ભારતના અન્ય પ્રાદેશિક પક્ષોમાં પણ કટોકટી ચાલી રહી છે - Sandesh
  • Home
  • Columnist
  • ભારતના અન્ય પ્રાદેશિક પક્ષોમાં પણ કટોકટી ચાલી રહી છે

ભારતના અન્ય પ્રાદેશિક પક્ષોમાં પણ કટોકટી ચાલી રહી છે

 | 2:56 am IST

ઓવર વ્યૂ

રાજકારણમાં એક સપ્તાહ જો લાંબો સમય કહેવાતું હોય તો ૩૦ વર્ષ તો અનંતકાળ જ કહી શકાય, પરંતુ ૧૯૮૯માં ભારતીય રાજકારણે નિર્ણાયક વળાંક લીધો. કેન્દ્ર ખાતે કોંગ્રેસની દાદાગીરીનો અંત તો આવ્યો, પરંતુ તેનું સ્થાન કોઈ બીજા રાષ્ટ્રીય પક્ષે નહીં પણ નાના પક્ષોના મોરચાએ લીધું અને પ્રાદેશિક પક્ષો કેન્દ્રમાં મહત્ત્વની ભૂમિકા અદા કરવા લાગ્યા. રાજ્યોમાં હાંસિયામાં સરકી ગયેલી જાતિઓના બળે પ્રાદેશિક પક્ષોનો ઉદય થયો. ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯,૨૦૦૯ની સામાન્ય ચૂંટણીઓમાં પણ આ વલણ જ જોવા મળ્યું. પ્રાદેશિક પક્ષોના સમર્થન વિના કેન્દ્રમાં સરકાર રચના જ મુશ્કેલ બની રહી.

વિવિધ પક્ષોની સંયુક્ત સરકારોનો દોર હવે નહીં જાય તેવો માહોલ સર્જાયો. કોંગ્રેસ હોય કે ભાજપ પરંતુ તેઓ દેશભરના નાના પક્ષોને અનુકૂળ થાય તો જ સરકાર રચી શકે તેવી સ્થિતિ આવી.

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીઓ વળી આ સ્થિતિ બદલી નાખી. ભાજપનો પૂર્ણ બહુમતી સાથે વિજય થયો, પરંતુ આ ઘટનાને જવલ્લે જ બનતી ઘટનાની જેમ મૂલવવામાં આવી.  નિરીક્ષકોએ ધારણા વ્યક્ત કરી કે ભારત પાછું પોતાના સામાન્ય રાજકારણ તરફ આગળ વધશે. પરંતુ વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વળી પહેલાં કરતાં મોટી બહુમતી સાથે સત્તામાં પાછા ફર્યા. તેથી પ્રશ્ન થાય જ કે  પ્રાદેશિક પક્ષો રાબેતા મુજબ ફરી કેન્દ્રસ્થાને આવશે? કે પછી કેન્દ્ર ખાતે પ્રાદેશિક પક્ષો મોટું પરિબળ બની રહેવાનો યુગ ઓસરી ગયો?

૨૩મેના રોજ ચૂંટણી પરિણામ આવ્યાં પછી કોંગ્રેસમાં ઊભી થયેલી કટોકટી તરફ સારું એવું ધ્યાન આપવામાં આવ્યું છે, પરંતુ બાકીના વિરોધપક્ષ તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. આવેલાં પરિણામ અને તે પછી બની રહેલો ઘટનાક્રમ એમ બંને દર્શાવે છે કે પ્રાદેશિક પક્ષો અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે.

દક્ષિણ ભારતની જ વાત કરો. આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ્ પાર્ટી તૂટી રહી છે. હજી છ મહિના પહેલાં એન.ચંદ્રાબાબુ નાયડુ એવું માનતા હતા કે તેઓ જ હવે પછીના વડા પ્રધાન નક્કી કરી શકશે. ભાજપને બાદ કરતાં બાકીના રાજકીય પક્ષોને નજીક લાવવા તેમણે સક્રિય ભૂમિકા પણ અદા કરી હતી. આજે સ્થિતિ એ છે કે પોતાના પક્ષને ટકાવી રાખવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટીડીપીના ચાર રાજ્યસભા સભ્યો ભાજપમાં જોડાઈ ગયા અને રાજ્યના નેતાઓ સતત ભાજપમાં ભળી રહ્યા છે. લોકસભામાં ૨૫ સાંસદો મોકલતા રહેતા આંધ્રને ભાજપે આવતી ચૂંટણી માટે નિશાન પર લીધું છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો આંધ્રમાં ભાજપ મહત્ત્વના ખેલાડીના રૂપમાં ઊભરી શકે છે અને પછી મુકાબલો ત્રિપાંખિયો પણ થઈ શકે. કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) સરકારમાં છે, પરંતુ પક્ષના નેતા એચ.ડી.દેવગૌડાના પરાજય, રાજ્યમાં કોંગ્રેસ સાથેના ગઠબંધનના બિનટકાઉપણાને કારણે તેમજ રાજ્યમાં ભાજપે જે રીતે હાજરી પુરાવી છે તે બાબત જેડી(એસ) માટે ચેતવણીરૂપ ઘંટડી જેવી છે.

પૂર્વ ભારતની વાત કરીએ તો બીજુ જનતા દળે ઓડિશાનો ગઢ હજી સાચવી રાખ્યો છે અને નવીન પટનાયક સતત પાંચમી વાર મુખ્યપ્રધાન બન્યા છે, પરંતુ રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે જરા જુદી રીતે મતદાન થયું છે અને ભાજપે આઠ બેઠકો મેળવી છે. ભાજપને હવે માત્ર સમયની પ્રતીક્ષા છે. ભાજપ સમજી ચૂક્યું છે કે પટનાયક પછી બીજેડીમાં દ્વિતીય હરોળની નેતાગીરીનો અભાવ હોવાથી પક્ષ નબળો પડશે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પ્રભુત્વ ધરાવે છે, પરંતુ ભાજપને રાજ્યમાં મોટો ફાયદો થયો હોવાથી મુખ્ય વિરોધપક્ષના રૂપમાં ઊભરી ચૂક્યો છે. વર્ષ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પડકારરૂપ સાબિત થવાનો હોવાથી મમતા બેનરજી આરામ કરી શકે તેવી કોઈ સ્થિતિ નથી.

પશ્ચિમ ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને મોટો ફટકો પડયો છે. પહેલી જ વાર બન્યું છે કે શરદ પવાર પરિવારના સભ્ય ચૂંટણી હાર્યા છે. રાજ્ય સરકારે મરાઠાને અનામતનો લાભ આપવા લીધેલા નિર્ણયને હવે મુંબઈ હાઇકોર્ટે પણ યોગ્ય ગણ્યો છે. મરાઠા તે એનસીપીનો બેઝ છે, પરંતુ હવે આવનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન આ સમૂહ પણ ભાજપ તરફ વળે તેવી શક્યતા છે, પરંતુ ખરાખરીની સ્થિતિ તો ઉત્તર ભારતમાં સર્જાઈ છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ પક્ષ એકપણ બેઠક ના જીતી શક્યો તે તો ઠીક, પરંતુ હવે રાજ્યમાં તેની સુસંગતતા સામે જ સવાલ ઊભા થઈ રહ્યા છે. પક્ષના સર્વોચ્ચ નેતા લાલુપ્રસાદ યાદવ જેલમાં છે અને તેમની તબિયત પણ સારી નથી. તેમનો પુત્ર તેજસ્વી જવાબદારીનો બોજ ઉઠાવવા સક્ષમ ના હોવાનું જણાય છે અને ચૂંટણીએ તેની વિશ્વસનીયતાનું મોટેપાયે ધોવાણ કરી નાખ્યું છે. પક્ષની પોતાની પરંપરાગત યાદવ વોટબેન્ક પૈકી કેટલોક વર્ગ ભાજપ તરફ વળી ચૂક્યો છે. બિહારમાં ભાજપના સાથીપક્ષ જનતા દળ (યુનાઇટેડ)એ લોકસભાની ૧૬ બેઠકો પર વિજય તો મેળવ્યો છે, પરંતુ તે બેઠકો મોદીના મોજા પર સવારી કરીને મેળવેલી છે. સ્વબળની વાત કરીએ તે મુખ્યપ્રધાન નીતીશકુમાર તે રાજ્યમાં પ્રવર્તી રહેલા ત્રણ બળો પૈકી સૌથી નબળું બળ બની ચૂક્યા છે, અને આ બધામાં ઉત્તર પ્રદેશની કટોકટી સૌથી મોટી વાત કરી જાય છે. સપા-બસપા ગઠબંધનનો અંત આવી ચૂક્યો છે. વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૭માં બંને પક્ષોએ અલગ રહીને ચૂંટણી લડી હતી, પણ હાર્યા હતા. આ વખતે વર્ષ ૨૦૧૯ની ચૂંટણી હાથ મિલાવીને લડયા તો પણ હાર્યા. તેમની પોતાની મત ભાગીદારી પણ નીચી ગઈ છે. સામ્યવાદી પક્ષોની હવે કોઈ નક્કર મતબેન્ક નથી. આવી સ્થિતિમાં વર્ષ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જો ફરી ચૂંટાઈ આવશે તો સપા અને બસપા એમ બંનેને સત્તામાં પાછા ફરવા લાંબો સંઘર્ષ કરવો પડશે.

એ વાત સાચી કે હજી પણ કેટલાક શક્તિશાળી પ્રાદેશિક પક્ષો છે તો ખરા જ. તેલંગણા રાષ્ટ્ર સમિતિ, દ્રમુક, અન્નાદ્રમુક, વાયએસઆર કોંગ્રેસ પાર્ટી અને બીજેડી અને તૃણમૂલનો પણ તેમાં જ સમાવેશ થઈ શકે. આ પક્ષો પોતાના રાજ્યોમાં શક્તિશાળી છે કે પછી વર્ચસ્વ ધરાવે છે. ઉત્તર ભારતમાં પણ જૂના જાતિ આધારિત પક્ષો પણ કાંઈ અચાનક અદૃશ્ય નહીં જ થાય. ચૂંટણીને તેઓ સંગીન રીતે પ્રભાવિત પણ કરી શકશે. અર્થાત પ્રાદેશિક પક્ષોનો અંત આવ્યો તેવું નથી જ.

પરંતુ એવું લાગે છે કે ભારતના રાજકારણમાં ધડમૂળની ફેરફાર થઈ રહ્યા છે. ૧૯૮૯ પછી જે સામાન્ય લાગતું હતું તેનો આજે રકાસ થયો છે. ભારતે આઝાદી મેળવી તે પછીના સમયગાળામાં જેમ કોંગ્રેસનો દબદબો રહ્યો અને બાકીના પક્ષો હાંસિયામાં રહ્યા તે રીતે જ ભાજપ સિસ્ટમનો ઉદય થતાં પ્રાદેશિક પક્ષો હાંસિયામાં ફંગોળાઈ ચૂક્યા છે. આ પ્રાદેશિક પક્ષો હવે પોતાના જૂના સમીકરણોમાંથી બહાર આવીને પોતાના સામાજિક સંબંધોનો વિસ્તાર નહીં કરે કે ગવર્નન્સ રેકર્ડ સુધારશે નહીં, સંગઠનને સુદૃઢ નહીં બનાવે કે તેમના પ્રાદેશિક પરિદૃશ્ય કે રાષ્ટ્રીય તસવીરમાં ફેરફાર નહીં લાવે તો તેમનું ભાવિ તેમના ભૂતકાળ જેટલું જ તેજસ્વી નહીં રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન