India threatened to boycott SL players from IPL : Fawad Chaudhry
  • Home
  • Featured
  • શ્રીલંકાએ રમવાનો ઈનકાર કરતા છટપટી ઉઠ્યા પાક.ના મંત્રી, કહ્યું – આ તો ભારતે…

શ્રીલંકાએ રમવાનો ઈનકાર કરતા છટપટી ઉઠ્યા પાક.ના મંત્રી, કહ્યું – આ તો ભારતે…

 | 3:41 pm IST

દુનિયાભરમાં આતંકવાદીઓના આશ્રયસ્થાન બની ગયેલુ પાકિસ્તાન હવે પોતાની કરતુતો છુપાવવા ભારત પર કિચડ ઉછાળવાની એક પણ તક જતી નથી કરતું. હવે જ્યારે શ્રીલંકાની ક્રિકેટ ટીમે પાકિસ્તાનમાં રમવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે તો તેને આ બાબતમાં પણ ભારતનું ષડયંત્ર લાગી રહ્યું છે.

ઈમરાન ખાન સરકારના બફાટીયા મંત્રી ફવાદ હુસેને પોતાના ભાણામાંથી માખ ઉડાડવાના બદલે ઉલ્ટાનો ભારત પર જ શ્રીલંકાના ખેલાડીઓને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વિટ કરી કહ્યું છે કે- શ્રીલંકાના ખેલાડીઓ પાકિસ્તાન આવવાનો એટલા માટે ઈનકાર કરી રહ્યાં છે કારણ કે ભારતે તેમના આઈપીએલમાં કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી છે.

ફવાદે ટ્વિટમાં દાવો કર્યો છે કે, કેટલાક જાણીતા સ્પોર્ટ્સ કોમેંટેટરે મને જણાવ્યું છે કે, ભારતે શ્રીલંકાના ખેલાડીઓને પાકિસ્તાનના પ્રવાસે ના જવાની ધમકી આપી છે. તેમને આઈપીએલમાંથી હાંકી કાઢવાની ધમકીએ આપવામાં આવી છે. આ ખરેખર વાહિયાત હરકત છે. ફવાદે ભારતમાં રાષ્ટ્રવાદી ભાવનાને ચરપસીમાએ પહોંચાડવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, રમતથી લઈને અવકાશ સુધી કટ્ટર રાષ્ટ્રવાદ કંઈક એ હદે છવાયો છે જેની આપણે નિંદા કરવી જોઈએ. હકીકતમાં ભારતીય ઓથોરિટીનું હલકુ કૃત્ય.

પાકિસ્તાનમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર 2009માં આતંકવાદી હુમલો થયો હતો. તે સમયે શ્રીલંકાના ખેલાડીઓ માંડ માંડ બચ્યા હતાં. ત્યારથી લઈને આજ સુધી કોઈ જ દેશની ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા જવાનું ટાળે છે. હવે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન જ બંધ થઈ ગયું છે. વર્ષ 2015માં ઝિમ્બાવે અને 2018માં વેસ્ટ ઈન્ડિઝની ટીમો ટી-20 રમવા ગઈ હતી પણ કોઈ મોટી ટીમો પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઈનકાર કરે છે.

હવે જ્યારે શ્રીલંકાનું ક્રિકેટ બોર્ડ પોતાની ટીમ મોકલવા રાજી થયું છે તો તેના ખેલાડીઓએ પાકિસ્તાન જવાનો નન્નૈયો ભણી દીધો છે. હતાશામાં પાકિસ્તાન દોષનો ટોપલો ભારત પર ઢોળી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદમાં વરસાદની બીજી ઇંનિંગ શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન