India rejects China stand on Venkaiah Naidu’s Arunachal tour
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વેંકૈયા અરુણાચલ જતાં ચીનનાં પેટમાં તેલ રેડાયું

વેંકૈયા અરુણાચલ જતાં ચીનનાં પેટમાં તેલ રેડાયું

 | 6:00 am IST
  • Share

  • લદાખમાં ૧૩મા રાઉન્ડની મંત્રણામાં દાળ નહીં ગળતા હવે ચીને અરુણાચલપ્રદેશમાં આડોડાઈ શરૃ કરી

  • અરુણાચલ તિબેટનો હિસ્સો, અમેે ભારતના રાજ્ય તરીકે માન્યતા આપી નથી : ચીન

  • અરુણાચલ ભારતનો આંતરિક અને અવિભાજ્ય હિસ્સો : ભારતનો સણસણતો જવાબ

લદાખમાં એલએસી પર ચાલી રહેલા ઘર્ષણનો ઉકેલ લાવવા માટે તાજેતરમાં ભારત અને ચીનના કોર્પસ કમાન્ડરો વચ્ચે યોજાયેલી ૧૩મા રાઉન્ડની મંત્રણામાં હોટ સ્પ્રિંગ સેક્ટર મામલે ભારતે દર્શાવેલા મક્કમ વલણથી દાઝેલા ચીને હવે અરુણાચલપ્રદેશના મામલે આડોડાઇ શરૃ કરી દીધી છે. ચીને બુધવારે તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની અરુણાચલપ્રદેશની મુલાકાતનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, અમે અરુણાચલપ્રદેશને ભારતના રાજ્ય તરીકે ક્યારેય માન્યતા આપી નથી તેથી અમે ભારતના નેતાની અરુણાચલપ્રદેશ મુલાકાતનો મક્કમતાથી વિરોધ કરીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે વેંકૈયા નાયડુ ૯ ઓક્ટોબરે અરુણાચલપ્રદેશની મુલાકાતે ગયા હતા અને રાજ્ય વિધાનસભાના વિશેષ સત્રને સંબોધન કર્યું હતું. નાયડુની અરુણાચલપ્રદેશની મુલાકાત પર મીડિયાના સવાલોના જવાબ આપતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને જણાવ્યું હતું કે, સરહદના મામલે ચીનની સ્થિતિ સાતત્યપૂર્ણ અને સ્પષ્ટ છે. ચીનની સરકારે ક્યારેય કથિત અરુણાચલપ્રદેશને માન્યતા આપી નથી. ભારત સરકાર દ્વારા એકતરફી અને ગેરકાયદેસર રીતે તે રાજ્ય રચી દેવાયું છે. તેથી ચીન ભારતીય નેતાની અરુણાચલ પ્રદેશ મુલાકાતનો ઉગ્ર વિરોધ કરે છે. અમે ભારત સરકારને ચીનની ચિંતાઓનું સન્માન કરવા અને સરહદી વિવાદ જટિલ બનાવે તેવા પગલાંથી દૂર રહેવા અપીલ કરીએ છીએ. ભારત સરકાર પરસ્પરના વિશ્વાસ અને દ્વિપક્ષીય સંબંધો સામે આંખ આડા કાન કરવાથી દૂર રહે. ચીને જણાવ્યું હતું કે, ભારતે બંને દેશ વચ્ચેની સરહદ પર શાંતિ અને સ્થિરતાની જાળવણી માટે નક્કર પગલાં લેવા જોઇએ અને બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ફરી પાટા પર લાવવામાં મદદ કરવી જોઇએ.

ભારતે બુધવારે જણાવ્યું હતું કે, અરુણાચલપ્રદેશ ભારતનો આંતરિક અને અવિભાજ્ય હિસ્સો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારતીય નેતાઓની અરુણાચલપ્રદેશની મુલાકાતનો ચીન દ્વારા વિરોધ વ્યાજબી નથી અને ભારતીય જનતાની સમજની બહાર છે. ભારતના નેતાઓ દેશના અન્ય રાજ્યોની જેમ અવારનવાર અરુણાચલ પ્રદેશની મુલાકાત લે છે.

ચીનના એકપક્ષીય ઉંબાડિયાના કારણે લદાખમાં એલએસી પર સ્થિતિ વણસી છે : ભારત

બાગચીએ જણાવ્યું હતું કે, ચીનના એકતરફી પગલાના કારણે લદાખમાં એલએસી પર સ્થિતિ વણસી છે. ચીને દ્વિપક્ષીય કરારોનું ઉલ્લંઘન કરી યથાસ્થિતિમાં બદલાવના પ્રયાસો કર્યા છે. તેથી અમે ઇચ્છીએ છીએ કે ચીન સરહદી વિવાદોના ઉકેલની દિશામાં કામ કરે અને લાગતું વળગતું નથી તેવા મુદ્દાઓને સાંકળવાનું બંઘ કરે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો