India takes loan from Asian Infrastructure Investment Bank
  • Home
  • India
  • LAC પર તણાવ મધ્યે ભારતે ચીની બેન્ક પાસેથી રૂ. 9202 કરોડની લોન લીધી

LAC પર તણાવ મધ્યે ભારતે ચીની બેન્ક પાસેથી રૂ. 9202 કરોડની લોન લીધી

 | 6:00 am IST

। નવી દિલ્હી ।

લદ્દાખમાં ચીની સેના સાથેના તણાવ મધ્યે ભારત સરકાર એક તરફ ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધના દેખાડા કરી રહી છે તો બીજીતરફ ચીની બેન્ક પાસેથી લોન પણ લઇ રહી છે. મોદી સરકારે સ્વીકાર્યું છે કે ચીન સાથે તણાવ વચ્ચે ભારતે ચીનના સીધા નિયંત્રણ હેઠળની એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (એઆઇઆઇબી) પાસેથી રૂપિયા ૯,૨૦૨ કરોડની બે લોન લીધી છે. ગાલવાન ઘાટીમાં ભારતના ૨૦ જવાન શહીદ થયાના માંડ ૪ દિવસ બાદ સરકારે એઆઇઆઇબી સાથે ૧૯મી જૂને ૭૫૦ મિલિયન ડોલરની લોનના કરાર કર્યા હતા.  આ પહેલાં મે મહિનામાં એલએસી પર વિવિધ ઠેકાણે ચીની સેના દ્વારા ઘૂસણખોરીના અહેવાલો આવી રહ્યા હતા ત્યારે ભારત સરકારે કોરોના વાઇરસ સામેની લડાઇમાં મદદ માટે એઆઇઆઇબી પાસેથી ૫૦૦ મિલિયન ડોલરની લોન લીધી હતી. કેન્દ્રીય નાણારાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એક લેખિત જવાબમાં લોન લીધી હોવાનો સ્વીકાર કર્યો હતો.

સરકારે ચીની બેન્ક પાસેથી ચૂપચાપ લોન લીધીઃ કોંગ્રેસ

કેન્દ્ર સરકાર પર આ મામલે નિશાન સાધતા કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, ચીન સાથે સરહદી તણાવ ચાલી રહ્યો હતો ત્યારે ભારત સરકાર ચીની બેન્ક પાસેથી ચૂપચાપ લોન લઇ રહી હતી. એકતરફ ગાલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો શહીદ થઇ રહ્યાં હતાં ત્યારે પીએમ મોદી ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લાદીને વાહવાહી લૂંટી રહ્યા હતા અને ચીનની બેન્ક પાસેથી લોન પણ લઇ રહ્યા હતા. આ છે જુઠ્ઠી દેશભક્તિ. ભારતને ચીનનાં નાણાની જરૂર નથી. સ્વાભિમાનના ભોગે સમજૂતી મંજૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન