ફારૂખ અબ્દુલ્લાનો ફરી એકવાર પાકિસ્તાન પ્રેમ છલકાયો, કહ્યું કે.... - Sandesh
  • Home
  • India
  • ફારૂખ અબ્દુલ્લાનો ફરી એકવાર પાકિસ્તાન પ્રેમ છલકાયો, કહ્યું કે….

ફારૂખ અબ્દુલ્લાનો ફરી એકવાર પાકિસ્તાન પ્રેમ છલકાયો, કહ્યું કે….

 | 3:38 pm IST

પાકિસ્તાન દ્વારા સરહદે કરવામાં આવેલા સંઘર્ષવિરામ અને ગોળીબારમાં રવિવારે ભારતીન સૈન્યના 4 જવાનો શહીદ થયાં હતાં. જેને લઈને આખા દેશમાં રોષ છે. તેવામાં ફારૂખ અબ્દુલ્લાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે ગોળીબાર બંને તરફથી કરવામાં આવે છે. આવા સમયે વાતચીત દ્વારા જ સમાધાન થઈ શકે છે.

હંમેશા ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી નિવેદનો આપવા ટેવાયેલા ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે બંને દેશો તરફથી ગોળીબાર કરવામાં આવે છે. આ સ્થિતિ વિનાશક છે. વાતચીત દ્વારા જ સમસ્યાનું સમાધાન લાવી શકાય.

નેશનલ કોન્ફરન્સના ભૂતપૂર્વ અધ્યક્ષે પીએપીએમના પાકિસ્તાનના અધિકારીઓ સાથે મુલાકાત અને ષડયંત્રના આરોપો મુદ્દે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ પાકિસ્તાન ભોજન કરવા ગયાં હતાં… ત્યારે કોઈએ તેમના વિરૂદ્ધ ષડયંત્ર ન રચ્યું? જમ્મૂ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાએ પાકિસ્તાનને ક્લિન ચીટ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાન કોઈ જ ષડયંત્ર નથી રચી રહ્યું.

જોકે ફારૂખ અબ્દુલ્લાએ પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપ્યું હોય તેવું કઈં પહેલીવાર નથી બન્યું. આ અગાઉ પણ તેઓ કાશ્મીરમાં સુરક્ષા દળો પર પથ્થરમારો કરનારાઓને યોગ્ય ઠેરવે છે તો ક્યારેક PoK પર પાકિસ્તાનના દાવાને સાચો ઠેરવે છે. ગત નવેમ્બરમાં પણ તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પાકિસ્તાનનો જ ભાગ છે અને તેને પાકિસ્તાન પાસેથી કોઈ છીનવી ન શકે.

હવે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપતા અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. આ પ્રકારની સ્થિતિ વિનાશક છે. આ સ્થિતિ યુદ્ધ તરફ ધકેલી રહી છે. યુદ્ધ કોઈ પણ વાતનું સમાધાન નથી. સમાધાન માટે વાતચીતનો માર્ગ અપનાવવો જોઈએ. વાતચીત દ્વારા જ સમસ્યાનું સમાધાન શક્ય છે. ફારૂખ અબ્દુલ્લાના આ નિવેદનથી વિવાદ સર્જાય તેવી શક્યતા છે.