ભારત-પાક. વચ્ચે કાશ્મીર મુદ્દે તંગદિલી પર અમેરિકન સાંસદોનો ચિંતાનો સૂર  - Sandesh
  • Home
  • World
  • ભારત-પાક. વચ્ચે કાશ્મીર મુદ્દે તંગદિલી પર અમેરિકન સાંસદોનો ચિંતાનો સૂર 

ભારત-પાક. વચ્ચે કાશ્મીર મુદ્દે તંગદિલી પર અમેરિકન સાંસદોનો ચિંતાનો સૂર 

 | 2:53 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકાના સાંસદોએ જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને ભારતમાં દિલ્હી તથા પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતેના અમેરિકન રાજદૂતોને અનુરોધ કર્યો છે કે, તેઓ બેઉ દેશો વચ્ચે તંગદિલી દૂર કરવા માટે તમામ સંભવ પ્રયાસ કરે.

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ને મોદી સરકારે પાંચમી ઓગસ્ટે દૂર કરી હતી અને રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરી દીધું હતું. પાકિસ્તાન આનો વિરોધ કરી રહ્યું છે અને એના પગલે બે પાડોશી દેશો વચ્ચે તંગદિલીમાં વધારો થયો છે. આ મુદ્દે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમના કેબિનેટના સાથી પ્રધાનો ઉશ્કેરણી જનક નિવેદનો કરી રહ્યા છે. તેઓ આ મુદ્દો તમામ આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાની કોશિશ કરે છે પણ તેમનો ગજ વાગતો નથી. દરેક દેશે કહ્યું છે કે કાશ્મીર એ ભારતનો આંતરિક મામલો છે.

નવી દિલ્હીમાં સ્થિત અમેરિકન રાજદૂત કેનેથ જસ્ટર અને ઇસ્લામાબાદમાં સ્થિત અમેરિકન રાજદૂત પોલ ડબ્લ્યૂ. જોન્સને શુક્રવારે અમેરિકાની સંસદે પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ વધશે અને તેથી આ તણાવને દૂર કરવામાં તમામ પ્રયાસો કરવામાં આવે. પત્રમાં લખવામાં આવ્યું છે કે આ સ્થિતિ વૈશ્વિક શાંતિ અને સ્પષ્ટ રીતે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ છે. ભારત અને પાકિસ્તાન બંને મહત્ત્વપૂર્ણ સહયોગી છે અને અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા સહિત ક્ષેત્રમાં અમારા હિતો માટે બેહદ જરૂરી છે.  આ પત્રમાં અમેરિકાના રાજદૂતોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાની ક્ષમતા અનુસાર બેઉ દેશો વચ્ચે તંગદિલી દૂર કરવાનો તમામ સંભવિત પ્રયાસ કરે. આ પત્ર પર અમેરિકાના સાંસદો ઈલહાન ઉમર, રાઉલ. એમ ગ્રીજાલ્વા, એન્ડી લેવિન, જેમ્સ પી. મેકગવર્ન, ટેડ લ્યૂ, ડોનાલ્ડ બેયર અને એલન લોવેનથલે સહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન