ભારતમાં પહેલા ટેલિફોન એક્સ્ચેન્જના ૯૩ ગ્રાહકો - Sandesh
  • Home
  • Columnist
  • ભારતમાં પહેલા ટેલિફોન એક્સ્ચેન્જના ૯૩ ગ્રાહકો

ભારતમાં પહેલા ટેલિફોન એક્સ્ચેન્જના ૯૩ ગ્રાહકો

 | 12:17 am IST

કભી કભી

ભારતમાં બ્રિટિશરો આવ્યા તે પહેલાં ખેપિયા એટલે કે સંદેશવાહકો દ્વારા એકબીજાને સંદેશ મોકલવામાં આવતા. કબૂતરો દ્વારા પણ સંદેશા મોકલાતા હોવાની વાતો કેટલીક કથાઓમાં વર્ણવવામાં આવી છે. સંદેશા મોકલવા ઊંટ કે ઘોડેસવારોનો પણ ઉપયોગ થતો.

પરંતુ ભારતમાં બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આગમન બાદ બધું બદલાયું. આમ તો ભારતમાં બ્રિટિશ રાજ ઇ.સ. ૧૮૫૮માં સ્થાપિત થયું. એ વખતે ઇસ્ટ ઇન્ડિયા કંપની  બ્રિટિશ ક્રાઉનને હસ્તક કરવામાં આવી. જો કે અત્રે એ નોંધવું જરૂરી છે કે ભારતમાં માત્ર બ્રિટિશરો જ નહીં પરંતુ પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ અને ડેનિશ લોકો પણ આવ્યા.  શરૂઆતમાં ભારતમાં બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૭૬૪થી ૧૭૬૬ દરમિયાન મુંબઇ, કોલકાતા અને ચેન્નાઇમાં પોસ્ટ ઓફિસો શરૂ કરી.

વોરન હેસ્ટિંગ્સ ૧૭૭૩થી ૧૭૮૪ દરમિયાન બ્રિટિશ ઇન્ડિયાના ગવર્નર જનરલ હતા. તેમણે ઇ.સ. ૧૭૭૪માં પબ્લિક માટે ટપાલ સર્વિસ શરૂ કરી. એ પહેલાં દેશમાં  પોસ્ટલ સર્વિસ હતી પરંતુ તે માત્ર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી કામકાજ માટે જ કામ કરતી હતી એનો હેતુ માત્ર આર્થિક અને રાજકીય જરૂરિયાતો પૂરતો હતો.

૧૮૩૭માં પોસ્ટ ઓફિસ એક્ટ અમલમાં આવ્યો તે મુજબ ટપાલના વજન પ્રમાણે એક સરખો ટિકિટ દર અમલમાં આવ્યો પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાઓ ધીમે ધીમે બ્રિટિશ ક્રાઉન પાસે જતા બધું બદલાઇ  ગયું.

૧૮૫૪માં ભારતમાં પહેલી ટપાલ ટિકિટ સિંઘ જિલ્લામાં બહાર પડી. ૧૮૫૪માં આખા ભારત દેશ માટે એકસરખી ટપાલ ટિકિટ અસ્તિત્વમાં આવી. ૧૯૩૧માં દેશમાં પહેલી પિક્ટોરિયલ સ્ટેમ્પ- ચિત્રવાળી ટપાલ ટિકિટ બહાર પડી.

આમ તો ૧૮૨૦માં ભારતથી ઇંગ્લેન્ડ સુધી એક ટપાલ પહોંચતાં ત્રણ મહિના લાગતા હતા પરંતુ થોમસ વેગને નવો રૂટ શોધી કાઢયો તે પછી ભારતથી નીકળેલી ટપાલ ૩૫ દિવસમાં ઇંગ્લેન્ડ પહોંચવા લાગી. આ એલેકઝાન્ડ્રીયા સુએઝનો રૂટ હતો.

ભારતમાં ટપાલનો ઇતિહાસ ક્રમાંક કાંઇક આવો છે.

દેશમાં પહેલી પોસ્ટ ઓફિસ ૧૭૬૪માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઇમાં શરૂ કરી.

* ૧૮૫૨માં દેશમાં પહેલી ટપાલ ટિકિટ બહાર પડી તે માત્ર સિંધ પૂરતી હતી પરંતુ ૧ ઓક્ટોબર, ૧૮૫૪ના રોજ આખા દેશમાં ચાલે તેવી ટપાલ ટિકિટ બહાર પડી.

* ઇ.સ. ૧૮૬૩માં રેલવે મેલ સર્વિસ શરૂ થઇ.

* ૧૮૭૩માં પરબિડીયું એટલે કે કવર શરૂ થયું.

* ઇ.સ. ૧૮૭૯માં પોસ્ટકાર્ડ શરૂ થયું.

* ૧૮૮૦માં મની ઓર્ડર સર્વિસ શરૂ થઇ

* ૧૯૧૧માં ભારતમાં પહેલી એરમેઇલ સર્વિસ અલ્હાબાદથી નૈની વચ્ચે શરૂ થઇ.

* ૧૯૩૫માં ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડરનો આરંભ થયો.

* ૧૯૭૨માં પિનકોડનો આરંભ થયો.

* ૧૯૮૫માં ટપાલ અને ટેલિફોન વિભાગ અલગ થયા.

ઇ.સ. ૧૮૬૧ સુધીમાં ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન કુલ ૮૮૯ પોસ્ટ ઓફિસો કાર્યરત થઇ ગઇ હતી અને તે ટપાલ કચેરીઓ વર્ષે દહાડે ૪૩ મિલિયન કાગળો હેરાફેરી કરતી હતી.

હવે તાર અને ટેલિફોનની વાત. ભારતમાં ટપાલ વ્યવસ્થાની જેમ તાર અને ટેલિફોન  પણ અંગ્રેજો  જ લઇ આવ્યા.

ભારતમાં ટેલિગ્રાફ એટલે કે તારથી ટેલિકોમ્યુનિકેશન્સની શરૂઆત થઇ. ઇ.સ.  ૧૮૫૦ની સાલમાં દેશની પહેલી ટેલિગ્રાફ લાઇન  પ્રાયોગિક ધોરણે કોલકતાથી ડાયમંડ હાર્બર વચ્ચે નાંખવામાં આવી. ૧૮૫૧માં તે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે ખોલવામાં આવી. પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ વિભાગને પીડબલ્યુડીએ એક નાની જગા ફાળવી હતી.

તે પછી ૧૮૫૩ના નવેમ્બર માસમાં ૬,૪૦૦ કિલોમીટર લાંબી ટેલિગ્રાફ લાઇન નાંખવાનું કામ  શરૂ થયું. આ લાઇન કોલકાતાને અને પેશાવરને આપી. મુંબઇ, મદ્રાસ અને બેંગ્લુરુ સાથે જોડતી હતી.

ભારતમાં ટેલિગ્રાફના સ્થાપક ડો. વિલિયમ શાઉગ્નેસી હતા. તેમના કારણે જ ભારતમાં તાર અને ટેલિફોનની સુવિધાનો આરંભ થયો. ૧૮૫૪માં પ્રજા માટે ટેલિગ્રાફ વ્યવસ્થાનો આરંભ થતાં તેનું અલગ ડિપાર્ટમેન્ટ બન્યું. ઇ.સ. ૧૮૮૦માં ઓરિએન્ટલ ટેલિફોન કંપની લિ. અને ધી એંગ્લો-ઇન્ડિયન ટેલિફોન કંપની લિ. નામની બે કંપનીઓએ ભારત સરકારનો સંપર્ક સાધી દેશમાં ટેલિફોન એક્સ્ચેન્જ શરૂ કરવા દરખાસ્ત રજૂ કરી,  પરંતુ તે વખતની બ્રિટિશ ઇન્ડિયા સરકારે ટેલિફોન વ્યવસ્થાએ સરકારનો ઇજારો છે તેમ કહી એ વિનંતીને ફગાવી દીધી. સરકાર એમ માનતી હતી કે ટેલિફોન સુવિધા  ઉપલબ્ધ કરવાનું કામ સરકારનું છે.

પરંતુ ૧૮૮૧માં સરકારે અગાઉનો નિર્ણય ફેરવ્યો અને ઇંગ્લેન્ડની ઓરિએન્ટલ કંપનીને ભારતમાં કોલકાતા, અમદાવાદ, ચેન્નાઇ અને મુંબઇ ખાતે ટેલિફોન એક્સ્ચેન્જ શરૂ કરવા લાઇસન્સ આપ્યાં.

તા. ૨૮મી જાન્યુઆરી૧૮૮૨ના રોજ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાઝ કાઉન્સિલના સભ્ય મેજર ઇ. બેરિંગે કોલકાતા, ચેન્નાઇ અને મુંબઇમાં ટેલિફોન એક્સ્ચેન્જ ખુલ્લાં મુકાયાની જાહેરાત કરી.  કલકત્તાના ટેલિફોન એક્સ્ચેન્જને ‘સેન્ટ્રલ એક્સ્ચેન્જ’ એવું  નામ આપવામાં આવ્યું.

તેનો આરંભ કલકત્તાની ૭, કાઉન્સિલ હાઉસ સ્ટ્રીટ ખાતેના એક મકાનમાં ત્રીજા માળે થયો. એ સેન્ટ્રલ એક્સ્ચેન્જને ટેલિફોનના ૯૩ ગ્રાહકો મળ્યા હતા. ૧૮૮૨માં મુંબઇનું ટેલિફોન એક્સ્ચેન્જ પણ શરૂ થયું. ૧૯૦૭માં કાનપુર સેન્ટ્રલ ટેલિફોન એક્સ્ચેન્જ શરૂ થયું. ૧૯૧૩-૧૯૧૪માં દેશનું પહેલું ઓટોમેટિક ટેલિફોન એક્સ્ચેન્જ શિમલા  ખાતે શરૂ થયું. તે પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તા. ૨૩ જુલાઇ, ૧૯૨૭ના રોજ રેડિયો-ટેલિગ્રાફ સિસ્ટમ શરૂ થઇ. ૧૯૩૩માં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે પહેલી રેડિયો ટેલિફોન સિસ્ટમ શરૂ થઇ.

એમ તો ભારતની ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી ગણાય છે. ઇ.સ. ૨૦૦૫માં જ ભારતમાં ૧૦૦ મિલિયન ટેલિફોન્સના આંકને વટાવી ગયું હતું. ૨૦૦૭માં આ આંકડો ૨૧૮.૦૫ મિલિયન સુધી પહોંચ્યો, તે પછી મોબાઇલ ફોનના ક્ષેત્રે ભારત ચીન પછી બીજા નંબરે એટલે કે ૮૧,૧૫૯ મિલિયન મોબાઇલ ફોન ગ્રાહકો ધરાવે છે. વાસ્તવિક આંકડો આથી પણ વધુ છે.

દેવેન્દ્ર પટેલ

http://www.devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન