંપડપટ્ટી ‘ધારાવી’ છે.

આ અસમાનતાનો અંત ક્યારે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન