ભારત છોડતાં પહેલાં હું નાણામંત્રી જેટલીને મળ્યો હતો : માલ્યા - Sandesh
  • Home
  • Newspaper
  • ભારત છોડતાં પહેલાં હું નાણામંત્રી જેટલીને મળ્યો હતો : માલ્યા

ભારત છોડતાં પહેલાં હું નાણામંત્રી જેટલીને મળ્યો હતો : માલ્યા

 | 2:23 am IST

। લંડન ।

ભારતની ૧૭ જેટલી બેન્કોનું રૂપિયા ૯,૦૦૦ કરોડનું ફુલેકું ફેરવી વિદેશ ફરાર થઈ ગયેલા વિજય માલ્યાએ જણાવ્યું હતું કે, ભારત છોડતાં પહેલાં મેં નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી. હું સેટલમેન્ટ પ્લાન સાથે નાણામંત્રીને મળ્યો હતો, પરંતુ બેન્કોએ મારા સેટલમેન્ટ પ્લાન પર સવાલો ઊભા કર્યા હતા. મેં મારું બાકી લેણું ચૂકવવા બેન્કોને ઘણી વાર પત્રો લખ્યા હતા. હું મારાં બધાં લેણાં નાણાં ચૂકવી દેવા તૈયાર છું. હું ભારતથી વિદેશ રવાના થયો હતો, કારણ કે જિનીવામાં મારી મિટિંગ હતી, તે પહેલાં હું નાણામંત્રીને મળ્યો હતો અને મેં બેન્કો સાથે સેટલમેન્ટના મારા પ્રસ્તાવનો પુનરોચ્ચાર કર્યો હતો, આ સત્ય છે. હું આ મુલાકાતની વિસ્તૃત માહિતી આપી શકું નહીં. અગાઉ વેસ્ટમિન્સ્ટર કોર્ટ ખાતે સુનાવણી પહેલાં વિજય માલ્યાએ જણાવ્યું હતું કે, મેં કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ વ્યાપક સેટલમેન્ટ યોજના રજૂ કરી છે. મને આશા છે કે, આદરણીય ન્યાયાધીશો મારી તરફેણમાં ચુકાદો આપશે. હું મારું દેવું ચૂકવવામાં સક્ષમ છું અને એટલે જ મેં સેટલમેન્ટની ઓફર આપી છે.

દરમિયાન લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે બુધવારે મુંબઈની આર્થર રોડ જેલના વીડિયો જોઈ સમીક્ષા કરી હતી. જોકે માલ્યાના વકીલોએ માગ કરી હતી કે અમે મુંબઈની આર્થર રોડ જેલની મુલાકાત લેવા માગીએ છીએ. વીડિયો જોઈને એમ લાગી રહ્યું છે કે, કોઈએ વીડિયો શૂટ કરતાં પહેલાં ઉતાવળે જેલને ચમકાવી દીધી છે.

કેસની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષના વકીલોએ જણાવ્યું હતું કે, કિંગફિશર બેન્કોને જે માહિતી આપી રહી હતી તેનાથી કંપનીની સ્થિતિ કંઈક અલગ જ હતી. બેન્કો પાસેથી લોન લેવાની અરજી કરતી વખતે કિંગફિશરની કામગીરી અંગેની ખોટી માહિતી રજૂ કરવામાં આવી હતી.

હું રાજકીય ફૂટબોલ અને બલિનો બકરો બની ગયો છું : માલ્યા

માલ્યાએ જણાવવ્યું હતું કે, હું રાજકીય ફૂટબોલ બની ગયો છું. તેની સામે હું નિઃસહાય છું. મારી નીયત ઘણી સાફ છે. મેં કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ મારી રૂપિયા ૧૫,૦૦૦ કરોડની સંપત્તિ મૂકી દીધી છે. મને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. બંને રાજકીય પાર્ટીઓને હું પસંદ નથી. હું ફરિયાદપક્ષના કોઈ આરોપ સાથે સંમત નથી. કિંગફિશર કામ કરતી રહે તે માટે અમે રૂપિયા ૪,૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. મારા પર ગમે તે રીતે આરોપો મુકાઈ રહ્યા છે, હવે કોર્ટને જ નિર્ણય લેવા દો.

૨૦૧૪થી હું વિજય માલ્યાને સત્તાવાર રીતે મળ્યો જ નથી : અરુણ જેટલી

માલ્યાના દાવા બાદ તરત જ નાણામંત્રી અરુણ જેટલીએ ફેસબુક પર પોસ્ટ લખી હતી કે, માલ્યાનું નિવેદન નર્યું જુઠ્ઠાણું છે. મેં ૨૦૧૪થી ક્યારેય માલ્યાને મુલાકાત માટે એપોઇન્ટમેન્ટ આપી જ નથી, તેથી મળવાનો સવાલ જ પેદા થતો નથી. હા, માલ્યા રાજ્યસભાના સાંસદ હતા અને તે વિશેષાધિકારનો દુરુપયોગ કરી મારી ચેમ્બરની બહાર મને મળવા માટે પહોંચી ગયા હતા. તે સમયે હું ચેમ્બરની બહાર નીકળતો હતો. મારી સાથે ચાલતાં ચાલતાં તેમણે મને કહ્યું હતું કે, હું સેટલમેન્ટની ઓફર આપી રહ્યો છું.

ભાજપ નેતૃત્વ માલ્યા સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે : યશવંત

ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહાએ જણાવ્યું હતું કે, ફક્ત અરુણ જેટલી જ નહીં પરંતુ ભાજપની આખી નેતાગીરીએ માલ્યા સાથેના તેમના સંબંધો અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. ભાજપના તમામ નેતાઓએ વિજય માલ્યા સાથેના તેમના સંબંધો કેવા છે તે અંગેની વિગતો જાહેર કરવી જોઈએ.

શું ખીચડી રંધાઈ તે જનતા જાણવા માગે છે : અરવિંદ કેજરીવાલ

કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, માલ્યાનો ખુલાસો અત્યંત ચોંકાવનારો છે. શા માટે નાણામંત્રીએ આ માહિતી અત્યાર સુધી છુપાવીને રાખી હતી? નીરવ મોદી ભાગે તે પહેલાં પીએમ મોદી મળે છે. વિજય માલ્યા નાસે છે તે પહેલાં નાણામંત્રી મળે છે. શુ ખીચડી રંધાઈ તે લોકો જાણવા માગે છે. કેજરીવાલે સુબ્રમણ્યમ સ્વામીની ટ્વિટ રિટ્વિટ કરી હતી. જેમાં સ્વામીએ જણાવ્યું હતું કે, માલ્યા સામે લુકઆઉટ નોટિસ હોવાથી તે એરપોર્ટ પરથી ભાગી શકે નહીં. માલ્યા દિલ્હી આવ્યા હતા અને કોઇને મળ્યા હતા. આ કોઇ શક્તિશાળી હતા જે નોટિસને બદલી શકે. આ લુકઆઉટ નોટિસ બદલી નાખનાર કોણ હતું?

રાહુલે માગ્યું જેટલીનું રાજીનામું

કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને  જણાવ્યું હતું કે લંડનમાં વિજય માલ્યાએ કરેલા ગંભીર આક્ષેપોને પગલે વડા પ્રધાને આ કેસમાં તાકીદે સ્વતંત્ર તપાસના આદેશ આપવા જોઈએ. આ તપાસ ચાલતી હોય તે દરમિયાન જેટલીએ નાણાપ્રધાનપદ છોડી દેવું જોઈએ.