ભારત-ચીન હવે વિકાસશીલ દેશ નથી, વિશ્વ વેપાર સંગઠનમાં લાભ લેવા નહીં દઈએ : ટ્રમ્પ - Sandesh
  • Home
  • World
  • ભારત-ચીન હવે વિકાસશીલ દેશ નથી, વિશ્વ વેપાર સંગઠનમાં લાભ લેવા નહીં દઈએ : ટ્રમ્પ

ભારત-ચીન હવે વિકાસશીલ દેશ નથી, વિશ્વ વેપાર સંગઠનમાં લાભ લેવા નહીં દઈએ : ટ્રમ્પ

 | 2:32 am IST

। વોશિંગ્ટન  ।

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને ચીન હવે વિકાસશીલ દેશ નથી રહ્યા પરંતુ વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ)માંથી આ દરજ્જાની રૂએ મળતા લાભ બંને દેશ ઉઠાવતા રહ્યા છે. અમેરિકી પ્રમુખે ભારપૂર્વક કહ્યું હતું કે હવે આગળ પણ આવું નહીં થવા દઈએ. અમેરિકા ફર્સ્ટ નીતિને આગળ વધારી રહેલા ટ્રમ્પ અમેરિકી ઉત્પાદકો પર ઊંચા દરે વેરો લાદવા બદલ ભારતની આલોચના કરતા રહ્યા છે. તેઓ કહેતા રહ્યા છે કે દક્ષિણ એશિયાનો આ દેશ અમેરિકી ઉત્પાદકો પર વેરા લાદવાના મુદ્દે ટેરિફ કિંગ દેશ રહ્યો છે.

અમેરિકા અને ચીન વચ્ચે હાલમાં વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. ટ્રમ્પે ચીની આયાતો પર દંડકીય વેરો લાદ્યા પછી ચીને પણ જવાબી પગલું લીધું હતું. આ પહેલાં ટ્રમ્પે જુલાઈ મહિનામાં વિશ્વ વેપાર સંગઠનને પૂછયું હતું કે તે કેવી રીતે કોઈપણ દેશને વિકાસશીલ દેશનો દરજ્જો આપે છે. વિકાસશીલ દેશોને રાહત આપવાની વિશ્વ વેપાર સંગઠનની નીતિ હેઠળ ચીન, તુર્કસ્તાન અને ભારત જેવા દેશોને કેટલીક રાહત મળી રહી છે અને ટ્રમ્પ તે સામે સવાલ ઉઠાવીને તેને રોકવા માગે છે.   જિનીવા સ્થિત વિશ્વ વેપાર સંગઠન તે આંતર સરકારી સંસ્થા છે અને તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિવિધ દેશો વચ્ચે થઈ રહેલા વેપારનું નિયમન કરે છે.

અમેરિકી વેપાર પ્રતિનિધિઓને આપી દંડકીય સત્તા  

ટ્રમ્પે અમેરિકી વેપાર પ્રતિનિધિઓને અધિકાર આપીને કહ્યું છે કે જો કોઈ વિકસિત અર્થવ્યવસ્થા વિશ્વ વેપાર સંગઠનનો વિકાસશીલ દેશના રૂપમાં લાભ લેતી હોય તો તેની સામે દંડકીય કાર્યવાહી શરૂ કરવામાં આવે. પેન્સિલ્વેનિયામાં મંગળવારે એક સભાને સંબોધતાં ટ્રમ્પે કહ્યું હતું કે એશિયાની બે મોટી અર્થવ્યવસ્થા ભારત અને ચીન હવે કાંઈ વિકાસશીલ દેશ નથી રહ્યા અને તેઓ વિશ્વ વેપાર સંગઠન તરફથી વિકાસશીલ દેશો તરીકે મળતા લાભ ના લઈ શકે. પરંતુ આ બંને દેશ વિશ્વ વેપાર સંગઠન તરફથી વિકાસશીલ દેશ તરીકેનો લાભ ઉઠાવીને અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે. બંને દેશ વર્ષોથી અમેરિકાનો લાભ ઉઠાવતા રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વિશ્વ વેપાર સંગઠન અમેરિકા સાથે નિષ્પક્ષ વ્યવહાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;