India Gave Strong Message To Pakistan In UNHRC
  • Home
  • Featured
  • UNHRCમાં ભારતે પાકિસ્તાનની કરી બોલતી બંધ, દુનિયાને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે…

UNHRCમાં ભારતે પાકિસ્તાનની કરી બોલતી બંધ, દુનિયાને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે…

 | 8:18 pm IST

સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ (UNHRC)માં પાકિસ્તાનાં જૂઠા આરોપોનો ભારતે સણસણતો જવાબ આપ્યો છે. પોતાના જુના વલણનું પુનરાવર્તન કરતા ભારતે કહ્યું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે અને પાકિસ્તાન જૂઠની ફેક્ટરી ચલાવી રહ્યું છે. વિદેશ મંત્રાલયનાં સેક્રેટરી (ઈસ્ટ) વિજય ઠાકુર સિંહે જિનેવામાં યૂએનએચઆરસીમાં જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનનાં જૂઠને ઉઘાડુ કર્યું છે.

એ દેશ આરોપો લગાવે છે જે આતંકવાદીઓનો ગઢ

તેમણે કહ્યું કે, “નરેન્દ્ર મોદી સરકાર ખીણમાં સામાજિક-આર્થિક અને ન્યાયને પ્રોત્સાહન આપવા માટે મક્કમ પગલા ઉઠાવી રહી છે. તાજેતરનાં નિર્ણયોનાં કારણે વિકાસનો સીધો ફાયદો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનાં નાગરિકોને મળશે. આનાથી જાતીય ભેદભાવ ખત્મ થશે, જુવેનાઇલને અધિકાર મળશે અને શિક્ષણ અને માહિતીનાં અધિકાર પણ લાગુ થશે.” તેમણે કહ્યું કે, “પાકિસ્તાન ભારત પર ખોટા આરોપ લગાવી રહ્યું છે. દુનિયા જાણે છે કે જૂઠા આરોપો એવા દેશ પાસેથી આવે છે જે વૈશ્વિક આતંકવાદનો ગઢ છે, જ્યાં આતંકવાદીઓને આશરો મળે છે.”

કોઈ પણ દેશ આંતરિક મુદ્દામાં દખલઅંદાજી નહીં ઇચ્છે, ભારત પણ નહીં

યૂએનએચઆરસીમાં ભારતે સ્પષ્ટ રીતે કહ્યું કે, “જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવી સંપૂર્ણ રીતે ભારતનો આંતરીક મુદ્દો છે, જેના પર સંસદમાં મહોર લગાવવામાં આવી છે. કોઈ પણ દેશ પોતાના આંતરિક મુદ્દામાં દખલઅંદાજી નહી ઇચ્છે, ભારત પણ નહીં.” તેમણે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે, “એક પ્રતિનિધિમંડળે મારા દેશ વિરુદ્ધ જૂઠા અને મનઘડંત આરોપો લગાવીને નિવેદનો આપ્યા. દુનિયા જાણે છે કે આ મનઘડંત વાતો વૈશ્વક આતંકવાદનાં કેન્દ્રથી આવે છે, જ્યાં વર્ષોથી આતંકવાદીઓને શરણ આપવામાં આવે છે.”

તંત્ર લોકોને મૂળભૂત સુવિધાઓ આપી રહ્યું છે

તેમણે કહ્યું કે, “પડકારજનક સ્થિતિમાં પણ તંત્ર ત્યાંનાં લોકોને મૂળભૂત સુવિધાઓ, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા અને કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી રહ્યું છે. મોટાભાગનાં વિસ્તારોમાં પ્રતિબંધો પર ઢીલ આપવામાં આવી છે. રાજ્યમાં સુરક્ષાને લઇને અસ્થાઈ પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.”

આ વિડીયો પણ જુઓ: વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન