ભારતઃ વિશ્વગુરુની ગાદી નહીં, જગતકાજીનો ડંડો જોઈએ - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ભારતઃ વિશ્વગુરુની ગાદી નહીં, જગતકાજીનો ડંડો જોઈએ

ભારતઃ વિશ્વગુરુની ગાદી નહીં, જગતકાજીનો ડંડો જોઈએ

 | 1:21 am IST

ટિન્ડરબોક્સ : અભિમન્યુ મોદી

સોળમી કે સત્તરમી સદીમાં વિયેતનામમાં બે સંત થઇ ગયા. બંને સંત સાથે રહે, સાથે જંગલમાં વિહાર કરે. એક સંતનો સ્વભાવ ગુસ્સાવાળો, આક્રમક અને છવાઈ જવાની વૃત્તિવાળો. બીજા સંત બહુ લાઈમલાઈટમાં ન આવે. ગુસ્સેલ સંતની આક્રમકતા અને નાટકીય સ્વભાવને કારણે વધુ લોકો તેનો બોધપાઠ સાંભળવા આવતા. બીજા સંત તો ખરા સંત હતા. તેને કંઈ મોહ હતો નહીં, તે એક ઝાડ નીચે બેસીને પોતાની સાધનામાં તલ્લીન રહેતા. સાથી સંતના અધાર્મિક વલણને કારણે તેને દુઃખ થતું પણ તે કોઈને રોકતા નહીં. વારાફ્રતી બંને સિધાવી ગયા. કાળક્રમે થયું એવું કે શાંત સંતનું નામોનિશાન ભૂંસાઈ ગયું અને પેલા મિજાજી સંતના નામે આજે મંદિરો ને આશ્રમો ચાલે છે.

ભારત જો કોઈ સંત બને તો એ ગુસ્સેલ સંત બને કે ઠરેલ સંત? જવાબ મનમાં રાખજો અને બીજો સવાલ હવે ધ્યાનમાં લઈએ. આજથી બેએક સદી પહેલાં થઇ ગયેલા મહાન વિજ્ઞાની ચાર્લ્સ ર્ડાિવને એવું કહ્યું કે મોટી માછલી નાની માછલીને ગળી જાય. જો નાની માછલીને બચવું હોય તો એણે મોટી માછલી બનવું પડે. મોટી માછલી તરીકે કોઈ તો જ સ્વીકારે જો મોટી માછલી નાની માછલીને ઓહિયાં કરીને પોતાનું વર્ચસ્વ જમાવી રાખતી હોય તો જ. આ જ નિયમ છે, આ જ કાયદો છે, આ જ જંગલરાજ છે. મારે તેનો શિકાર, કબજો જેનો બળવાન, એ જ દરેકનો રાજન. માણસ બુદ્ધિશાળી છે અને એકંદરે શાંતિપ્રિય છે. માણસ પોતે શાંતિની શોધમાં ધોધના ચરણે બેસીને જિંદગી પસાર કરે તો એ એની મરજી અને તેનો હક છે, પરંતુ જ્યારે એક કરતાં વધુ માણસ એક જ જગ્યામાં સાથે રહેવાનું નક્કી કરે ત્યારે તે સમુદાય બને છે.

ઓસ્કર વિનિંગ ફિલ્મ સ્લમડોગ મિલિયોનર બનાવનારા ડેની બોયેલે રહેમાનનું સંગીત લઈને સત્યઘટના આધારિત એક ફિલ્મ બનાવેલી જેનું નામ છે – ૧૨૭ અવર્સ. એરોન રાલ્સટન નામનો સાહસિક ગ્રાન્ડ કેન્યોનની એક ખીણમાં ફ્સાઈ ગયો હતો અને તેણે છૂટવા માટે જાતે પોતાનો હાથ કાપવો પડેલો. આ વાર્તા કહેતી દસ વર્ષ જૂની ફિલ્મમાં ફિલ્મનો હીરો ચાઇનીઝ નેલકટરથી કંઇક કાપવાનો પ્રયત્ન કરે છે પણ એની ધાર બુઠ્ઠી નીકળતા સિનેમાની સ્ક્રીન સામે જોઈને કહે છે – નેવર યુઝ ચાઇનીઝ પ્રોડક્ટસ! ચાઈનાનો માલ આજકાલનો નહીં પણ વર્ષોથી બદનામ છે.

ચાઈના પોતે બેસ્ટ ક્વોલિટીનો માલ પણ પસંદીદા શહેરોમાં સપ્લાય કરે છે પરંતુ ખોરી દાનતના ચાઈનાના માલનું મૂલ્ય દુનિયાના કોઈ પણ દેશના સમજુ નાગરિકને નથી. અફ્સોસ કે ભારતનું અવ્વલ દુશ્મન એટલે ચાઈના; અને ભારતીયો આ વાત બહુ જ મોડી સમજ્યા. ભારતની ફિલ્મોમાં પણ ચાઈનાના માલનો બહિષ્કાર કરવાનો આડકતરો મેસેજ આવી ગયો છે પરંતુ આપણી આંખ ત્યારે ખૂલી જ્યારે સરહદ ખતરામાં પડી. નહીંતર આજ સુધી ચાઇનીઝ માલની બેફમ ખરીદી કરીને આપણે પરોક્ષ રીતે ચાઈનાને મજબૂત બનાવ્યું છે.

ચીને પોતાનો સસ્તો-તકલાદી માલ ભારતના એકોએક ક્ષેત્રમાં ઘૂસેડીને ભારતીય બજારને તેના પરવશ કરી નાખ્યું છે. એક સમય એવો હતો કે બ્રિટિશરો પોતાનો માલ ભારતીયોને મોંઘા દામે વેચતા. આજે ચાઈના પોતાનો રેઢિયાળ માલ સસ્તી કિંમતે વેચીને ભારતીય અર્થતંત્રને, ભારતના નાગરિકોને અને ભારત દેશને સખત નુકસાન પહોંચાડે છે. ટાંકણીથી લઈને એરોપ્લેન સુધી, તહેવારોના રંગથી લઈને લગ્નમંડપ સુધી બધે ચાઈનાની ઘૂસણખોરી છે. આખી દુનિયાને પોતાના તાબામાં રાખવાના મનસૂબા ધરાવતું ખંધું ચીન દુનિયા પર રાજ કરવા માંગે છે. આપણે એનો મુકાબલો કઈ રીતે કરી શકીએ? અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે યુરોપિયન યુનિયનની મદદ લઈને? ભૂત કાઢવા માટે પલીતની શું યોગ્યતા?

કાંખઘોડી કરતાં લાકડાનો પગ સારો. પોતાનું હથિયાર વિકસાવો. જ્યાં સુધી પોતાનું શસ્ત્ર ન બને ત્યાં સુધી જાતે બખ્તર બનાવીને પહેરો. શાંત, ઠરેલ, મૃદુભાષી સંત બનવામાં કોઈ ફયદો નથી. વ્યક્તિ હોય તો ઠીક છે, આખા દેશે તો દુનિયા પર દાબ રાખવો પડે. વ્યાસપીઠ આપણી પાસે છે ફ્ક્ત એનું અભિમાન લેવાથી નહીં ચાલે. અમેરિકાની જેમ જગત જમાદાર બનવું પડશે. ડંખીલા ભલે ન બનીએ પણ ફૂંફડો તો ગજ ઊંચો રાખવો પડે. નીચી બોરડીને સૌ ખંખેરે. આ તો હિમાલયમાં થતા ઊંચા દેવદારનો દેશ છે. યાહોમ કરીને વિશ્વમેદાનમાં પડવું પડે. મદારીઓનો દેશ છીએ જ આપણે, પણ આપણી ડુગડુગી ઉપર બીજા નાચવા જોઈએ. જગદ્ગુરુ નહીં પણ જગતજમાદાર બનવાનું મહાલક્ષ્ય સેવવું પડે અને તેના માટે એકોએક ભારતીય નાગરિક અને સરકારે એકજૂથ થઈને મચી પડવું પડે.

INSTAGRAM.com/abhimanyu.modi.7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન