India deploys T-90 Bhishma tanks in Galwan Valley to repel any Chinese misadventure along LAC
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારત પણ ચીન સામે લડી લેવાના મૂડમાં, ગલવાનમાં T-90 ટેન્ક બાદ હવે ખડકી હોવિત્ઝર તોપો

ભારત પણ ચીન સામે લડી લેવાના મૂડમાં, ગલવાનમાં T-90 ટેન્ક બાદ હવે ખડકી હોવિત્ઝર તોપો

 | 11:05 pm IST
  • Share

એલએસી પર ભારત અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલા સરહદી તણાવને ઘટાડવાના ત્રીજા પ્રયાસમાં મંગળવારે લદ્દાખના ચુશુલ ખાતે ભારત અને ચીનની સેનાઓના ટોચના કમાન્ડરો વચ્ચે મંત્રણાનો પ્રારંભ થયો હતો. ભારતીય સેનાની લેહ સ્થિત 14મી કોર્પ્સના વડા લે. જનરલ હરિન્દરસિંહ અને ચીની સેનાના સાઉથ શિનજિયાંગ મિલિટરી રિજિયનના કમાન્ડર મેજર જનરલ લિઉ લિનના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી મંત્રણાની આડમાં ચીની સેનાએ ભારત સામે ઘૂરકિયાં કરવાનું જારી રાખ્યું છે. પૂર્વ લદ્દાખમાં પહેલાંની સ્થિતિ સ્થાપિત કરવાના તમામ શાંતિપૂર્ણ પ્રયાસો માટે ભારત તૈયાર છે પરંતુ જો ચીન દ્વારા કોઇ ઊંબાડિયું કરવામાં આવે તો તેને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે મંગળવારે એલએસી પરના ગાલવાન વેલી સેક્ટરમાં T-90 મિસાઇલ ફાયરિંગ ટેન્ક અને ટોપ ઓફ ધ લાઇન ખભા પરથી ફાયર કરી શકાય તેવી એન્ટિ ટેન્ક મિસાઇલ સિસ્ટમ તહેનાત કરી દીધી હતી.

ચીની સેનાએ ગાલવાન રિવર ખાતે તેની સ્થિતિ મજબૂત બનાવતાં આર્મર્ડ પર્સોનલ કેરિયર્સ અને સૈનિકોના ટેન્ટની સંખ્યામાં વધારો કર્યો છે. જેના પગલે ભારતીય સેનાએ T-90 ભીષ્મ ટેન્ક તહેનાત કરવાનો નિર્ણય કર્યો હતો. ચીની સેના દ્વારા સ્પેન્ગગુર ગેપમાં કોઇપણ પ્રકારના લશ્કરી પગલાંનો જવાબ આપવા માટે ભારતીય સેનાએ ચુશુલ સેક્ટરમાં બે ટેન્ક રેજિમેન્ટ ડિપ્લોય કરી છે. પૂર્વ લદ્દાખમાં 1597 કિમી લાંબી એલએસી પર ભારતીય સેનાએ 155 એમએમ હોવિત્ઝર તોપ સહિતના ઇન્ફન્ટ્રી કોમ્બેટ વાહનો પણ મોકલી આપ્યાં છે.

બીજીતરફ હિમાલયની ઊંચાઇઓમાં ભારત સામે વામણી સાબિત થઇ રહેલી ચીની સેના રાજસ્થાન નજીકની પાકિસ્તાનની સરહદ નજીક અત્યંત સક્રિય બની છે. ચીન છેલ્લા બે દાયકાથી રાજસ્થાનની સરહદ નજીક ક્રૂડ તેલ, ગેસ અને કોલસાના સંશોધનની આડમાં લશ્કરી માળખા વિકસાવી રહ્યો છે. ગુપ્તચર અહેવાલો પ્રમાણે એલએસી પર તણાવ વધ્યા બાદ રાજસ્થાન નજીકના પાકિસ્તાની વિસ્તારમાં ચીની સેનાની સક્રિયતા ઘણી વધી છે. ચીન અત્યાર સુધીમાં રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદ નજીક સરહદી ચોકીઓ, વોચ ટાવર અને 500થી વધુ તૈયાર કરી ચૂકયો છે. ચીની સેનાએ આ સરહદી ચોકીઓમાં સોલર પેનલ, સીસીટીવી અને ડ્રોન પણ લગાવ્યાં છે.

ચીને પાકિસ્તાનની સરહદ પર ચાર ખાનગી એરબેઝ તૈયાર કર્યાં છે. કાદનવાલી, ખોખરાપાર, હૈદરાબાદ અને મિટ્ટીમાં ચીની એન્જિનિયરો દ્વારા એરબેઝ તૈયાર કરાયાં છે. પાકિસ્તાની એરફોર્સના મોટાભાગના એરબેઝનું આધુનિકીકરણ પણ ચીની સેના દ્વારા કરાયું છે.

ચીની સેનાએ હવે અરુણાચલપ્રદેશની એલએસી પર સક્રિયતા વધારી

ચીની સેનાએ અરુણાચલપ્રદેશમાં આવેલી એલએસી ખાતે સક્રિયતા વધારી દીધી છે. ચીની સેના અરુણાચલપ્રદેશની એલએસી ખાતે મોટી સંખ્યામાં ચોકીઓ ઊભી કરી રહી છે. ચીની સેનાએ પેટ્રોલિંગ વધારવાની સાથેસાથે એલએસીનું ઉલ્લંઘન શરૃ કર્યું છે. અરુણાચલપ્રદેશના તવાંગ અને વાલોંગમાં ચીની સેનાની સક્રિયતા સૌથી વધુ જોવા મળી રહી છે. તવાંગ વિસ્તારમાં ભારતની ઓલ્ડ ખિનઝમાન પોસ્ટ ખાતે બે વાર બંને દેશના સૈનિકો સામસામે આવી ગયા હતા. તવાંગ સેક્ટરમાં પીએલએના દળોએ ત્સોના ઝોંગ ખાતે બેઝ કેમ્પ ઊભો કર્યો છે. વાલોંગ સેક્ટરમાં ભારતની કિબત્હૂ પોસ્ટ ખાતે ચીની પેટ્રોલિંગ ટુકડીઓ આક્રમક વલણ અપનાવી રહી છે. આ પોસ્ટથી એલએસીની પેલેપાર ઓલ્ડ તાતુ ખાતે ચીની સેનાએ મોટો જમાવડો કર્યો છે. ચીની સેના સરહદી શહેર રિમા નજીક પણ મોટી સંખ્યામાં દળો તહેનાત કરી રહી છે.

પેંગોંગ ત્સો લેક પર દાવો ઠોકવા ચીની સેનાએ મેન્ડરિન સિમ્બોલ અને ચીનનો નકશો બનાવ્યા

એલએસી પર આવેલા ભારતના પેંગોંગ ત્સો લેક પર દાવો ઠોકતા ચીની સેનાએ મેન્ડરિન સિમ્બોલ અને ચીનનો નકશો બનાવ્યા છે. ચીની સેનાએ હાલ પચાવી પાડેલા ફિંગર ફોર અને ફિંગર ફાઇવ વચ્ચેની જગ્યામાં 81 મીટર પહોળા અને 25 મીટર લાંબા આ સિમ્બોલ અને નકશાને સેટેલાઇટની તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ભારતનો દાવો છે કે ફિંગર વનથી ફિંગર એઇટ સુધીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનો અધિકાર ભારતીય સેનાનો છે. જ્યારે ચીન ફિંગર ફોરથી ફિંગર એઇટના વિસ્તારો પર પોતાનો દાવો કરી રહ્યો છે.

ચીને હવે ભુતાનના સકતેંગ અભયારણ્ય પર નજર બગાડી

ચીને હવે ભુતાનના સકતેંગ વન્યજીવ અભયારણ્ય પર નજર બગાડી એ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કર્યો છે. ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી કાઉન્સિલની 58મી બેઠકમાં ચીને ભુતાનના સકતેંગ વન્યજીવ અભયારણ્યની જમીનને વિવાદાસ્પદ ગણાવીને પ્રોજેક્ટને અપાતા ફંડિંગનો વિરોધ કર્યો છે. બીજીતરફ ભુતાને જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે સકતેંગ અભયારણ્ય ભુતાનનો અભિન્ન હિસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન