After the Pulwama attack, violence in Jammu stopped Internet services
  • Home
  • Featured
  • પુલવામા હુમલા પછી જમ્મુમાં હિંસા ઇન્ટરનેટ સેવાઓ બંધ, કફ્ર્યૂ લદાયો

પુલવામા હુમલા પછી જમ્મુમાં હિંસા ઇન્ટરનેટ સેવાઓ બંધ, કફ્ર્યૂ લદાયો

 | 12:30 am IST

પુલવામા આતંકી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા પછી શુક્રવારે જમ્મુ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધ વખતે ગુજ્જરનગરમાં હિંસા ફાટી નીકળતાં તકેદારીનાં પગલાંરૂપે જમ્મુમાં કફ્ર્યૂ લાદવામાં આવ્યો હતો. દેખાવકારો દ્વારા અનેક સ્થળે વાહનોને આગ ચાંપવામાં આવી હતી, સરકારી તેમજ ખાનગી મિલકતોની તોડફોડ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. અનેક લોકોએ રસ્તા પર ઊતરીને દેખાવો કર્યા હતા. સત્તાવાળાઓએ અફવા ન ફેલાય તે માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી હતી. મુસ્લિમોની બહુમતી વસતી ધરાવતા ગુજ્જરનગરમાં જઈને લોકોએ પથ્થરમારો કરી વાહનો સળગાવ્યાં હતાં. આ પછી સુરક્ષાદળોએ સ્થળ પર જઈને સ્થિતિ કાબૂમાં લીધી હતી. જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જમ્મુ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

શાંતિની અપીલ

જમ્મુના આઈજીપી એમ. કે. સિંહાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને અફવા પર ધ્યાન નહીં આપવા અનુરોધ કર્યો હતો. દેશવિરોધી તત્ત્વોની ઉશ્કેરણીમાં નહીં આવવા અને શાંતિ, સદ્ભાવ જાળવવા લોકોને કહ્યું હતું. દેશદ્રોહી લોકોના નાપાક ઇરાદાને નેસ્તનાબૂદ કરવા અપીલ કરી હતી. પૂર્વ સીએમ ઓમર અબદુલ્લાએ પણ લોકોને શાંતિ જાળવવા અને આતંકવાદ સામે સંગઠિત બનીને લડવા અનુરોધ કર્યો હતો.

દેશભરમાં આક્રોશ અને વિરોધ

કાશ્મીરમાં થયેલા હુમલાના પગલાં સમગ્ર દેશમાં પડયા હતા. મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તામિલનાડુ, ગુજરાતના અનેક શહેરોમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ઠેરઠેર કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. પોસ્ટર્સ અને પૂતળાદહન કરીને લોકોએ પાકિસ્તાનને પાઠ ભણાવવા માગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;