ભારત અમારા સંયમને નબળાઈ ન ગણે : પાક. વિદેશમંત્રીની શેખી - Sandesh
  • Home
  • India
  • ભારત અમારા સંયમને નબળાઈ ન ગણે : પાક. વિદેશમંત્રીની શેખી

ભારત અમારા સંયમને નબળાઈ ન ગણે : પાક. વિદેશમંત્રીની શેખી

 | 2:40 am IST

। નવી દિલ્હી ।

કાશ્મીર મુદ્દે સમગ્ર વિશ્વમાં એકલા અટુલા પડી ગયેલા પાકિસ્તાને હવે સંયુક્ત રાષ્ટ્ર સામે કાલાવાલા કરવાના શરૂ કરી દીધા છે. રાજદ્વારી પછડાટો છતાં પાકિસ્તાનની શેખીમાં તો કોઈ પ્રકારનો ઘટાડો થઈ જ રહ્યો નથી. હવે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવવા અને રાજ્યના બે ભાગ કરવાના ભારત સરકારના નિર્ણય પર તાકીદની બેઠક બોલાવવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવા માગ કરી છે. પાકિસ્તાનના વિદેશમંત્રી મહેમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે, અમારો દેશ યુદ્ધ ભડકાવશે નહીં પરંતુ ભારતે પાકિસ્તાનના સંયમને નબળાઈ માનવી જોઈએ નહીં.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને લખેલા પત્રમાં કુરેશીએ જણાવ્યું હતું કે, જો ભારત બળપ્રયોગ કરવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાનને પોતાના સ્વબચાવમાં તમામ ક્ષમતા સાથે તેનો જવાબ આપવાની ફરજ પડશે. ભયજનક પરિણામોના સંદર્ભમાં પાકિસ્તાને તાકીદે બેઠક બોલાવવાની માગ કરી છે.

શુક્રવારે પાકિસ્તાનના વિદેશમંત્રી કુરેશીની ચીન મુલાકાત પછી પાકિસ્તાને જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સુરક્ષા પરિષદમાં જશે તો તેને સંપૂર્ણ સહકાર આપવાની ચીને ખાતરી આપી છે. જોકે ચીને પાકિસ્તાનને જણાવ્યું હતું કે, ચીન ભારત અને પાકિસ્તાનને મિત્ર પાડોશીઓ ગણે છે અને ઇચ્છે છે કે સિમલા કરાર અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોના આધારે કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવામાં આવે.

જોકે હજુ એ સ્પષ્ટ થયું નથી કે, ૧૫ સભ્યોની સુરક્ષા પરિષદ પાકિસ્તાનની માગનો કેવો જવાબ આપશે. સુરક્ષા પરિષદના સભ્ય દેશે પણ સત્તાવાર અરજી મોકલવી પડે છે. અત્યારે પોલેન્ડ સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ ધરાવે છે. પોલેન્ડના વિદેશમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમને પાકિસ્તાનનો પત્ર મળ્યો છે અને આ મામલા પર ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

બીજી બાજુ ટ્રમ્પ વહીવટીતંત્ર હાલમાં તાલિબાન અને અફઘાન પ્રતિનિધિઓ વચ્ચે શાંતિ સમજૂતી સધાય તેના અંતિમ તબક્કામાં છે. તમામ પક્ષકારો પાકિસ્તાનને જણાવી ચૂક્યા છે કે ઇસ્લામાબાદ સમજૂતીની આ પ્રક્રિયાને કાશ્મીર મુદ્દે તેમનું (પક્ષકારોનું) સમર્થન હોવા સાથે ના સાંકળે.

પાકિસ્તાનને સમર્થન આપવા અંગે ચીનનું ભેદી મૌન

સુરક્ષા પરિષદમાં પાકિસ્તાને મૂકેલી માગને ચીન કેવું સમર્થન આપશે તે અંગે તર્કવિતર્કો ચાલી રહ્યા છે. ચીનની મુલાકાત વખતે પાકિસ્તાની વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનને ચીનનું સમર્થન પ્રાપ્ત છે. જોકે ચીને આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી અથવા તો આ અંગેના સવાલોના જવાબો આપવાનું પણ ટાળી રહ્યો છે. કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયથી ધમપછાડા કરી રહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ હવે ગીધડ ધમકી આપતા જણાવ્યું હતું કે, અમે યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ જો ભારત યુદ્ધ છેડશે તો અમારી પાસે જેહાદ સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે સમગ્ર દુનિયા જોઈ રહી છે કે પાકિસ્તાન કાશ્મીરની જનતાની પડખે ઊભો છે અને તેમને હંમેશાં સાથ આપવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન