india-vs-australia-5th-odi-delhi-feroz-shah-kotla-stadium-match
  • Home
  • Sports
  • Cricket
  • આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી વન-ડે મેચ, બન્ને ટીમો માટે રહેશ ‘કરો યા મરો’નો જંગ

આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી વન-ડે મેચ, બન્ને ટીમો માટે રહેશ ‘કરો યા મરો’નો જંગ

 | 3:59 am IST

છેલ્લી ચાર મેચમાં વર્લ્ડ કપ માટે ટીમ સંયોજનના સમીકરણ બનવાને બદલે બગડયા બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે આજે યોજાનારી સિરીઝની પાંચમી અને ફાઇનલ મેચમાં સિરીઝ જીતવાના લક્ષ્ય સાથે ફિરોજશાહ કોટલા મેદાને ઊતરશે જ્યારે ઓસ્ટ્રેલિયા પણ મેચ જીતી સિરીઝ પોતાના નામે કરવા પર જોર લગાવશે. બંને ટીમો પાંચ મેચની સિરીઝમાં ૨-૨ની બરાબરી પર છે.

આજે મેચ જીતનાર સિરીઝ પણ જીતી લેશે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ અગાઉ મનાઈ રહ્યું હતું કે, ૩૦ મેથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ પહેલાં બે સ્થાન નક્કી કરવાના હતા પરંતું છેલ્લી ચાર મેચમાં કેટલાક નબળા પાસાં પણ બહાર આવ્યા છે જેના કારણે વર્લ્ડ કપના સંયોજનને લઈ થોડી અસ્પષ્ટતા બની ગઈ છે. જોકે, આ સારી બાબત છે કે, ટીમ મેનેજમેન્ટને તમામ બાબતો પર વિચારવાની તક મળશે.

સિરીઝ પહેલાં લાગી રહ્યું હતું કે, ભારતની વર્લ્ડ કપ ટીમના ૧૩ સ્થાન નિશ્ચિત છે અને રિઝર્વ ઓપનર અને એક બોલરનું સ્થાન નક્કી કરવાનું બાકી છે પરંતુ અંબાતી રાયડુની નિષ્ફળતા, પંતનું વિકેટ પાછળ ખરાબ પ્રદર્શન, લોકેશ રાહુલમાં નિરંતરતાનો અભાવ અને યૂઝવેન્દ્ર ચહલની બોલિંગની ચમક ઓછી થતાં ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી ગઈ છે.

કોહલી ચોથી વન-ડેમાં ચોથા સ્થાને બેટિંગમાં ઊતર્યો હતો પરંતુ આ મહત્ત્વપૂર્ણ મેચમાં તે ફરી ત્રીજા સ્થાને ઊતરી શકે છે. રાહુલને વધુ એક તક મળવાની શક્યતા છે અને જરૂરિયાત મુજબ તેનો બેટિંગ ક્રમ બદલાઈ શકે છે. ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપ પહેલાં આ અંતિમ મેચમાં સતત સારો દેખાવ કરી રહેલા વિજય શંકરને ચોથા સ્થાને મોકલી શકે છે. ધવનનું ફોર્મ મેળવવું ભારત માટે મોટી રાહત છે.

પંત પ્રથમ વાર ઘરેલુ મેદાન પર આંતરરાષ્ટ્રીય મેચ રમશે અને તે તેને યાદગાર બનાવી ચોથી મેચમાં કરેલી ભૂલોને સુધારવા માગશે. ભુવનેશ્વરે ચોથી મેચમાં નિરાશ કર્યા હતા જેને કારણે શમી જો સ્વસ્થ થઈ જાય તો તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાય તેવી શક્યતા છે.

ભારત પાસે પ્રથમ બે મેચ જીત્યા બાદ પ્રયોગ કરવાની તક હતી પરંતુ તે પછીની બંને મેચમાં ભારતનો પરાજય થતાં અંતિમ મેચ નિર્ણાયક બની ગઈ છે. આથી વિરાટ કોહલી અને ટીમનું મુખ્ય લક્ષ્ય સિરીઝ જીતવું બની ગયું છે કારણ કે, તે છેલ્લા ત્રણ વર્ષના પોતાના શાનદાર રેકોર્ડને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં જે ૧૩ દ્વિપક્ષીય સિરીઝ રમી છે જે પૈકી ૧૨માં જીત મેળવી છે.

સિરીઝમાં વાપસીથી ઓસ્ટ્રેલિયન ટીમનું મનોબળ વધ્યું

બીજી તરફ રાંચી અને ખાસ કરીને મોહાલીમાં ૩૫૯નો લક્ષ્યાંક મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમનું મનોબળ વધ્યું હશે પરંતુ સ્પિનરો માટે અનુકૂળ મનાતી કોટલાની પીચ પર તેના બેટ્સમેનોની ખરી પરીક્ષા થશે. ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રદર્શન ચડાવ-ઉતારવાળું રહ્યું છે પરંતુ વર્લ્ડ કપ પહેલાં ટીમ અગાઉ કરતાં સારી જોવા મળી રહી છે.

ટોપ ઓર્ડરમાં કેપ્ટન ફિન્ચ અને શોન માર્શના પ્રદર્શનમાં નિરંતરતાનો અભાવ ટીમની ચિંતાનું કારણ હશે પરંતુ મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરમાં પીટર હેન્ડ્સકોમ્બ, મેક્સવેલ અને એશ્ટન ટર્નરની સકારાત્મક બેટિંગથી તેમનું મનોબળ વધ્યું છે. કોટલાની પીચ પર જો સ્પિનરોને મદદ મળે તો લેગ સ્પિનર એડમ ઝમ્પા અને નાથન લાયન બંનેને ટીમમાં સ્થાન મળી શકે છે.

કોટલા પર ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર પૈકી ત્રણ વન-ડેમાં જીત મેળવી 

આ મેદાન પર ભારત-ઓસ્ટ્રેલિયા ચાર વખત ટકરાઈ છે જે પૈકી ભારતે ત્રણમાં જીત મેળવી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ ૧૯૯૮માં એક માત્ર જીત મેળવી હતી. હવામાન વિભાગે બુધવારે સામાન્ય વરસાદની આગાહી કરી છે. જો આકાશ સ્વસ્છ રહે તો ઝાકળ પડી શકે છે. જેને કારણે બંને ટીમોના સંયોજનને પ્રભાવિત કરી શકે છે.

ડીડીસીએએ મેચ અગાઉ કોહલીને સન્માનિત કરવાનો નિર્ણય રદ કર્યો

દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (DDCA)એ પુલવામાંમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત સેહવાગ અને ગંભીરને સન્માનિત કરવાનો નિર્ણય રદ કર્યો હતો. ડીડીસીએએ આ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે આજે યોજાનારી મેચ અગાઉ દિલ્હીના દિગ્ગજોને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો હતો.

ડીડીસીએએ રાજ્યના તમામ પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ૨-૨ વીઆઈપી પાસ આપવાનો નિર્ણય કર્યો છે. ડીડીસીએ અધ્યક્ષ રજત શર્માએ કહ્યું કે, દેશનું પ્રતિનિધિત્વ કરનાર દિલ્હીના તમામ પૂર્વ ખેલાડી સન્માનના હકદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન