ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો વધુ ગાઢ બને છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો વધુ ગાઢ બને છે

ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો વધુ ગાઢ બને છે

 | 2:00 am IST
  • Share

એક્સ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ

ભારત અને ઓસ્ટ્રેલિયાએ પહેલી વખત ટુ પ્લસ ટુ ડાયલોગ યોજીને સંબંધોને નવી ઊંચાઇ આપી છે. ટુ પ્લસ ટુ ડાયલોગમાં બે દેશના સંરક્ષણ પ્રધાન અને વિદેશપ્રધાન સાથે મુલાકાત કરે છે. નવાં આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં હવે દુનિયાના દેશો એકબીજા સાથે વેપાર અને સૈન્ય ભાગીદારી કરી રહ્યા છે. એ હિસાબે વિદેશ અને સંરક્ષણ મંત્રાલયો સાથે મળીને કામ કરે એ જરૃરી બન્યું છે. ટુ પ્લસ ટુ ડાયલોગનો આઇડિયા જાપાને દુનિયાને આપ્યો છે. સૌથી પહેલાં જાપાને આ પદ્ધતિથી સંવાદ કર્યા બાદ દુનિયાના ઘણા દેશોએ આ નવી સિસ્ટમ અપનાવી છે. ભારત અને અમેરિકાએ અત્યાર સુધીમાં ત્રણ વખત ટુ પ્લસ ટુ ડાયલોગ કર્યા છે. ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત યોજાઇ ત્યારે બંને દેશોએ ટુ પ્લસ ટુ ડાયલોગ શરૃ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ત્રણ વખત ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦માં અમેરિકા અને ભારત વચ્ચે ટુ પ્લસ ટુ ડાયલોગ યોજાયો હતો. ઓસ્ટ્રેલિયા સાથે આ પ્રથમ ટુ પ્લસ ટુ મુલાકાત હતી અને હવેથી દર વર્ષે આવી બેઠકો કરવાનો પણ બંને દેશોએ નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન મારિસ પાયને અને સંરક્ષણ પ્રધાન પીટર ટડન ભારતની મુલાકાતે આવ્યા હતા. એ બંનેએ આપણા દેશના વિદેશપ્રધાન એસ. જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે બેઠકો કરી. આ બેઠકો દરમિયાન ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, ભારત ઇન્ડો પેસેફ્કિ રણનીતિનું નેતૃત્વ કરે એવું અમે ઇચ્છીએ છીએ. બંને દેશોએ રક્ષા સહયોગ અને મિલિટરી એન્ગેજમેન્ટ વધારવાનું નક્કી કર્યું છે. આપણા દેશે ઓસ્ટ્રેલિયન કંપનીઓને ભારતમાં મૂડીરોકાણ કરવાનું પણ આમંત્રણ આપ્યું છે. ભારતના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા ભણવા જાય છે. બંને દેશો વચ્ચે શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ સતત વધી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા ક્વાડ એટલે કે ક્વાડ્રીલેટરલ સિક્યોરિટી ડાયલોગમાં પણ સાથે છે. ક્વાડના બીજા બે સભ્યો અમેરિકા અને જાપાન છે. ચારેય દેશ સાથે મળીને ચીન સામે કૂટનીતિક પગલાંઓ લઇ રહ્યાં છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના વિદેશપ્રધાનો સાથે મળીને ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયાની સંયુક્ત મુલાકાત લેવાના છે. એ બંને દેશો પણ ક્વાડમાં જોડાય એવી શક્યતાઓ છે. ગયા વર્ષે તારીખ ૪ જૂન, ૨૦૨૦ના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણા યોજાઇ હતી. બંને વડાપ્રધાનોએ એ સમયે જે નક્કી કર્યું હતું એનો હવે અમલ કરવામાં આવી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા ચોખ્ખા શબ્દોમાં કહે છે કે, ચીનની દાદાગીરી સામે અમને વાંધો છે. ચીને ઓસ્ટ્રેલિયાને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૮માં પોતાને ત્યાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કર્યો હતો. આ કાયદો ઓસ્ટ્રેલિયાની આંતરિક બાબતોમાં દુનિયાના દેશોના ચંચૂપાત પર પ્રતિબંધ મૂકે છે. ચીને ઓસ્ટ્રેલિયાના આ કાયદા વિશે એવું કહ્યું હતું કે, આ કાયદો બંને દેશના સંબંધોમાં ઝેર ઘોળવાનું કામ કરે એવો છે. ચીને આવી વાત કરી એટલે ઓસ્ટ્રેલિયાએ તરત જ ચીન સાથેનો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ કરાર એકઝાટકે રદ કરી નાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ચીન સાથે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં બે ઇન્ફ્રાસ્ટક્ચર ઊભાં કરવા માટે સમજૂતી કરી હતી. એ કામ પર ઓસ્ટ્રેલિયાએ ચોકડી મૂકી દીધી હતી. સામા પક્ષે ચીને ઓસ્ટ્રેલિયાથી થતી આયાતો ઘટાડી નાખી હતી. ઓસ્ટ્રેલિયાએ ચીનને સ્પેસ ટ્રેકિંગ એક્સેસ આપવાનું બંધ કરી દીધું એમાં ચીન વધુ ભૂરાયું થયું હતું. ૨૦૧૧થી ચીન જે ગ્રાઉન્ડ એન્ટિનાનો ઉપયોગ કરતું હતું તે ઓસ્ટ્રેલિયાએ બંધ કરાવી દેતા ચીનને અંતરિક્ષ અને નેવિગેશન કાર્યક્રમોમાં તકલીફ્ પહોંચી હતી. આવું તો બીજું ઘણું બધું થયું છે. કહેવાનો મતલબ એ છે કે, ચીનની કોઇ શેહશરમ રાખ્યા વગર ઓસ્ટ્રેલિયા ચીનની સામે મેદાનમાં આવી ગયું હતું.

કોરોના વાઇરસ ચીને વુહાનની લેબોરટરીમાં પેદા કર્યો છે એવો આક્ષેપ કરવામાં ઓસ્ટ્રેલિયા મોખરે હતું. ઓસ્ટ્રેલિયાએ જ એવી માંગણી કરી હતી કે, કોરોના વાઇરસ કેવી રીતે પેદા થયો એની તપાસ કરવામાં આવે. ચીન હોંગકોંગમાં જે કરી રહ્યું છે એની સામે પણ ઓસ્ટ્રેલિયાએ નારાજગી વ્યક્ત કરીને ચીનની નિંદા કરી હતી. ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હતી. આ સંધિ પણ ઓસ્ટ્રેલિયાએ રદ કરી નાખી હતી. ઓસ્ટ્રેલિયાએ હોંગકોંગના લોકોને એવી ઓફ્ર કરી હતી કે, ચીનના ત્રાસથી કંટાળ્યા હોવ તો અમારે ત્યાં આવી જજો. હોંગકોંગમાં કામ કરતી મલ્ટિનેશનલ કંપનીઓને એવું આહ્વાન કર્યું હતું કે, હોંગકોંગ છોડો અને અમારે ત્યાં આવીને તમારી કંપનીઓ ચલાવો. આવું કરે એટલે ચીનનું મગજ ફટફટ થાય એ સ્વાભાવિક છે.

ચીન સાથે દુશ્મની વધારવાની સાથે જ ઓસ્ટ્રેલિયા ભારતની વધુ ને વધુ નજીક આવી રહ્યું છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ભારતની ૧૪ દુર્લભ કલાકૃતિઓ ભારતને સોંપી હતી. ઓસ્ટ્રેલિયાને ખબર પડી હતી કે ભારતમાં કેટલાંક લોકો ગેરકાયદે ખોદકામ કરીને પ્રાચીન ર્મૂિતઓ શોધીને દાણચોરી કરી રહ્યાં છે. નેશનલ ગેલેરી ઓફ્ ઓસ્ટ્રેલિયાએ આ ર્મૂિતઓ ખરીદી અને ભારતને સોંપી હતી. ર્મૂિતઓ અને પ્રાચીન ચીજવસ્તુઓની દાણચોરી કરનાર ભારતીય મૂળની સુભાષ કપૂર નામની વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયા સાથેની ટુ પ્લસ ટુ બેઠક વિશે આપણા દેશે કહ્યું કે, અફ્ઘાનિસ્તાનમાં જે બન્યું એ પછી નવી રણનીતિ ઘડવાનું વધુ જરૃરી બન્યું છે. ઓસ્ટ્રેલિયા બાદ નજીકના દિવસોમાં જ અમેરિકા સાથે ટુ પ્લસ ટુ ડાયલોગ યોજાવાનો છે. આપણા વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા ગયા અઠવાડિયે અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા. એ વખતે તેમણે કહ્યું હતું કે, ભારત એવા બધા જ દેશોના સંપર્કમાં છે જેને અફ્ઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા પછી મુશ્કેલીઓ સર્જાઇ શકે તેમ છે. આ દરમિયાનમાં ઓસ્ટ્રેલિયા ભારતનું મજબૂત સાથીદાર તરીકે બહાર આવી રહ્યું છે. દુનિયામાં એવા ઘણા દેશો છે જેને ચીનની નીતિરીતિ સામે વાંધાઓ છે. માથાભારે ચીન સામે પડવામાં એ દેશોને થોડોક ડર પણ લાગે છે, તેની સામે ઓસ્ટ્રેલિયા એક ઘા ને બે કટકામાં માને છે. ભારત સાથે સૈન્ય અભ્યાસોમાં પણ ઓસ્ટ્રેલિયા જોડાતું રહે છે. અનેક દેશો આજે એવું માનતા થયા છે કે, ભારત જ એક એવો દેશ છે જે હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ચીનને કાબૂમાં રાખી શકે. અફ્ઘાનિસ્તાનના તાલિબાનો સાથે ચીન અને પાકિસ્તાનની દોસ્તી જે દેશોને પસંદ નથી પડી એ દેશો ભારતની વધુ નજીક આવવાના છે એ વાતમાં કોઈ શંકા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન