ભારત માટે ૨૦૫૦માં એકસાથે અનેક પડકાર - Sandesh
NIFTY 10,988.30 -30.60  |  SENSEX 36,497.72 +-43.91  |  USD 68.6150 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Stree
  • ભારત માટે ૨૦૫૦માં એકસાથે અનેક પડકાર

ભારત માટે ૨૦૫૦માં એકસાથે અનેક પડકાર

 | 7:12 am IST

કવર સ્ટોરી । રીના બ્રહ્મભટ્ટ

ક્યાંક વધતી આબાદી તો ક્યાંક સન્નાટો… ક્યાંક ખાવાનો બગાડ.. તો ક્યાંક ભૂખના કારણે મોત… ક્યાંક પૈસાની રેલમછેલ તો ક્યાંક પાઈ-પાઈના મોહતાજ ત્યારે વિચાર આવે છે કે, કુદરતનો આ ખેલ કોઈ રીતે સમજમાં આવતો નથી કે કુદરત કયા માપદંડોથી સુખ-દુઃખ, હરખ-શોક, નીરવતા-ધમાલની વહેંચણી કરે છે? સરકારની વિવિધ યોજનાના કવોટા સમજાય છે, પરંતુ કુદરતનો કોઈ ક્વોટા સમજાતો નથી અને આ જ માનવજાત માટેનો સૌથી મોટો પડકાર. બાકી ભારત કે જેનો ઘણો મોટો વર્ગ ગરીબી રેખા નીચે જીવે છે જ્યાં વસતી ગીચોગીચ છે તો દુનિયાના અમેરિકા અને કેનેડા જેવા વિકસિત દેશો માનવ વસતીના લીધે ખાલીખમ ભાસે છે. જેને લીધે આવા કેટલાય દેશો વિદેશીઓ માટે દરવાજા ખોલી નાખે છે.

જોકે, વસતીવધારા મામલે આજે દુનિયાભરમાં ચીન અને ભારત પહેલા કે બીજા નંબર પર છે, પરંતુ આ અંગે હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રસંઘે તેના તાજા અહેવાલમાં દુનિયાની વધતી જનસંખ્યા સાથે જોડાયેલ કેટલાય ગંભીર પહેલુઓ ઉજાગર કર્યા છે. યુએનના ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સના જણાવ્યા અનુસાર આખી દુનિયાની આબાદી કે જે હાલ ૭૬૦ કરોડ છે તે ૨૦૫૦ આવતા આવતા વધીને ૯૮૦ કરોડે પહોંચી જશે. જેમાં સૌથી મોટો પડકાર ભારત માટે ઊભો થશે. એટલે કે ભારતે વસતી વધારાને લીધે ઊભી થતી સમસ્યાઓ સામે ઝઝૂમવું પડશે.

એની વે, હાલ જનસંખ્યા મામલે ચીન ભારતથી આગળ છે, પરંતુ એનો પ્લસ પોઈન્ટ તે છે કે, તેનું ક્ષેત્રફળ ભારતના ક્ષેત્રફળ કરતાં મોટં  છે એટલે તેને ખાસ વાંધો નથી આવતો. વળી ચીન આમ પણ વિસ્તારવાદી છે તેથી જ્યાં પોચું ભાળે ત્યાં ઘૂસણખોરી કરી તેનો વિસ્તાર ચૂપચાપ વધાર્યા કરે છે. જોકે, અહીં મામલો થોડો અલગ છે. આપણે અહીં વધતી વસતી અને એમાંથી ઊભી થતી સમસ્યાઓ અંગે વાત કરી રહ્યા છીએ. ત્યારે નોંધવું રહ્યું કે, વિસ્તારમાં કદાચ આપણે ચીનને ના પહોંચી શકીએ, પરંતુ વસતી વધારા મામલે આપણે ટૂંક સમયમાં જ ચીનથી આગળ પહોંચી જઈશું. જી, હા, આગામી લગભગ સાત વર્ષમાં જ વસતી વધારા મામલે આપણે ચીનથી આગળ નીકળી જઈશું. ત્યારે ભારતીય ઉપમહાદ્વીપની જેમ જ આફ્રિકામાં પણ આબાદી ખૂબ ઝડપથી વધતી જઈ રહી છે. ૨૬ જેટલા આફ્રિકી દેશોની આબાદી ૨૦૫૦ આવતા આવતા ડબલ થઈ જશે. એટલે કે ખૂબ ઝડપથી આપણે મેન પાવરમાં અવ્વલ આવી જઈશું, પરંતુ એની સામે કેટલાય પડકારો પણ ઊભા થશે.

પરંતુ અહીં આપણે ખાસ ખુશ થવા જેવું નથી. ઊલટાનો આ તો એક પડકાર છે અને આમાં આપણે ખાસ રાજી થવા જેવું નથી. કેમ કે ખાલી ભારતમાં જ નહીં, બલકે આખા વિશ્વમાં ૬૦ વર્ષથી ઉપરના એટલે કે નોકરીથી રિટાયર થયેલા વૃદ્ધોની આબાદી હાલના તબક્કે લગભગ ૯૬.૨ કરોડ છે જે ૨૦૫૦ આવતા આવતા ૨૧૦ કરોડ અને ૨૧૦૦ સુધી ૩૧૦ કરોડ જેટલી થઈ જશે. એટલે કે વૃદ્ધોની દુનિયા બની જશે. જ્યાં કોઈ કોઈને મદદ કરે કે કામમાં એવું બનવાને બદલે એમના હાથ જ લોકો તરફ વધારે પ્રમાણમાં લંબાયેલા રહી શકે.

ત્યારે આ સ્થિતિ કદાચ મનુષ્ય ઈતિહાસમાં પ્રથમ વાર આવશે કે જ્યાં આટલા મોટા પ્રમાણમાં વસતી વિસ્ફોટ થતો હોય અને વળી ભારત કે જ્યાં હાલ ૩૫ વર્ષની આસપાસના યુવાઓની સંખ્યા વધારે છે ત્યાં આગામી સમયમાં સ્થિતિ સમૂળગી બદલાઈ શકે છે. ત્યારે વસતી વૃદ્ધિની સાથે સાથે કેટલાય સવાલો પણ જોડાયેલા છે, કેમ કે વસતી વધે એટલે આ વધતી વસતીને પાણી, ભોજન, વસ્ત્ર, આવાસ જેવી ચીજોની સાથે કેટલીય નાની-મોટી પાયાની સુવિધાઓ પણ પૂરી પાડવી પડે છે. ત્યારે નોલેજ અને આઈટીના આ યુગમાં આ સમસ્યાઓ સુધી જ આપણે સીમિત ના રહી શકીએ.

પરંતુ તમે આગામી સમયની વાત છોડી હાલની જ વાત કરો તો ભૂખમરાની સ્થિતિ આપણે ત્યાં ખૂબ જ બિહામણી છે. દરેક પ્રકારની વસતીને આજે પણ કોઈ ને કોઈ રીતે પાયાની સમસ્યાઓથી વંચિત રહેવું પડતું હોય છે. સમાજના તમામ સ્તરના લોકોને બે ટંક પૂરતું ભોજન આપણી કોઈ પણ સરકાર પૂરું પાડી શકતી નથી. આજે પણ લાખો લોકો તૂટેલા છાપરા નીચે કે રોડ-રસ્તા પર સૂએ છે. પેટનો જઠરાગ્નિ બુઝાવવા ભીખથી લઈ ગુનાખોરી સુદ્ધાં આચરે છે. તેમ છતાં ભૂખમરો એ વિકસિત સમાજની શરમ બનેલ છે ત્યારે વિચારો કે જે સમાજમાં વૃદ્ધોની સંખ્યા વધવાની હોય અને એમાં પણ આ સ્થિતિ હાલના તબક્કે પ્રવર્તી રહી હોય તો તમે બીજી ઉમ્મીદ પણ શું રાખી શકો?? આવી જ સ્થિતિ વસ્ત્રો, મકાનો, લાઈટો, રોડ-રસ્તા મામલે પ્રવર્તે છે.

અને આ સ્થિતિની બીજી બાજુ પણ માનવતાના નામ પર લપડાક સમાન છે, કેમ કે ભૂખ્યાના ટોળાં જ્યાં વલવલતા હોય અને ભૂખના કારણે લોકોના મોત થાય કે પોતાના પતિની દવા કરાવવા તાજું જન્મેલ બાળક વેચવું પડે એ જ દેશના બીજા ચહેરામાં હજારો ટન સડતું અનાજ કે જેનો નિકાલ કરવાની જગ્યા શોધવી પડે. મતલબ જરૂરિયાતમંદ સુધી ના પહોંચે અને ઉકરડે પણ ના નખાય એવી હાલત આપણી સિસ્ટમની જોવા મળે છે તેમજ સરકારની વાત છોડી લોકોની કરો તો લોકો પણ સમારંભો, પાર્ટીઓ કે નાના-મોટા ફંક્શનોમાં જાત-ભાતના મોંઘા વ્યંજનો બનાવી ના વપરાતા તેને કચરાપેટીઓને હવાલે કરે છે. અન્યથા ભૂખ્યા અને જરૂરિયાતમંદ સુધી પહોંચે તો તેનો યોગ્ય ઉપયોગ થાય. અનાજનું અપમાન ના થાય અને કોઈની પેટપૂજાના કામમાં આવે. ત્યારે અહીં પણ પડકાર આયોજન સામે જ છે. તેથી જ કહેવું પડે છે કે, તમામ વિકાસો હાંસલ કર્યા બાદ પણ માનવ સભ્ય સમાજ હજુ સુધી હાંસિલ સુવિધાઓ માટે કોઈ ન્યાયપૂર્ણ વિતરણ પ્રણાલીની કોઈ વ્યવસ્થા નથી કરી શક્યું અને તેથી જ સમાજની ક્ષમતા હોવા છતાં આબાદીના એક મોટા હિસ્સાની અનિવાર્ય જરૂરિયાતો ઢંગથી પૂરી નથી થઈ શકતી. અન્યથા આજે સમાજમાં અમીરી અને ગરીબી વચ્ચે તે હદે અસમાનતા વધી રહી છે કે, તે કોઈ રીતે પૂરી કરી શકાય તેમ નથી, પરંતુ એક એવું આયોજન તો થઈ શકે છે ને કે કોઈની પાસે વોર્ડરોબ ભરીને કપડાં છે તો તે તેની જરૂરત કરતાં વધુના કપડાં જરૂરિયાતમંદ સુધી પહોંચાડે. અનાજ, કપડાં, ઘરેલું સમાન, પુસ્તકો જેવી કેટલીય ચીજો માટે એક ચેન બનાવવાની જરૂર છે. જે ચાહે સરકારી રાહે કે ચાહે ખાનગી રાહે, પરંતુ બનવી જોઈએ.

ખેર, આ ચર્ચા તો આપણે મોજૂદા આબાદીની કરી, પરંતુ ગરીબી સિવાય સમાજમાં હાલ પણ ઉપેક્ષાના પાત્ર બનેલ વૃદ્ધોની હાલત એક અત્યંત નાજુક કેર માગી લે છે, કેમ કે આ વડીલો તેમના જ ઘરોમાં વધારાના સામાન જેવા બનેલા છે અને આ સ્થિતિ કોઈ ગરીબ કે બેહાલ ઘરોની છે તેવું નથી. બલ્કે સમાજના ઊંચામાં ઊંચા ઘરાનાઓમાં પણ બુઝુર્ગો બેહાલ છે. ત્યારે આવનાર સમયમાં જ્યારે વૃદ્ધોની આબાદી વધવાની છે ત્યારે આ મામલે તેમાં આંખ મિંચામણા ના કરી શકો અને આ બાબત સાથે વૃદ્ધો સામે વધતી જતી ગુનાખોરીના આંકડાઓ પણ ચોંકાવનારા તો છે જ… ત્યારે ભારતે હવે એક સાથે અનેક સમસ્યાઓ માટે સાબદાં થવું પડશે. કેવળ વિકાસના નારાઓથી કંઈ નહીં વળે.