ભારત ૨૯૨માં આઉટ, ઇંગ્લેન્ડને સરસાઈ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ભારત ૨૯૨માં આઉટ, ઇંગ્લેન્ડને સરસાઈ

ભારત ૨૯૨માં આઉટ, ઇંગ્લેન્ડને સરસાઈ

 | 3:42 am IST

લંડન

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના લડાયક અણનમ ૮૬ રનની મદદથી ૨૯૨ રનનો સ્કોર કર્યો હતો જોકે, ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૩૩૨ રન બનાવ્યા હોવાથી ઇંગ્લેન્ડને ૪૦ રનની લીડ મળી હતી. ઇંગ્લેન્ડે બીજા દાવમાં ૨૮ ઓવરની રમત દરમિયાન ઇંગ્લેન્ડે બે વિકેટે ૬૪ રન બનાવી ૧૦૨ રનની સરસાઈ મેળવી લીધી હતી. ઇંગ્લેન્ડે બીજા દાવમાં ઘણી ધીમી રમત દર્શાવી હતી જેને કારણે ૨૮ ઓવરમાં માત્ર ૬૪ રન થયા હતા. પોતાની અંતિમ ટેસ્ટની અંતિમ ઇનિંગ રમી રહેલો કૂક ૨૭ રને રમતમાં હતો. ભારત તરફથી રવીન્દ્ર જાડેજા અને શમીને ૧-૧ સફળતા મળી હતી.

ભારતીય ટીમે ત્રીજા દિવસે છ વિકેટે ૧૭૪ રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી જેમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલી હનુમા વિહારીએ રવીન્દ્ર જાડેજા સાથે મળી સાતમી વિકેટ માટે ૭૭ રન જોડી ટીમનો સ્કોર ૨૩૭ રને પહોંચાડયો હતો. મોઇનઅલીએ આ સમયે હનુમા વિહારીને આઉટ કરી ઇંગ્લેન્ડને સાતમી સફળતા અપાવી હતી. ૨૪૯ રનના સ્કોરે ઇશાંત અને ૨૬૦ રનના સ્કોરે શમી આઉટ થયા બાદ જાડેજાએ બુમરાહ સાથે મળી અંતિમ વિકેટ માટે ૩૨ રન જોડી ટીમનો સ્કોર ૨૯૨ રને પહોંચાડયો હતો. ૯૫મી ઓવરના અંતિમ બોલે જાડેજાએ સિંગલ રન લઈ સ્ટ્રાઇક પોતાની પાસે રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બુમરાહ રનઆઉટ થતાં ભારતની પ્રથમ ઇનિંગનો અંત આવ્યો હતો.

આ મેચમાં એન્ડરસને બે વિકેટ ઝડપી હતી અને તે ભારત સામે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. ચેતેશ્વર પૂજારાને આઉટ કરવાની સાથે એન્ડરસને આ રેકોર્ડ બનાવતાં મુરલીધરનને પાછળ છોડયો હતો. મુરલીધરને ભારત સામે ટેસ્ટમાં ૧૦૫ વિકેટ ઝડપી હતી જ્યારે એન્ડરસને ભારતીય બેટ્સમેનોને ૧૦૭ વખત આઉટ કર્યા છે. પૂજારા બાદ તેણે રહાણેને પણ આઉટ કર્યો હતો. આ મામલે ત્રીજા નંબરે પાકિસ્તાનના ઇમરાન ખાન છે જેણે ૯૪ વિકેટ ઝડપી હતી. ૭૬ વિકેટ સાથે વેસ્ટ ઇન્ડીઝના એમ. માર્શલ ચોથા સ્થાને છે.

સીઓએ શાસ્ત્રીની સાથે પ્રદર્શન અંગે ચર્ચા કરશે

ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શકતાં મુખ્યકોચ રવિ શાસ્ત્રી સાથે સંચાલકોની સમિતિ ચર્ચા કરશે. ભારતને વન-ડે સિરીઝ ઉપરાંત ટેસ્ટ સિરીઝમાં પણ હારનો સામનો કરવો પડયો છે અને સીઓએ પાંચમી ટેસ્ટ બાદ ટીમના પ્રદર્શનનું આકલન કરશે. સીઓએની ૧૧ સપ્ટેમ્બરે મુંબઈમાં બેઠક છે જેમાં મુખ્ય ચર્ચા નવા બંધારણને લાગુ કરવા પર ચર્ચા થશે અને તેની સાથે ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં પ્રદર્શન પણ ચર્ચા થશે. હવે સીઓએ નિર્ણય કરશે કે, શાસ્ત્રીને અંગત રીતે મળવું છે કે, તેમની પાસેથી લેખિતમાં જવાબ લેવો છે. અત્યારે ક્રિકેટ સલાહકાર સમિતિ કામ કરી રહી નથી. ચૂંટણી યોજાય ત્યાં સુધી સીઓએ આ બાબત સંભાળશે અને તેઓ પ્રદર્શનનું આકલન કરશે.

એન્ડરસન પર મેચ ફીના ૧૫ ટકા દંડ ફટકારાયો

ઝડપી બોલર જેમ્સ એન્ડરસને પાંચમી ટેસ્ટ મેચના બીજા દિવસે રમત દરમિયાન અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા બદલ મેચ ફીના ૧૫ ટકા દંડ ફટકારાયો હતો અને એક ડીમેરિટ પોઇન્ટ પણ તેના ખાતામાં જોડાયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૬માં આચારસંહિતાના નવા નિયમ બાદ એન્ડરસનનો આ પ્રથમ અપરાધ છે. ભારતીય ઇનિંગની ૨૯મી ઓવરમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સામે એલબીડબ્લ્યૂની અપીલ પર ડીઆરએસ બાદ તેણે અમ્પાયર કુમાર ધર્મસેના પાસેથી પોતાની કેપ પરત લેતી વખતે આક્રમક રીતે વાત કરી હતી. આથી તેને દંડ ફટકારાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન