India and America extract mineral oil from oil reserves?
  • Home
  • Business
  • ભારત, અમેરિકા સહિત મોટા દેશો ઓઇલ રિઝર્વમાંથી ખનિજ તેલ કાઢશે તો શું થશે?

ભારત, અમેરિકા સહિત મોટા દેશો ઓઇલ રિઝર્વમાંથી ખનિજ તેલ કાઢશે તો શું થશે?

 | 7:39 am IST
  • Share

  • કટોકટીમાં કામ ન અટકે તે માટે રિઝર્વ

  • ભારત સરકારે 50 લાખ બેરલ (80 કરોડ લિટર) ઓઇલ કાઢવાની જાહેરાત કરી છે

  • ભારત પાસે 73 દિવસ સુધી ઓપેક દેશો ઓઇલ ન આપે તો પણ કામ ચાલે એટલો જથ્થો રિઝર્વ

ભારત, અમેરિકા, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન સહિત સંખ્યાબંધ દેશોએ પોતપોતાના વ્યૂહાત્મક ઓઇલ રિઝર્વમાંથી ખનિજ તેલ કાઢવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે 50 લાખ બેરલ (80 કરોડ લિટર) ઓઇલ કાઢવાની જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલાં જ અમેરિકાએ પાંચ કરોડ લિટર ઓઇલ પોતાના વ્યૂહાત્મક રિઝર્વમાંથી કાઢવાની જાહેરાત કરી હતી.  

કટોકટીમાં કામ ન અટકે તે માટે રિઝર્વ

આખા વિશ્વમાં સરકારો અને ખાનગી કંપનીઓ ભેગા મળીને ઊર્જા કટોકટી થાય કે ઓઇલ પુરવઠામાં ગરબડ થાય તો એની મદદથી તાત્કાલિક કામ ચલાવી શકાય એવો કુદરતી તેલનો ભંડાર રિઝર્વ રાખે છે. ભારત ઉપરાંત અમેરિકા, ચીન, જાપાન, બ્રિટન, દક્ષિણ કોરિયા વગેરે દેશો પાસે આવા રિઝર્વ ભંડાર છે.  

90 દિવસ ચાલે એટલો જથ્થો સંઘરવો ફરજિયાત

1973માં અચાનક ઓપેક દેશોએ ઓઇલ પુરવઠો બંધ કરી દેતાં વિશ્વ વ્યાપી કટોકટી સર્જાઈ એ પછી આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી  નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. તેના 30 સભ્યો છે અને 8 સહયોગી. ભારત પણ તેનું સભ્ય છે. દરેક સભ્ય દેશે ઓછામાં ઓછા 90 દિવસ ચાલે એટલો ઓઇલનો જથ્થો રિઝર્વ રાખવો ફરજિયાત છે.  

ભારત પાસે કેટલો ભંડાર છે?                             

દેશના ખનિજ તેલ વિભાગના હેઠળની કંપની  ISPRL વ્યૂહાત્મક ભંડારની વ્યવસ્થા સાચવે છે. અહેવાલ મુજબ ISPRL પાસે કટોકટીમાં વાપરવા માટે લગભગ 3.7 કરોડ બેરલ કાચું ઓઇલ અનામત છે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, કર્ણાટકના મેંગલોર અને પદુરમાં ધરતીની નીચે વિરાટ ટેન્કો બનાવીને સાચવી રાખવામાં આવ્યું છે. તેનાથી ભારતની નવ દિવસની જરૂરિયાત પૂરી થઈ શકે. આ વ્યૂહાત્મક ખનિજ તેલ ઉપરાંત બધી ઓઇલ કંપનીઓ ઓછામાં ઓછું 64 દિવસ ચાલે એટલું તેલ પોતાની પાસે સંગ્રહી રાખે છે.  

સૌથી વધુ ખનિજ તેલ કોની પાસે?

આંતરરાષ્ટ્રીય ખનિજ તેલના બજારનું સંચાલન કરનાર ઓપેક દેશો પાસે જ સૌથી વધુ ખનિજ તેલ છે. એ પછી અમેરિકા પાસે સૌથી વધુ 60 કરોડ બેરલ કાચું ઓઇલ વ્યૂહાત્મક રિઝર્વમાં છે. તેમાંથી પાંચ કરોડ બેરલ ઓઇલ કાઢવાનો આદેશ 23 નવેમ્બરે અમેરિકન પ્રમુખ જો બાઇડેને આપી દીધો છે. વ્હાઇટ હાઉસે જાહેર કર્યું છે કે ભારત, બ્રિટન, ચીન વગેરે દેશો પણ પોતપોતાના વ્યૂહાત્મક ઓઇલ રિઝર્વમાંથી ખનિજ તેલ કાઢવાના છે. તેમાં આંતરરાષ્ટ્રીય ઓઇલ માર્કેટમાં ઓઇલની કિંમત ઓછી કરવા દબાણ સર્જાવાનો હેતુ છે.  

જાહેરાત પછી ભાવ ઘટવાને બદલે 3% વધ્યા

ખનિજ તેલના આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ લાંબા સમયથી ખૂબ ઊંચે છે. ઓપેક દેશોને વિનંતીઓ કરવામાં આવી કે ખનિજ તેલનું ઉત્પાદન વધારો, જેથી ભાવ ઓછા થાય, પરંતુ ઓપેક દેશો માનતા નથી. તેથી બધા દેશોએ પોતપોતાના ઓઇલ રિઝર્વ વાપરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણય પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ખનિજ તેલના ભાવ 3 ટકા વધી ગયા છે.    

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો