NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમેરિકા-ભારતના તબીબોની ટીમ આ રીતે કરે છે સિવિલમાં ભગીરથ કાર્ય

અમેરિકા-ભારતના તબીબોની ટીમ આ રીતે કરે છે સિવિલમાં ભગીરથ કાર્ય

 | 2:49 pm IST

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પેશાબની કોથળી પેટના ભાગે (બહાર) લઈ તથા ઈન્દ્રીયનો ભાગ પણ ખુલ્લો હોય તેવા દેશના ૨૦ બાળકોના ઓપરેશન કરવામાં આવશે. જેમાં અમેરિકા સહિતના દેશોના ૧૫ તબીબો અને સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગના તબીબો જટીલ રોગના ઓપરેશન કરશે. ખાસ ઓપરેશન કરવા માટે વર્ષમાં એક વાર યોજાતો દેશ-વિદેશના તબીબોનો મેડિકલ કેમ્પ શરૃ થઈ ચુકયો છે. ઉલ્લેખનીય છે કે, આ બિમારી મટતી નથી,પરંતુ તેને કારણે આખી જીંદગી દર્દી હેરાન પરેશાન થાય છે.જો કે, હવે આ રીતે ઓપરેશન કરી આ મુશ્કેલી નિવારી શકાય છે.

૪૦-૫૦ હજારે એક બાળકમાં આવી બિમારી જોવા મળે છે. પેશાબની કોથળી બહાર લઈ તથા ઈન્દ્રીયનો ભાગ ખુલ્લો લઈ જન્મેલા બાળકોની સારવાર દેશમાં બે થી ત્રણ હોસ્પિટલમાં જ શકય છે જેમાં બહારની હોસ્પિટલમાં તેનો ખર્ચ ૫ થી ૭ લાખ રૃપિયા થતો હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં દેશના કોઈ પણ ખુણામાંથી આવેલા બાળકને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવે છે.

જટીલ પ્રકારનું ઓપરેશન ૮થી ૧૦ કલાક ચાલતું હોય છે અને ઓપરેશન કરવા માટે સિવિલ હોસ્પિટલના તબીબોએ એક ટીમ બનાવી છે. જેમાં અમેરિકાના પણ સર્જન છે. જેઓ દર વર્ષે એક વખત અમદાવાદ આવે છે અને આવા ઓપરેશન કરે છે. ઉપરાંત આ સેવાકીય પ્રવૃત્તિ હોવાથી જે તબીબો વિદેશથી આવ્યા હતા તેઓ પણ કોઈ જ ચાર્જ લેતા નથી.અમેરિકાના તબીબો આવે તે પહેલા આખા વર્ષ દરમ્યાન જે બાળકો (૨થી ૧૫ વર્ષના ઉંમરના )ને આવી તકલીફ હોય તેમના બધા ઈન્વેસ્ટીગેશન કરવામાં આવે છે અને કેમ્પના થોડા દિવસો પહેલા જ તેમને દાખલ કરવામાં આવે છે. સિવિલ હોેસ્પિટલના પિડિયાટ્રીક સર્જરી વિભાગના ડો.રાકેશ જોષીએ જણાવ્યુ હતું કે, છેલ્લા આઠ વર્ષથી આ રીતે દર વર્ષે કેમ્પ કરવામાં આવે છે.