આઝાદીથી આજ સુધી નાણાક્ષેત્રે દેશ ખોટમાં કેમ ચાલે છે? - Sandesh
NIFTY 10,320.30 -132.00  |  SENSEX 33,606.07 +-404.69  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આઝાદીથી આજ સુધી નાણાક્ષેત્રે દેશ ખોટમાં કેમ ચાલે છે?

આઝાદીથી આજ સુધી નાણાક્ષેત્રે દેશ ખોટમાં કેમ ચાલે છે?

 | 3:19 am IST

ચાણક્યનું અર્થશાસ્ત્ર :-  ડો. ભરત ગરીવાલા

આઝાદીથી આજ સુધીના સાત દાયકામાં દેશ નાણાકીય ક્ષેત્રની તમામ બાબતોમાં ખોટમાં ચાલી રહ્યો છે. આ બાબત સમજાય તેવી નથી. શું આપણે નાણાંમાં-વેપાર-ધંધામાં, વિદેશ વ્યાપારમાં ક્યાંયે નફાકારક કામગીરી કરી જ નથી? આપણાં ર્વાિષક બજેટોમાં ફિસ્કલ ડેફિસિટ, રેવન્યૂ ડેફિસિટ, પ્રાઇમરી ડેફિસિટ વિદેશવ્યાપારમાં ટ્રેડ ડેફિસિટ, વિદેશી હૂંડિયામણનાં કરન્ટ એકાઉન્ટની ડેફિસિટ વગેરે વિવિધ ખોટ દેખાય છે. આપણે આટલો વિકાસ તથા પ્રગતિ કરતાં હોવા છતાં આપણું બેલેન્સશીટ સરપ્લસમાં-નફામાં કેમ નથી આવતું? ૧૯૯૧માં આપણે શરૂ કરેલા આકર્ષક સુધારા પછી દેશ ઝડપથી વિકસિત બની કેટલાંક ક્ષેત્રોમાં સરપ્લસ બનશે એ આશા ફળીભૂત થઈ નથી, આમ કેમ?

દર વર્ષે બજેટમાં આપણે નાણાકીય ખાધ(ફિસ્કલ ડેફિસિટ) તથા રેવન્યૂ ડેફિસિટ(મહેસૂલી ખાધ) ત્રણથી ચાર ટકા જેટલી રહે છે. દરેક વિકાસશીલ દેશોમાં ઝડપથી વિકાસ કરવો હોય તો બજેટનાં નાણાં ઉપરાંત થોડુંક દેવું કરીને વધુ નાણાં ઊભાં કરી ઝડપથી વિકાસ સાધવામાં આવે તે જરૂરી છે પણ આ વિકાસ જે ક્ષેત્રોમાં સાધવામાં આવે તે ક્ષેત્રો નફામાં-સરપ્લસમાં આવવાં જોઈએ તથા તેમાં ખોટ ના થવી જોઈએ. દેશની નાણાકીય ખાધ ગયા વર્ષે જીડીપીના સાડા ત્રણ ટકા હતી અને આ વર્ષે ઘટાડીને ૩.૨ ટકા કરવાની હતી તથા આવતા વર્ષે ૧૮/૧૯માં ત્રણ ટકા કરવાનો અંદાજ હતો પણ ચાલુ વર્ષની નાણાકીય પરિસ્થિતિ જોતાં આ શક્ય નથી.

બજેટમાં દેશની જીડીપી રૂ. ૧૬૮ લાખ કરોડ અંદાજિત હતી તે ઘટીને ૧૬૪ લાખ કરોડ થાય તેમ લાગે છે. આમ છતાં નાણાકીય ખાધ ૩.૨ ટકા અંદાજિતથી વધીને સાડા ત્રણ ટકા થશે, આને કારણે એટલું દેવું વધારે કરવું પડશે. આ બજેટમાં નવું દેવું સવા પાંચ લાખ કરોડનું થવાનો અંદાજ હતો તે હવે વધીને રૂ. ૭ લાખ કરોડે પહોંચશે. આમ દેશનું દેવું જીડીપીના કુલ ૬૭ ટકા થશે. નાણાકીય ખાધ વધવાનાં કારણો એ છે કે, ટેક્સની આવક બજેટમાં ધાર્યા કરતાં ઓછી થશે તથા ખર્ચ ધાર્યા કરતાં વધી જશે. આ બંને કારણોને લીધે દેશની રેવન્યૂ ડેફિસિટ પણ બે ટકાના લક્ષ્યાંકની સાથે લગભગ ત્રણ ટકાએ પહોંચશે. એ જાણવું જરૂરી છે કે જીડીપીનો ૧ ટકો નાણાકીય ખાધ એટલે રૂ. ૧.૬ લાખ કરોડ થાય તેટલું દેવું એ પ્રમાણે વધુ કરવું પડે.

કેગના ડેટા મુજબ ચાલુ વર્ષે જે કુલ ખર્ચ અંદાજિત છે તેનો ૯૬ ટકા ખર્ચ તો અત્યાર સુધીમાં થઈ ગયેલો છે. ટેક્સની ઓછી આવકની સાથે સાથે નોન-ટેક્સ રેવન્યૂની આવક પણ ૪૦ ટકા ઓછી થવાની છે, કારણ કે રિઝર્વ બેન્ક, જાહેર બેન્કો તથા જાહેર સાહસોના વ્યાજ તથા ડિવિડન્ડમાં સરકારને મળતો ફાળો આ વર્ષે ખૂબ ઓછો મળ્યો છે. રૂ. દોઢ લાખ કરોડના આના અંદાજમાંથી અડધાં નાણાં પણ સરકારને મળ્યાં નથી. રિઝર્વ બેન્કે રૂ. ૭૩,૦૦૦ કરોડના નફાના હિસ્સા સામે માત્ર રૂ. ત્રીસ હજાર કરોડ હજી સુધી આપ્યા છે. જાહેર સરકારી બેન્કો તો ખોટમાં જ ચાલે છે એટલે સ્ટેટ બેન્ક સહિત બધી બેન્કોએ માત્ર રૂ. ૧,૬૦૦ કરોડનો નફાનો હિસ્સો કેન્દ્ર સરકારને ચૂકવ્યો છે, જે એક મોટી બેન્ક ચૂકવી શકે તેમ છે. સરકારી ૨૫૦ જેટલાં જાહેર સાહસો/કંપનીઓમાંથી મોટાભાગની ખોટમાં ચાલે છે એટલે તેમણે નફો/ડિવિડન્ડના રૂ. ૬૭,૦૦૦ કરોડના લક્ષ્યાંક સામે માત્ર રૂ. પચીસ હજાર કરોડ ચૂકવ્યા છે. ડિસ ઇન્વેસ્ટમેન્ટમાં પણ ઓછાં નાણાં ઊભાં કરી શકાયાં છે. આમ બેન્કો, જાહેર સાહસો એ બધાં પણ ડેફિસિટમાં જ ચાલતાં હોય તેવી પરિસ્થિતિ છે.

વિદેશવ્યાપારમાં પણ દેશના ૨૭૫ બિલિયન ડોલરના એક્સ્પોર્ટ સામે ઇમ્પોર્ટ ૩૮૫ બિલિયન ડોલર હોવાથી વર્ષે સો/સવાસો બિલિયન ડોલરની ટ્રેડ ડેફિસિટ રહે છે. આવાં કારણોસર તમામ વિદેશી આવક-જાવકના હિસાબનો કરન્ટ એકાઉન્ટ પણ હંમેશાં નેગેટિવ બેલેન્સમાં ડેફિસિટ બતાવે છે. આ કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ પણ જીડીપીના એક ટકા જેટલો હંમેશાં રહે છે. આપણું ફોરેક્સ રિઝર્વ એફડીઆઈ, શેરમાર્કેટનાં હોટ મની તથા નોન-રેસિડેન્ટના સો બિલિયન ર્વાિષક રેમિટન્સને લીધે ચારસો બિલિયન ડોલરે પહોંચ્યું છે તે સારી વાત છે.

એ હકીકત છે કે લગભગ બધા દેશોમાં અમેરિકા/ચીન/જાપાન સહિત બજેટની ફિસ્કલ ડેફિસિટ ત્રણ ટકાની આસપાસ રહેતી હોય છે, કારણ કે વિકાસ માટે નાણાં ઊભાં કરે છે પણ ત્યાર બાદ બીજાં ક્ષેત્રોમાં વિકાસ દ્વારા મબલક સરપ્લસ ઊભું કરે છે. દા. ત. ચીનની વિદેશવ્યાપારમાં ટ્રેડ સરપ્લસ બસો બિલિયન ડોલરથી વધુ છે તથા તેનો કરન્ટ એકાઉન્ટ હંમેશા સરપ્લસ હોય છે જે મજબૂત વિદેશી કામકાજ દર્શાવે છે.

૨૦૧૫ પછી ભારત વિશ્વની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકોનોમી કહેવાય છે તથા સાત ટકાનો જીડીપી ધરાવે છે જે પ્રમાણે ભારત પીપીપી ધોરણે વિશ્વની ત્રીજા નંબરની જીડીપીના સ્થાન પર આવી ગયો છે, આમ છતાં અનેક નાણાકીય ક્ષેત્રોમાં, વિદેશ વ્યાપારમાં, નોન-ટેક્સ રેવન્યૂમાં, બેન્કિંગ, જાહેર કંપનીઓ વગેરેમાં ખોટમાં ચાલે છે તે ચિંતાનો વિષય છે. આના પર હવે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.