ભારતને મળ્યા વધુ બે ગોલ્ડ મેડલ - Sandesh
  • Home
  • Newspaper
  • ભારતને મળ્યા વધુ બે ગોલ્ડ મેડલ

ભારતને મળ્યા વધુ બે ગોલ્ડ મેડલ

 | 1:54 am IST

। ચાંગવોન ।

ભારતીય યુવા શૂટર હૃદય હઝારિકાએ સાઉથ કોરિયા ખાતે રમાઈ રહેલી આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જુનિયર ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ જીતી લીધો હતો. બીજી તરફ મહિલા ટીમે પણ નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. ફાઇનલમાં ક્વોલિફાય થનારા એક માત્ર ભારતીય ખેલાડી હઝારિકાએ ૬૨૭.૮નો સ્કોર કર્યો હતો. ફાઇનલમાં તેનો અને ઈરાનના મોહમ્મદ આમિરનો સ્કોર ૨૫૦.૧ રહ્યો હતો. હઝારિકાએ શૂટઓફમાં બાજી મારી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો. જુનિયર (પુરુષ) ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં રશિયાના ગ્રિગોરી શામાકોવે બ્રોન્ઝ મેળવ્યો હતો. ભારતીય ટીમની વાત કરીએ તો ૧૯૭૨.૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાને આવી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતના હવે ૬ ગોલ્ડ સાથે કુલ ૧૮ મેડલ થયા છે.

ભારતીય મહિલા ટીમનો ૧૮૮.૭ પોઇન્ટનો સર્વ શ્રેષ્ઠ સ્કોર 

ભારતીય મહિલા ટીમ ૧૦ મીટર એર રાઇફલમાં ૧૮૮.૭ના સ્કોર સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવામાં સફળ રહી હતી. ભારતીય ટીમમાં ઈલાવેનિલ વાલારિવાન (૬૩૧), શ્રેયા અગ્રવાલ (૬૨૮.૫) અને માનિની કૌશિક (૬૨૧.૫) સાથે ટોચના સ્થાને રહી હતી. જુનિયર વર્લ્ડ કપ ગોલ્ડ મેડાલિસ્ટ ઈલાવેનિલે નવો જુનિયર વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

સિનિયર વર્ગમાં ભારતને નિરાશા સાંપડી 

સિનિયર વર્ગમાં ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ભારતને નિરાશા સાંપડી હતી, કારણ કે એકપણ ભારતીય ખેલાડી ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યો નહોતો. એશિયન ગેમ્સનો સિલ્વર મેડાલિસ્ટ સંજીવ રાજપૂત પણ ૫૮મા સ્થાને આવ્યો હતો. સ્વપ્નિલ કુસાલે ૫૫મા જ્યારે અખિલ શેરોન ૪૪મા સ્થાને પહોંચ્યો હતો. ભારતીય ટીમ સંયુક્ત રીતે ૧૧મા સ્થાને રહી હતી.

ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે ૬૨૭.૩નો સ્કોર કર્યો 

હઝારિકા અને ઈરાનના આમિર ફાઇનલ રાઉન્ડ સુધી ૨૫૦.૧ પોઇન્ટ સાથે સમાંતર ચાલતા હતા. ત્યારબાદ બંને વચ્ચે શૂટઓફ થયું જેમાં હઝારિકાને ૧૦.૩ અને આમિરને ૧૦.૨ પોઇન્ટ મળ્યા હતા. આમ હઝારિકા ૦.૧ પોઇન્ટ સાથે શૂટઓફમાં જીતી ગયો અને ચેમ્પિયન બન્યો. ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે તેણે ૬૨૭.૩નો સ્કોર કર્યો હતો.

ભારત પાસે જ રહ્યો એર પિસ્ટલનો ગોલ્ડ 

એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ સૌરભ ચૌધરીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ વર્લ્ડ રેકોર્ડ સાથે જુનિયર ૧૦ મીટર એર પિસ્ટલમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. વ્યક્તિગત સ્પર્ધાઓમાં સિનિયર ખેલાડીઓ નિષ્ફળ ગયા હતા. સૌરભની સાથે અર્જુનસિંહ ચીમ હતો જેણે બ્રોન્ઝ જીત્યો હતો. સૌરભના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ટીમ સિલ્વર મેડલ જીતી શકી હતી.