ભારતનો આર્થિક વિકાસ નોકરીના દુકાળનો અંત લાવવા પૂરતો નથી - Sandesh
  • Home
  • Columnist
  • ભારતનો આર્થિક વિકાસ નોકરીના દુકાળનો અંત લાવવા પૂરતો નથી

ભારતનો આર્થિક વિકાસ નોકરીના દુકાળનો અંત લાવવા પૂરતો નથી

 | 12:36 am IST

ઓવર વ્યૂ

ભારતનો વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ઝડપી અને ઊંચો આર્થિક વિકાસનો દર દેશમાં નવી રોજગારીનાં સર્જન માટે કે નોકરીઓનો દુકાળ દૂર કરવા માટે પૂરતો નથી. વિશ્વની ઝડપથી વિકાસ પામતી મહત્ત્વની ઇકોનોમી જેટલી ઝડપથી વિકસવી જોઈએ તેટલી ઝડપથી વિકસી રહી નથી, તે ભારત માટે એક વાહિયાત સિદ્ધિ જેવી પુરવાર થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના મતે માર્ચ ૨૦૧૯નાં નાણાકીય વર્ષ સુધીમાં ભારતનો જીડીપી ગ્રોથ ૭.૩ ટકાના દરે વિકાસ પામશે અને પછીનાં નાણાકીય વર્ષમાં ૭.૫ ટકાના દરે વિકસશે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે તેના વિકાસની હાલની ગતિ જોઈએ તેટલી ઝડપી નથી. ભારત તેના જંગી વર્કફોર્સ માટે પૂરતી નોકરીઓ સર્જવામાં અને તેના મધ્યમવર્ગનો વ્યાપ વિસ્તારવામાં અનેક મુશ્કેલીઓ અનુભવી રહ્યો છે, તેની ઝડપથી વધી રહેલી વસતી અને ભૌગોલિક જરૂરિયાતો માટે તેમજ તેના જંગી વિકાસ માટે એશિયાની આ ત્રીજા નંબરની મોટામાં મોટી ઇકોનોમીએ બે આંકડાના દરે વિકાસ કરવાની જરૂર છે. ભારતમાં આર્થિક સુધારાનો ધીમો દર, નબળું બેન્કિંગ સેક્ટર અને જૂનાપુરાણા શ્રમકાયદાઓ તેમજ ઢંગધડા વિનાની શિક્ષણપદ્ધતિ ભારતને ફરી પાછો હિમયુગમાં લઈ જઈ રહ્યા છે. આ બધા અવરોધોને કારણે દર વર્ષે દેશનાં જોબમાર્કેટમાં ખડકાતા ૧.૨ કરોડ યુવાનોને મર્યાદિત કુશળતા આપે છે અને તેમને નોકરી મેળવવા ફાંફાં મારવાં પડે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પડકારો ઝીલવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે આખા દેશમાં કન્ઝમ્પ્શન ટેક્સ લાદ્યો છે, કંપનીઓ માટે નાદારીનો કાયદો અમલમાં મૂક્યો છે અને તેમની મહત્ત્વાકાંક્ષી મેક ઇન ઈન્ડિયા ઝુંબેશ દ્વારા દેશમાં સ્વદેશી ઉત્પાદનને વેગ આપવા માટે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, આમ છતાં નિષ્ણાતોનું એવું માનવું છે કે દેશની ઇકોનોમીને ખુલ્લી મૂકવા માટે હજી ઘણું કરવાની જરૂર છે. વિદેશી મૂડીને આકર્ષવાનાં પગલાં લેવાનાં છે ચીનના મધ્યમવર્ગનો વ્યાપ વિસ્તર્યો છે તે રીતે સંપત્તિ અને વેપારની તકોનું સર્જન કરવાનું છે. ચીનની ઇકોનોમી ભારતની ૨.૬ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી કરતાં ચારથી છ ગણી મોટી એટલે કે ૧૨.૨ ટ્રિલિયન ડોલર છે.

ચીન દ્વારા જે રીતે વૈશ્વિક વેપાર અને સીધું વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે આક્રમક સફળતા હાંસલ કરવામાં આવી છે તેવી આક્રમક સફળતા હાંસલ કરવામાં ભારત નિષ્ફ્ળ ગયો છે તેમ ગોલ્ડમેન સાશના પૂર્વ એસેટ મેનેજમેન્ટ ચેરમેન તેમજ બ્રિટનના પૂર્વ નાણાપ્રધાન જિમ ઓ નીલે જણાવ્યું હતું. તેમણે ૨૦૦૧માં બ્રિકની રચના કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી અને બ્રાઝિલ, ભારત, રશિયા, ચીનને સંગઠિત કરીને બ્રિકનું ગ્રૂપ બનાવ્યું હતું.

ભારત ઊંચી આવક ધરાવતા ગ્રૂપમાં મર્યાદિત લોકો માટે જંગી સંપત્તિનું સર્જન કરવામાં સફળ રહ્યો છે પણ કરોડો મધ્યમવર્ગ માટે ગ્રાહકોનો મોટો સમૂહ સર્જવામાં તેને સફળતા મળી નથી તેમ જિમ ઓ નીલે કહ્યું હતું.

ભારતે ૧૯૯૧માં તત્કાલીન વડા પ્રધાન પી. વી. નરસિંહરાવના શાસનકાળમાં આર્થિક સુધારા શરૂ કર્યા તે પછી સરેરાશ ૭ ટકાના દરે આર્થિક વિકાસ હાંસલ કર્યો છે, તેનાથી ઊલટું ચીને ૪૦ વર્ષ પહેલાં તેની ઇકોનોમી ખુલ્લી મૂક્યા પછી અને તેનું આધુનિકીકરણ કર્યા પછી દર વર્ષે લગભગ ૧૦ ટકાના દરે આર્થિક વિકાસ કર્યો છે. ભારતીય અર્થતંત્રનો તાજો ધબકાર શુક્રવારે જાણવા મળ્યો હતો. વર્ષના પ્રારંભમાં જૂન પછીના ત્રણ મહિનાના ગાળા માટે અર્થશાસ્ત્રીઓએ ૭.૬ ટકાના દરે સરેરાશ જીડીપી ગ્રોથરેટની આગાહી કરી હતી. આ ડેટા જાહેર કરાય તે પહેલાં અમેરિકન ડોલર સામે ભારતનો રૂપિયો ૭૧ની સપાટી સુધી ગગડયો હતો અને નવી નીચી સપાટી બનાવી હતી, આને કારણે હવે દેશમાં વિદેશી રોકાણકારો નવું રોકાણ લઈને આવતાં ખચકાટ અનુભવશે ફુગાવો વકરશે અને જો આરબીઆઈ ઝડપથી દરમિયાનગીરી નહીં કરે તો આગામી મહિનાઓમાં ગ્રોથ પર તેની માઠી અસર પડશે.

ભારતના ૯૦ ટકાથી વધુ શ્રમિકો અને કામદારો દેશનાં અનૌપચારિક અને બિનસંગઠિત ક્ષેત્રોમાં નોકરી કરે છે. ભારતને બેરોજગારીનાં કલંકમાંથી દૂર કરવા સરકાર નવી અને ટકાઉ રોજગારી સર્જન કરવા સંઘર્ષ કરી રહી છે. ભારતમાં બેકારીનું દૂષણ કેટલી હદે વકર્યું છે કે તેનું વરવું ઉદાહરણ એ છે કે સરકાર દ્વારા સંચાલિત ભારતીય રેલવેમાં ૯૦,૦૦૦ ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત કરી હતી ત્યારે તેમાં નોકરી મેળવવા ૨.૮ કરોડ લોકોએ અરજી કરી હતી. રેલવેની જોબ દર વર્ષે લઘુતમ ૨,૧૬,૦૦૦ રૂપિયાની ચુકવણી કરે છે. ભારત કે જ્યાં માથાદીઠ આવક ૧,૮૦૦ ડોલર છે ત્યાં આ રકમ ઘણી મોટી કહી શકાય, જ્યારે ચીનની માથાદીઠ આવક ૮,૮૦૦ ડોલર છે.

ભારતને તેના વિકાસના આ તબક્કે અર્થતંત્રમાં વસતીને આધારિત અર્થતંત્રના લાભ મળી રહ્યા છે. વિશ્વસ્તરે જોઈએ તો ભારતની ઇકોનોમીની સરેરાશ ઉંમર ૨૮ છે જ્યારે ચીનની ૩૭ અને જાપાનની ૪૭ છે. વસતીઆધારિત સાનુકૂળ આર્થિક વિકાસના લાભ તેને આપોઆપ મળ્યા નથી. સરકાર આ લાભને વધારાના ફાયદામાં ફેરવી શકે છે કે કેમ તે મહત્ત્વનું છે. વસતીની કુશળતાની અછત નિવારે તે પણ જરૂરી છે, હવે સમય હાથમાંથી સરી રહ્યો છે. ૨૦૪૦માં ર્વિકંગ એજ ધરાવતી વસતીની સંખ્યામાં ઘટાડો શરૂ થશે પછી સ્થિતિ મુશ્કેલ બનશે.

વિશ્વબેન્કના સિનિયર અર્થશાસ્ત્રી અને ભારતીય બાબતોના નિષ્ણાત એજાઝ ગનીના મતે ભારત માટે નવી નોકરીનાં સર્જનની સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહેશે. ભારત હવે રક્ષણાત્મક વાદ તરફ સરકી રહ્યો છે અને તેની ઉત્પાદન તેમજ ટેક્નિકલ વિકાસની ગતિ મર્યાદિત થઈ રહી છે તે મોટામાં મોટી સમસ્યાઓ સર્જશે. બીજો પડકાર ડિજિટલ ટેક્નોલોજીની વધતી જતી વપરાશનો છે, જેને કારણે વધુ કુશળ અને ઉત્પાદક નોકરીઓનું સર્જન થાય છે અને ઓછી કુશળતા ધરાવતાં લોકોને નોકરી માટે આમથી તેમ ભટકવું પડે છે. યુવાન લોકો માટે મુખ્ય સમસ્યાઓ ગ્રોથ, એજ્યુકેશન, માલિકીનું ઘર, અને વધુ ટકાઉ ચીજવસ્તુઓ મેળવવાની છે.

નોકરીની અછતને કારણે રોકાણક્ષેત્રે ભારતની છબી ખરડાઈ છે. આને કારણે સામાજિક અસંતોષનું સર્જન થાય છે. આવતા વર્ષે પીએમ મોદીને ફરી ચૂંટતી સામે તે ખતરો સર્જશે. ભાજપ સરકાર માટે શા માટે નવી નોકરીઓનું સર્જન મહત્ત્વનું છે તે આ બધી સમસ્યાઓ પરથી જાણી શકાય છે. તેઓ દર વર્ષે ૧ કરોડ નવી નોકરીઓનું સર્જન કરવાનાં તેમનાં વચનપાલનના પ્રયાસ કરી રહ્યા છે, જોકે તેમના શાસનકાળને હવે એક વર્ષ કરતાં પણ ઓછો સમય રહ્યો છે ત્યારે તેઓ પ્રભાવશાળી રીતે નવી નોકરીઓ સર્જી શક્યા નથી. મોદી આના બચાવમાં કહે છે કે નોકરીઓનું પૂરતું સર્જન થયું છે પણ તે યોગ્ય રીતે પ્રતિબિંબિત થયું નથી. તેમણે નવી નોકરી સર્જવાના આંકડા દર્શાવવા માટે ઘણા પ્રયાસો કર્યા છે પણ તે છેતરામણા છે.

મોદીની નીતિઓએ આર્થિક પીછેહઠનું સર્જન કર્યું હોવાના ઘણા પુરાવા છે. ખાનગી કંપની સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી દ્વારા આંકડા દર્શાવે છે કે ૨૦૧૬માં નવેમ્બરમાં નોટબંધી પછી તરત જ ૧૫ લાખ નોકરીઓ લોકોએ ગુમાવી હતી. ગયા જુલાઈમાં દાખલ કરવામાં આવેલા કન્ઝમ્પ્શન ટેક્સ એટલે કે જીએસટી પછી શ્રમલક્ષી ક્ષેત્રો જેવાં કે ખેતી અને બાંધકામ ક્ષેત્રોમાં પણ લાખો લોકોએ નોકરીઓ ગુમાવી હતી. આ બેવડા ફટકાને કારણે ભારતનો જીડીપી ગ્રોથ માર્ચ ૨૦૧૮ના અંતે ઘટીને ૬.૬ ટકાની આસપાસ રહ્યો હતો. ઊંચા અને સાતત્યપૂર્ણ આર્થિક વિકાસ માટે ભારતે નાણાકીય સિસ્ટમને વિકસાવવી પડશે અને તેમાં ઝડપી સુધારા કરવા પડશે, લેબર માર્કેટને ખુલ્લું મૂકવું પડશે, ફિઝિકલ અને સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું પડશે અને નાણાકીય તેમજ આર્થિક શિસ્ત જાળવવી પડશે.