ભારત અને ચીન વચ્ચે શીતયુદ્ધ જેવી હાલત, જાણો શા માટે - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભારત અને ચીન વચ્ચે શીતયુદ્ધ જેવી હાલત, જાણો શા માટે

ભારત અને ચીન વચ્ચે શીતયુદ્ધ જેવી હાલત, જાણો શા માટે

 | 9:13 pm IST

અમેરિકાના એક પૂર્વ રાજદ્વારીએ ભય વ્યક્ત કર્યો છે કે ભારત અને ચીન વચ્ચે શીતયુદ્ધ જેવા સંબંધોનું નિર્માણ થઈ રહ્યું છે તેમ છતાંપણ બેઇજિંગ પર લગામ કસવા માટે અમેરિકી નેતૃત્વ હેઠળના મોરચામાં નવી દિલ્હી જોડાય તેવી સંભાવના નથી.

અમેરિકી વિદેશ વિભાગના સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયા બ્યૂરોમાં ફરજ બજાવી ચૂકેલા એલિસા આયરિસે ગયા સપ્તાહમાં ન્યૂયોર્ક ખાતે તેમના પુસ્તકના વિમોચન પ્રસંગે જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે શીતયુદ્ધ જેવા સંબંધોનું નિર્માણ થઈ રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે મજબૂત વ્યાપારિક સંબંધો છે પરંતુ ભારત માટે આ સંબંધો સંતોષજનક નથી. ભારતનો અસંતોષ વધી રહ્યો છે. તેવા જ કારણોસર અમેરિકાને પણ ચીન સાથેના વ્યાપારિક સંબંધોથી સંતોષ નથી.

હાલમાં કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન ખાતેના પ્રોફેસર એવા આયરિસે જણાવ્યું હતું કે, થોડા સમય માટે ભારત અને ચીન વચ્ચેના વ્યાપારિક સંબંધોએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક સ્પર્ધાને હાંસિયામાં ધકેલી દીધી છે. મને લાગે છે કે જે રીતે હિંદ મહાસાગરમાં ચીનની હાજરી વધી રહી છે તેનાથી ભારત ચિંતિત છે. તે ઉપરાંત ચીનના પાકિસ્તાન, શ્રીલંકા સાથેના મજબૂત બનતા સંબંધો અને જે રીતે ચીન આ બંને દેશોમાં મૂડીરોકાણ કરી રહ્યો છે તે જોતાં ભારતની ચિંતાઓમાં વધારો થયો છે.
ભારત ચીન સામે લડવા અમેરિકાને સાથ નહીં આપે

બેઇજિંગ પર લગામ કસવામાં અમેરિકામાં એવી છાપ છે કે નવી દિલ્હી એક સારો મિત્ર સાબિત થઈ શકે છે તેવા એક સવાલના જવાબમાં આયરિસે જણાવ્યું હતું કે, ભારત આ પ્રકારના કોઇ પ્રયાસનો હિસ્સો બને તેની સંભાવના નથી. ચીન પર લગામ કસવાના અમેરિકી નેતૃત્વ હેઠળના પ્રયાસોમાં ભારત જોડાય તેવી સંભાવના નહિવત છે.

ભારતને અમેરિકી નેતૃત્વ હેઠળ ચીન પર લગામ કસવામાં નહીં પરંતુ તેના પોતાના હિતોની જાળવણી કરવી છે. ભારત ઇચ્છે છે કે મુક્ત વૈશ્વિક વ્યવસ્થા જળવાઇ રહે. વૈશ્વિક નિયમોમાં ભારત મોટો સમર્થક દેશ રહ્યો છે પરંતુ ચીન સાથે ઘણા ક્ષેત્રમાં તે ભાગીદારી કરી રહ્યો છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કમાં ભારત બીજા નંબરનો કન્ટ્રિબ્યૂટર દેશ છે. ભારત શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનો સભ્ય બન્યો છે.