ભારતઃ એક કોયડો! - Sandesh

ભારતઃ એક કોયડો!

 | 12:08 am IST

દૂધનું દૂધ, પાણીનું પાણી : રમેશ ઓઝા

ભારતની પ્રજા કેટલી સંગઠિત છે અને કેટલી વિઘટિત છે એ અંગ્રેજોને સમજાતું નહોતું અને હજુ આજે આપણને પણ સમજાતું નથી. ૧૭૫૭ની પ્લાસીની લડાઈ જીત્યા પછી અંગ્રેજોએ ધીરેધીરે એક પછી એક રાજ્યોને ખાલસા કરવા માંડયા હતાં અને કાં લડીને જીતી લીધાં હતાં. છેલ્લી લડાઈ ૧૮૧૮માં પૂના નજીક ભીમા કોરેગાંવમાં થઈ હતી જેમાં પેશ્વાઓનો પરાજય થયો હતો. એ પછી જેટલાં રજવાડાં બાકી રહ્યાં તેમની પાસેથી લશ્કર છીનવી લઈને તેમનાં કાંડાં કાપી નાખ્યાં હતાં. આ સ્થિતિમાં અંગ્રેજોને ખાતરી હતી કે હવે જોખમ રાજવીઓ તરફ્થી નથી, પરંતુ પ્રજા તરફ્થી છે. રાજાઓ તો આશ્રિત છે, પણ પ્રજાને ખિસ્સામાં રાખીને ફ્રી શકાય નહીં. થોડાક હજાર અંગ્રેજો કાયમ માટે ભારતના વતની થયા વિના કરોડો ભારતીયો પર કેટલો સમય રાજ કરી શકે? અને આ તો કેવળ રાજકીય શાસન પણ નહોતું, સાંસ્થાનિક આર્થિક શોષણ પણ હતું. આમ અસંતોષ પેદા થવાની પૂરી શક્યતા હતી. ઇસુને સાક્ષી રાખીને રાજધર્મ પાળવો નહોતો અને ઉપરથી ગરીબ પ્રજાનું શોષણ કરવું હતું. એટલે અસંતોષ પેદા થશે જ તેવું તેમને ઊંડે ઊંડે લાગતું હતું.

સવાલ એ હતો કે અસંતોષ પેદા કરવામાં પહેલ કોણ કરશે? હિંદુઓ? પણ હિંદુઓ તો નાત-જાતના નામે આપસમાં વહેંચાયેલા છે. તેઓ એક ગોળે પાણી પીતા નથી. એક પંગતમાં જમતા નથી. કેટલાંક લોકોને ગામમાં પણ પ્રવેશવા દેતા નથી. એવા લોકો શું જોખમ પેદા કરી શકે? ભારતમાં તેમની ૭૫ ટકા જેટલી વસતી હોવા છતાં પણ પરચુરણ જેવા છે. ભેગા થાય તો રૂપિયો બને, પણ આ તો દોથો એક પરચુરણ છે… તો પછી મુસલમાન? શક્યતા ખરી; પણ અમુક પ્રદેશો છોડીને તેઓ લઘુમતીમાં છે, થોડા જાગીરદારો અને વેપારીઓને છોડીને આર્થિક રીતે ખૂબ નિર્બળ છે અને હિંદુઓ સાથે તેઓ એક ગોળે પાણી પણ પીતા નથી. રેલવે સ્ટેશનો પર મુસલમાનો માટે પાણીનાં માટલાં અલગ રખાય છે. બીજું મુસલમાનોની પણ બહુમતી પ્રજા ગ્રામીણ છે, અભણ છે અને શહેરી ભદ્ર મુસલમાનો તેમને પોતાની નજીક આવવા દેતા નથી. તેઓ તેમને જાહિલ સમજે છે. શહેરી અશરફી મુસલમાનો ગુમાવેલા વૈભવને વાગોળ્યા કરે છે અને અસંતુષ્ટ છે; પરંતુ તેઓ રાજ માટે જોખમ પેદા કરી શકે એમ લાગતું નથી.

હા, વૈશ્વિક ઇસ્લામિક બંધુભાવ (પેન ઇસ્લામિઝમ)નો અંગ્રેજોને ડર લાગતો હતો એટલે મુસલમાનો પર ચાંપતી નજર રાખવામાં આવતી હતી.

આમ અંગ્રેજ રાજ માટે અનુકૂળતા તો નજરે પડી રહી હતી; પરંતુ એ અનુકૂળતાઓ છેતરામણી નીવડી શકે તેમ હતી. કારણ ઉપર કહ્યું એમ રાજકીય ગુલામી અને ઉપરથી આર્થિક શોષણ. આ રીતે અંગ્રેજોને ક્યારેક સપાટી પર વિભાજનો અને સપાટીની નીચે એકતા નજરે પડતી હતી તો ક્યારેક સપાટી પર એકતા અને સપાટીની નીચે વિભાજનો નજરે પડતાં હતાં. આમાંનું કયું સ્વરૂપ સાચું? હિંદુઓ આપસમાં અને હિંદુઓ અને મુસલમાનો પરસ્પર ઉપરની એકતા ધરાવે છે કે સપાટીની અંદર એકતા ધરાવે છે? તેમને આ પ્રશ્નનો જવાબ જડતો નહોતો.

કંપની સરકારના અંગ્રેજ અમલદારો પરસ્પર વિરોધી અભિપ્રાય ધરાવતા હતા. કોઈકને લાગતું હતું કે ભારતીયો ભલે અલગ દેખાતા હોય, પણ અંદરની એકતા મજબૂત છે. તેમની અંદર માત્ર રોટી-બેટી વહેવાર નથી, બાકી તેઓ જીવન વહેવારમાં પરસ્પરાવલંબી છે. જેમની જીવનનિર્વાહ અને ઉત્પાદનની પ્રક્રિયા સહિયારી હોય ત્યાં ઉપર ઉપરના સામાજિક રીતિ-રિવાજ અને તેમાં નજરે પડતા ભેદ ગૌણ છે. તેમનું સામાજિક-આર્થિક જાજમનું પોત એટલું મજબૂત છે કે તેમાં નજરે પડતી તિરાડો છેતરામણી નીવડી શકે છે. તેઓ દિવાળી સાથે ઉજવે છે, મોહરમ સાથે ઉજવે છે, અમુક ભગવાન અને પીરની બંને કોમ આરાધના કરે છે, એકબીજાને ત્યાં સારા-નરસા પ્રસંગે હાજર રહે છે, વગેરે સામાન્ય વાત છે. સામાજિક-આર્થિક વ્યવહારમાં એક પ્રકારનું પોતીકું સેક્યુલરિઝમ તેમણે વિકસાવ્યું છે.

બીજી બાજુ કેટલાક અમલદારો એવો પણ અભિપ્રાય ધરાવતા હતા કે રોટલા માટેનું પરસ્પરાવલંબન રોટલા પૂરતું જ છે, બાકી મનમાં નફ્રતનો ભાવ જ સર્વોપરી છે. અને દિલમાં તો કોઈ કોઈના માટે સ્થાન જ ધરાવતું નથી. જરાક ચામડી ખરોચી જુઓ તેમનો સાચો ચહેરો અને નફ્રત બહાર પ્રગટશે. આ પ્રજા કોઈપણ પ્રકારની સાચી એકતા ધરાવતી નથી.

અંગ્રેજ અમલદારોના આવા પરસ્પર વિરોધી અભિપ્રાયોનાં પ્રમાણો મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. પણ અસમંજસની આ અવસ્થામાં એક નીતિ તેમણે અપનાવી હતી; સાવધાન રહેવાની અને બને ત્યાં સુધી પ્રજાકીય તિરાડોને પેદા કરવાની અને જે હોય એને વધુ પહોળી કરવાની.

કંપનીના હાકેમો દુષ્ટ હતા એમ આપણે જરૂર કહી શકીએ, પણ બેવકૂફ હતા એમ કહી શકાય ખરું? તેમની જગ્યાએ બીજી કોઈ પ્રજા હોય તો શું કરે? આપણે હોઈએ તો શું કરીએ? તમે હો તો શું કરો? આચાર્ય ચાણક્યની ચાણક્યનીતિમાં ભણાવવામાં આવેલી મુત્સદીના જેમણે ઘૂંટડા પીધાં હોય એવા લોકો શું કરે? દેખીતી રીતે એ લોકો એ જ નીતિ અપનાવે જે અંગ્રેજોએ અપનાવી હતી. સંપ કે કુસંપની બંને સ્થિતિ માટે તૈયાર રહો, કુસંપ વધે એવા પ્રયાસ કરો. અંગ્રેજોએ આવા પ્રયાસ કર્યા હતા. દુશ્મની વધારનારો ઈતિહાસ લખ્યો હતો અને લાભોના ટુકડાં ફ્કીને બંને કોમને આપસમાં હરિફઈ કરતી અને ઝઘડતી કરી હતી. બંને કોમની સહિયારી ભાષા (હિન્દુસ્તાની) વચ્ચે પણ વિભાજન કરાવ્યું હતું અને બંને કોમને એક એક પોતાની પૃથક ભાષા (હિંદુઓને હિન્દી અને મુસલમાનોને ઉર્દૂ) આપી હતી. દલિતોની અંદર સવર્ણ હિંદુઓ માટે ધિક્કારની ભાવના પેદા કરી હતી અને અંગ્રેજો તેમના તારણહાર છે અને તેમના હોવામાં જ તેમનું હિત છે એવી ખાતરી કરાવી હતી.

આ તો શાસકનો અને શોષકનો ખેલ થયો. આગળ કહ્યું એમ તેઓ દુષ્ટ હતા, પણ ચતુર હતા. તેમને તેમનો સ્વાર્થ સમજાતો હતો અને બને ત્યાં સુધી સ્વાર્થને લાંબી મજલ મળે એ માટે પ્રયત્ન કરતા હતા. તેઓ તેમની જગ્યાએ એ જ કરતા હતા જે એક શાસક અને શોષક તરીકે કરવું જોઈતું હતું. સવાલ એ છે કે એક ગુલામ અને શોષિત તરીકે આપણે શું કરવું જોઈતું હતું અને આપણે શું કર્યું? આ લાખ રૂપિયાનો સવાલ છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓએ અને હાકેમોએ ભારતના સામાજિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે જેથી જોખમ ઊભું ન થાય અને થાય તો નિવારી શકાય. જેમકે ૧૮૫૭માં સિપાઈઓએ બળવો કર્યો એ પછી અંગ્રેજો સાવધાન થઈ ગયા હતા અને ભારતીય પ્રજાને વાચા મળે એ સારું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. અંગ્રેજોએ સામેથી ભારતીય પ્રજાને પ્લેટફેર્મ પૂરું પાડયું હતું જ્યાં અસંતોષને વાચા મળે. પણ આપણે અંગ્રેજોની દુષ્ટ નીતિથી બચવા શું કર્યું? તમે હો તો શું કરો?

અહીં એક નજર ૧૭૫૭ પછીના ભારતના ઈતિહાસ પર કરવાની જરૂર છે. એક શુદ્ધ ભારતીય બનીને. તમારી અંદર બેઠેલા હિન્દુને, મુસલમાનને, સવર્ણને, દલિતને, આર્યને કે દ્રવિડને એક વખત બાજુએ રાખીને ૧૭૫૭થી ૧૯૪૭ સુધીના ઈતિહાસ પર નજર નાખવાની જરૂર છે. આટલા પ્રશ્નો તપાસી જુઓઃ

૧. શું આપણી વીતેલી પેઢીના વડીલોએ અંગ્રેજોની દુષ્ટ નીતિને પરાસ્ત કરવા ભારતીય સમાજમાં જે જોડનારાં તત્ત્વો હતાં એને વધુ બળકટ કરવાનો પ્રયાસ કર્યો હતો કે પછી ઊંઘતા રહ્યા હતા? એવા કોઈ ભારતીય નેતાઓ કે વિચારકો હતા જેમણે અંગ્રેજોની રમત ઉઘાડી પાડી હોય અને ભારતીય પ્રજાને ચેતવણી આપી હોય?

૨. એવું તો ક્યાંક નથી કે ભારતીય પ્રજાઓને પરસ્પર દૂર કરવાની અંગ્રેજોની નીતિ ભાવવા લાગી હતી? ગોરાઓ આપણી પીઠ થાબડે, આપણને ચડિયાતા ગણે, બીજાઓથી સાવધાન રહેવાની આપણા હિતમાં સલાહ આપે, આપણને બીજા દ્વારા શોષિત ગણાવીને હૂંફ આપે એ ગમવા લાગ્યું હતું? હૂંફ અને થપથપી એટલી ગમવા લાગી કે તેમાં દેશનું હિત ભુલાઈ ગયું?

૩. એવું તો નથી કે અંગ્રેજોએ લખેલો ઈતિહાસ આપણને સાચો લાગવા માંડયો? દલિતોને રાજી કરવા હિંદુ સવર્ણોની નિંદા કરવી પણ એ જ સાથે મુસલમાનની નિંદા કરીને સવર્ણની અંદર બેઠેલા હિંદુને રાજી કરવો. મુસલમાનને પાછો હિંદુઓની નિંદા કરીને રાજી કરવો. અંગ્રેજલિખિત ઇતિહાસમાં દરેક મહાન, દરેક ગુનેગાર અને દરેક શિકાર. થ્રી ઇન વન. આપણે મહાન અને આપણે શિકાર એ બે વાત એટલી ગમવા લાગી કે આપણે ગુનેગાર પણ એ છીએ એ આરોપ આપણને સ્પર્શતો જ નહોતો. આને કારણે નહોતો ગુસ્સો આવતો કે નહોતી આત્મપરીક્ષણ કરવાની જરૂર લાગતી. આવું હતું?

૪. ૧૮મી અને ૧૯મી સદીના હિંદુઓના, મુસલમાનોના અને દલિતોના રાજકારણને તપાસવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેઓ આપસમાં લડતા હતા કે મળીને અંગ્રેજો સામે લડવાનો કોઈ પ્રયાસ કરતા હતા?

૫. ૧૮મી અને ૧૯મી સદીના સામાજિક વિમર્શને તપાસી જુઓ; એમાં સમગ્ર ભારતીયતા હતી કે સમાજવિશેષની પૃથકતા હતી?

આવતા અઠવાડિયે આગળ વધીએ તે પહેલાં, વિચારી જુઓ, ખોળી જુઓ અને કોઈ જાણકાર મિત્ર કે વડીલ હોય તો તેને પૂછી જુઓ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન