India can launch surgical strike inside Pakistan in 2019 : Sheikh Rasheed
  • Home
  • Featured
  • મોદી સરકારની જબરી ધાક, વધુ એક સર્જીકલ સ્ટ્રાઇકના ભયથી પાક. પ્રધાન ફફડી ઉઠ્યાં

મોદી સરકારની જબરી ધાક, વધુ એક સર્જીકલ સ્ટ્રાઇકના ભયથી પાક. પ્રધાન ફફડી ઉઠ્યાં

 | 11:28 am IST

ભારતે પીઓકેમાં બે વર્ષ પહેલાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇકનો ખોફ હજી પાકિસ્તાનને સતાવી રહ્યો છે. પાકિસ્તાનનાં રેલવે પ્રધાન સર્જીકલ સ્ટ્રાઇકનું નામ પડે ને ફફડી જાય છે. પાક.નાં રેલવે પ્રધાન શેખ રાશિદે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં એવો ભય વ્યક્ત કર્યો હતો કે, ભારત ફરી એકવાર પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે છે.

રાશિદે ભારતનાં પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવતા કહ્યું હતું કે, મોદી સરકારને હાલ પાંચ રાજ્યોમાં હારનો સામનો કરવો પડયો છે આથી રાજકીય લાભ ખાટવા 2019માં ગમે ત્યારે મોદી સરકાર સરહદો પર હિલચાલ કરીને પાક.માં સર્જીકલ સ્ટ્રાઈક કરે તેવી શક્યતા છે.

શેખ રાશિદે શું કહ્યું?

શેખ રાશિદે પાક.માં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 2019નું વર્ષ વિશ્વના રાજકારણમાં ખળભળાટ મચાવનારૂં બની રહેશે. મોદી તાજેતરની ચૂંટણીઓમાં હાર્યા પછી પાકિસ્તાનની સરહદો પર હુમલા કરી શકે છે. ફરી સર્જીકલ સ્ટ્રાઈક કરી શકે છે. મોદી સરકારે તેની વોટ બેન્કને સંતોષવાની છે આથી તેઓ નવેસરથી પાકિસ્તાન વિરોધી ઝુંબેશ છેડે તેવી સંભાવના હોવાની મારી ધારણા છે.

પાકિસ્તાને પોતાનો અપરાધ કબૂલ્યો : ભાજપનો પલટવાર

શેખ રાશિદનાં આવા ફફડાટ પછી ભાજપે તેમનાં નિવેદન પર પલટવાર કર્યો હતો. ભાજપનાં પ્રવક્તા નલિન કોહલીએ કહ્યું હતું કે, પાકિસ્તાને પોતાનો અપરાધભાવ કબૂલ્યો છે. તેને પોતાની ગુનાઈત કામગીરી અને આતંકી વૃત્તિ સતાવી રહી છે. આ વાત પુરવાર કરે છે કે પાક.માં હજી પણ આતંકી પ્રવૃત્તિ ચાલુ છે અને આતંકી છાવણીઓ ધમધમી રહી છે. ઈમરાન ખાન સરકાર અને તેનાં પ્રધાનો નયા પાકિસ્તાનના નારા પર ચૂંટાયા છે પણ હજી તેને ભારત પ્રત્યે અણગમો અને વેરભાવ છે. પાકિસ્તાને કબૂલ કરેલો અપરાધભાવ સ્વીકારે છે કે ભારતને તેની સરહદોનું રક્ષણ કરવાનો અને પોતાની સુરક્ષાનો અધિકાર છે.