ભારતે નેપાળમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ભારતે નેપાળમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ?

ભારતે નેપાળમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ?

 | 1:37 am IST
  • Share

ઓવર વ્યૂ

નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ સંસદને વિખેરી નાખવા નિર્ણય લેતાં નેપાળ હાલમાં રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. ઓલીએ લીધેલા નિર્ણયની બંધારણીયતાને પડકારવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટ આ મુદ્દે નિર્ણય આપે તેની પ્રતીક્ષા થઈ રહી છે. ભૂતકાળમાં બન્યું હતું તેમ ઓલીએ આ વખતે ભારત તેમના શાસનને અસ્થિર કરી રહ્યું છે તેવા આક્ષેપ કરવાનું ટાળ્યું છે. વડા પ્રધાન ઓલીએ તેમના જ પક્ષના વરિષ્ઠ સાથીઓ પર રોષ ઠાલવતાં જણાવ્યું છે કે તેઓ તેમને સુચારુપણે શાસન ચલાવવા નથી દઈ રહ્યા. તો તેમના પક્ષના અન્ય વરિષ્ઠ નેતા ઓલી પર નન-ગવર્નન્સ, ભ્રષ્ટાચાર, સત્તાનાં કેન્દ્રીકરણ અને સત્તાની ભાગીદારી સંબંધમાં આપવામાં આવેલાં વચનપાલનના ઉલ્લંઘન જેવા આક્ષેપ કરી રહ્યા છે.

ભારત આ વખતે ખૂબ સાવધાનીપૂર્વક પગલાં લઈ રહ્યું છે. ભારત રાજકીય બિનહસ્તક્ષેપનો ભાવ ઊભો કરીને નેપાળના શાસક પક્ષની આંતરિક બાબતમાં સૂક્ષ્મ રીતે સૂત્રો હાથ પર લઈ ચૂકેલું ચીન પોતે ઊભા કરેલા કાદવમાં પોતે જ ફસાઈ રહેલું નિહાળી રહ્યું છે. ઓલી વિરોધી પરિબળો પોતે ઓલીને ભંડકિયામાં પૂર્યા હોવાનો આનંદ લેવા લાગ્યા. પરંતુ જ્યારે આ પરિબળો નિષ્ફળ થયાં તે જ વખતે ભારતે પોતાનું અસ્તિત્વ જાળવવા સંઘર્ષ કરી રહેલા ઓલીની મદદ માટે હાથ લંબાવ્યો.

સ્વતંત્રતા દિવસ પર્વે ઓલીએ જ્યારે ટેલિફોન પર શુભેચ્છા પાઠવી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો. તે પછી બંને દેશો વચ્ચે શ્રેણીબદ્ધ મહત્ત્વની મુલાકાતો પણ યોજાઈ. ગુપ્તચર એજન્સી રોના વડા, ભારતના સૈન્યના વડા અને વિદેશ સચિવે અનુક્રમે ૨૨ ઓક્ટોબર, ૪ નવેમ્બર તેમ જ ૨૩ નવેમ્બરે નેપાળની મુલાકાત લીધી હતી. ઓલીના પક્ષમાં આંતરકલહ ચાલી રહ્યો હતો તે સમયગાળામાં જ આ મુલાકાતો યોજાઈ હતી.

બંને દેશોના ઊર્જા અને વેપાર મંત્રાલયના અધિકારીઓ એકબીજાને મળ્યા, સરહદી મડાગાંઠ મુદ્દે વાટાઘાટો પણ યોજાવાની છે અને આગામી સપ્તાહે બંને દેશોના સંયુક્ત પંચની બેઠકમાં ભાગ લેવા નેપાળના વિદેશ પ્રધાન પણ ભારતની મુલાકાત લેવાના છે. આ હિલચાલ થકી ભારતે પોતાના તાત્કાલિક લક્ષ્યાંકો હાંસલ કરી લીધા છે. ઓલી પણ પક્ષમાં ભંગાળ પડે તો પણ સત્તા પર ચાલુ રહેવા મન મક્કમ બનાવી ચૂક્યા છે. આ તમામ પ્રક્રિયામાં ઓલીનું તકવાદી વલણ અને ભારતના રાષ્ટ્રવાદના વિરોધીપણાનું છીછરાપણું ખુલ્લું પડી ગયું. શાસક નેપાળ સામ્યવાદી પાર્ટી (એનસીપી)ની એકતા અને વર્ચસ્વ હચમચી ગયું અને તે પક્ષનું વાલી બની બેઠેલું ચીન મૂંઝવણમાં મુકાઈ ગયું. આ ઘટનાક્રમ વચ્ચે ભારતે નેપાળમાં રાજકીય પરિબળો ફરી સક્રિય બને તે હેતુસર નેપાળમાંથી દૂર થયેલી રાજાશાહી જેવા હિંદુત્વ પરિબળોને પણ બેઠા કરવા પ્રયાસ આદર્યા છે. આ સંદર્ભમાં ભારતે હવે નવેસરથી ચૂંટણીની ખુલ્લેઆમ તરફદારી કરી દીધી છે. ભારતે કરેલી આ તમામ પહેલ તેને નેપાળના બિનલોકશાહી, બિનબંધારણીય અને તકવાદી પરિબળોની પડખે મૂકી દે છે.

નેપાળમાં ચૂંટણી યોજાય કે ના યોજાય, સંસદની પુનઃ સ્થાપના થાય કે ના થાય, પરંતુ ભારત માટે સમજદારીભર્યું પગલું એ જ બની રહેશે કે નેપાળને તેની જાતે જ તેના આંતરિક વિખવાદમાંથી બહાર આવવા દે. કારણ કે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા દરમિયાન ભારતને કોઈ દ્વિપક્ષીય લાભ થાય તેવી તો કોઈ સંભાવના નથી જ. તેવામાં ભારતે નેપાળમાં લોકસંચાલિત રાજકારણને બળ આપીને પોતાની છબિને બહેતર કરવી જોઈએ. ભારતે વાટાઘાટોની એક સરહદ નક્કી કરીને ૧૯૫૦ની સંધિ, કાલાપાની સરહદી વિવાદ, વેપાર અને રોકાણકીય બાબતો જેવા મુદ્દા હાથ પર લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરવાની જરૂર છે. વાટાઘાટો હાથ ધરતી વખતે તે વાતે પણ તકેદારી રાખવાની જરૂર છે કે નેપાળ પણ વાટાઘાટોની સરહદો ના ઓળંગે.

ભારતે ૧૯૫૦ની સંધિમાં સુધારા- સમીક્ષાની માગણી કરી હતી અને ભારત તે દરખાસ્તનો સ્વીકાર પણ કરી ચૂક્યું છે. પરંતુ આ મુદ્દે હજી કોઈ પ્રગતિ નથી સાધી શકાઈ, કારણ કે ભારતની સુરક્ષા સંબંધી ચિંતા અને નેપાળની વિકાસ સાધવાની ઇચ્છા વચ્ચે સંતુલન કઈ રીતે સ્થાપવું તે અંગે નેપાળે હજી કોઈ સ્પષ્ટતા કરી નથી. આ સંતુલન સાધ્યા વિના નવી કોઈ સંધિ કરવી મુશ્કેલ છે, અને નેપાળ જૂની સંધિનો ભાર ઉઠાવવા તૈયાર નથી. નેપાળમાં ભારતની છબિને પ્રભાવિત કરે તેવો બીજો મુદ્દો કાલાપાની બોર્ડરનો છે. નેપાળ આ મુદ્દે નવો નકશો તૈયાર કરીને એકપક્ષી રીતે ચરમવાદી નિર્ણયો લઈ ચૂક્યું છે, પરંતુ ભારતે સ્પષ્ટપણે પોતાના વલણની જાહેરાત કરી નથી.

નેપાળ પ્રતિના અભિગમને નવો ઓપ આપતી વખતે ભારતે ચીન પ્રતિની ભયની લાગણીથી પણ મુક્ત થવું પડશે. ચીન નેપાળના રાજકારણ પર પકડ ધરાવવા લાગ્યું છે અને નેપાળમાં આર્થિક રૂપે પણ ફેલાઈ ચૂક્યું છે, પરંતુ ચીને નેપાળને આપેલા વચનો મહદંશે રાજકીય કારણોસરના છે. તે વચનોમાં ચીની બંદરગાહ અને રેલવે માર્ગે નેપાલી માલની હેરફેર જેવા વચનોનો સમાવેશ થાય છે. ચીનને નેપાળના આંતરિક રાજકારણના દળદળમાં જાતે જ ફસાવા દો, તો જ ભારતને જોઈએ છે તેવું વ્યૂહાત્મક સ્થાન મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન