ભારતમાં ઊડતી કાર અને ડિલિવરી માટે ડ્રોનની સેવા - Sandesh

ભારતમાં ઊડતી કાર અને ડિલિવરી માટે ડ્રોનની સેવા

 | 1:07 am IST

વોટ્સએપ કોર્પોરેટઃ  કલ્પેશ શેઠ

‘આભમાં તો એક પણ કેડી નથી પણ એનો મતલબ એ નથી કે ત્યાં સફર કોઈએ ખેડી નથી.’ કવિએ કવિતા લખવા માટે આ કલ્પનાઓ કરી હશે ત્યારે કદાચ તેમને ખબર પણ નહીં હોય કે ટેક્નોલોજી ક્ષેત્રના ખેરખાંઓ આ દિશામાં સંશોધનો કરી રહ્યા છે. મૂળ મુદ્દા પર આવીએ તો હવે ટૂંક સમયમાં ટ્રાફિક જામથી થાકેલા કાર ડ્રાઈવરો પક્ષીઓની જેમ આકાશમાં ઊડતા હશે અને જો પ્લાન સફળ થાય તો ફૂડ કે દવાની ડિલિવરી ડ્રોન દ્વારા થતી હશે, કારણ કે ટેક્સી સર્વિસ પ્રોવાઇડર Uberના સંચાલકોએ ટૂંક સમયમાં વિશ્વના પાંચ દેશોમાં ‘ફ્લાઇંગ કાર’ ટેક્સી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં એક દેશ ભારતનો પણ સમાવેશ છે.

Uber ગ્રૂપની જ કંપની Uber Elevate આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. યાદ રહે કે આવી ૧૫ જેટલી કંપનીઓ છે જે આવતા પાંચ વર્ષમાં ‘ફ્લાઇંગ કાર’ સર્વિસ શરૂ કરવાના વેંતમાં છે. ભારત, જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા તથા બ્રાઝિલ એમ પાંચ દેશોમાં આ નવતર પ્રયોગ શરૂ થવાના છે. આ અગાઉ અમેરિકામાં ડલાસ તથા લોસ એન્જલસમાં આ પ્રયોગ કરવાનું નક્કી થઈ ગયું છે. ભારતમાં મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા અમુક શહેરો છે. જ્યાં ૧૦ કિલોમીટરના પ્રવાસ માટે પણ કલાકો લાગી જાય છે. આ શહેરોમાં સમયના બચાવ સાથે વધારે કમાણી કરી શકે એવો અથવા તો એવો ‘રિચ ક્લાસ’ રહે છે જે આવી સુવિધા મળે તો ઉપયોગ કરવા ઉત્સુક છે. હાલમાં સ્થાનિક સ્તરે વાટાઘાટો ચાલુ થઇ છે જેમાં લોકલ માર્કેટ સાઇઝ, મિનિમમ બિઝનેસ કમિટમેન્ટ તથા વહીવટી તંત્રના સહયોગ જેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવશે. Audi જેવી કંપનીઓ પણ આ સેક્ટરમાં હવે ભાગીદારી કરી રહી હોવાથી આગામી છ મહિનામાં કાંઈક જાહેરાત થઇ શકે છે.

આ પ્રયોગની કોર્મિશયલ સફળતા પર ઘણો મોટો મદાર રહેલો છે. હાલમાં Bell તથા Terrafugia જેવી વિવિધ કંપનીઓએ આવી ફ્લાઇંગ કાર બનાવવાના પ્રયાસ કર્યા છે. અમુક કંપનીઓ ઇલેક્ટ્રિક કાર બનાવી રહી છે તો અમુક પેટ્રોલવાળી બનાવી રહી છે. એકંદરે એકસાથે ત્રણેક જણાને લઇ જઇ શકે એવી ફ્લાઇંગ ટેક્સી બજારમાં ત્રણથી સાત લાખ ડોલરમાં વેચાતી થશે. આ કાર પ્લેન કે હેલિકોપ્ટર કરતા વધારે સરળ એટલા માટે હશે કે હવામાં પણ ઊડી શકશે અને રોડ પર પણ દોડી શકશે. તેથી લોકોને ઘર સુધીની સેવા આપી શકાશે. આ ઉપરાંત આ કાર હેલિકોપ્ટર કરતા ઓછી ઊંચાઈએ ઓછા અંતર માટે, જરૂર પડે કે તુરત હાજર થાય તેવી સુવિધા સાથે તથા ઓછી સ્પીડે જશે. બાકી હોય તો ઉચ્ચ મધ્યમવર્ગીય માણસ આ કારને પોતાના ઘરમાં પણ પાર્ક કરી શકે છે.

જોકે આ સુવિધા સાથે આ કાર હાલની માત્ર રોડ પર ચાલતી મોટરગાડીઓ કરતા ઓછી એવરેજ આપશે. ખાસ કરીને ૧૦૦થી ૨૦૦ કિલોમીટરના પ્રવાસ માટે આવી કારનો ઉપયોગ વધારે થાય તેવો હાલનો અંદાજ છે. અમેરિકામાં આવા અખતરા માટે ૧૦ મિનિટની મુસાફરીના આશરે ૩૦ ડોલર જેવા ભાવ રાખવામાં આવે તેવી ધારણા છે.  ભારતમાં માર્કેટ તેને કેવા સ્વરૂપે સ્વીકારે છે તેના પર મોટો મદાર રહેલો છે. અમુક કંપનીઓ ત્રણ જણા માટે થ્રી-વ્હિલરના પણ પ્રયોગ કરી રહી છે. સામાન્ય રીતે આવી સેવા ૧૦૦થી ૨૦૦ માઇલ પ્રતિ કલાકની સ્પીડે ચાલુ થાય તો હાલની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે, કારણ કે આવી કાર પાંચેક સેકંડમાં તો ૧૦૦ની સ્પીડ પકડી શકે છે. વળી ગણતરીની પળોમાં ફ્લાઇંગ મોડ પર જઇ શકે છે. ફ્લાઇંગ મોડમાં આવ્યા બાદ તે ૩૦૦થી ૪૦૦ માઇલ જઇ શકે છે.

આ ઉપરાંત ડ્રોન દ્વારા દવા કે ફૂડ પાર્સલ પહોંચાડવાના પણ પ્રયોગો થવાના છે. મતલબ કે આકાશમાં પક્ષીઓની જેમ માણસો અને મશીનો ઊડતા હશે. જેના માટે  કદાચ એર ટ્રાફિકના નવા નિયમો બનાવવા પડશે. જો આ પ્રયોગો સફળ થશે તો લાખો કરોડોના ખર્ચે બની રહેલા મેટ્રો પ્રોજેક્ટ, ફ્લાય ઓવર અને નાના એરપોર્ટનું શું થશે ? ખાસ તો આપણી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં રૂટ કરતા યાર્ડમાં જ વધારે ગીરદી હશે.. ટ્રેનમાં સૂતેલા ખુદાબક્ષોની..!