પ્રથમ વીમેન્સ T20: મિતાલી રાજની કેપ્ટન ઇનિંગ, ભારતે આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • પ્રથમ વીમેન્સ T20: મિતાલી રાજની કેપ્ટન ઇનિંગ, ભારતે આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું

પ્રથમ વીમેન્સ T20: મિતાલી રાજની કેપ્ટન ઇનિંગ, ભારતે આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું

 | 11:40 pm IST

કેપ્ટન મિતાલી રાજની અણનમ અર્ધી સદી તેમજ જેમિમા રોડ્રિગ્ઝ અને વેદકૃષ્ણમૂર્તિની ઉપયોગી ઇનિંગની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને ત્રણ મેચની પ્રથમ ટી-20 મેચમાં સાત વિકેટે પરાજય આપી 1-0ની લીડ મેળવી લીધી છે.

સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમે ત્રણ વિકેટ ગુમાવી 18.5 ઓવરમાં વિજય મેળવી લીધો હતો. અણનમ 54 રન બનાવનાર મિતાલી રાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી.

સાઉથ આફ્રિકાએ કેપ્ટન વાન નિકર્કના 38 રન તેમજ ઓપનર લીના 19 રનની મદદથી આઠ ઓવરમાં બે વિકેટે 62 રન બનાવી લીધા હતા. 84 રનના સ્કોરે નિકર્ક પણ આઉટ થઈ હતી. આ સમયે ડુ પ્રીઝ અને ડી ક્લર્કે ટીમનો સ્કોર 130 રને પહોંચાડયો હતો.

ડુ પ્રીઝ 31 રન બનાવી આઉટ થયા બાદ ક્લો ટ્રાયને સાત બોલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી અણનમ 32 રન બનાવી ટીમનો સ્કોર 164 રને પહોંચાડયો હતો. ક્લર્ક 30 રન બનાવી અણનમ રહી હતી. ભારત તરફથી અનુજા પાટિલે બે વિકેટ ઝડપી હતી.

165 રનના ટાર્ગેટ સામે મિતાલી રાજ અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 47 રન જોડયા હતા. મંધાના 28 રન બનાવી આઉટ થયા બાદ હરમનપ્રીત કૌર ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થઈ હતી.

ચોથા નંબરે આવેલી જેમિમા રોડ્રિગ્જે મિતાલી સાથે મળી ભારતનો સ્કોર 116 રને પહોંચાડયો હતો. જેમિમા 37 રન બનાવી આઉટ થયા બાદ વેદા કૃષ્ણમૂર્તિ અને મિતાલી રાજે ૫૨ રનની અણનમ ભાગીદારી નોંધાવી ભારતને વિજય અપાવ્યો હતો. મિતાલી રાજ 54 અને વેદા કૃષ્ણમૂર્તિ 37 રન બનાવી અણનમ રહી હતી.