વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો, ભારતે 1-0થી સિરીઝ જીતી - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો, ભારતે 1-0થી સિરીઝ જીતી

વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો, ભારતે 1-0થી સિરીઝ જીતી

 | 6:21 pm IST

ધનંજય ડી સિલ્વાની સાહસિક સદી અને રોશન સિલ્વાની ધૈર્યપૂર્ણ બેટિંગની મદદથી શ્રીલંકાએ ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. 410 રનના તોતિંગ લક્ષ્યાંકનો પીછો કરતાં શ્રીલંકાએ મેચના અંતિમ દિવસે બીજી ઇનિંગમાં 103 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 299 રન બનાવ્યા હતા. શ્રીલંકન બેટ્સમેનોએ ભારતીય બોલરોને મચક આપી નહોતી જેને કારણે અંતિમ દિવસે માત્ર બે જ વિકેટ મળી શકી હતી. જેમાં એક વિકેટ જાડેજા અને એક વિકેટ અશ્વિનને મળી હતી.

આ સિરીઝની કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી જ્યારે નાગપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઇનિંગ અને 239 રને વિજય મેળવ્યો હતો જેને કારણે ભારતે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ 1-0થી જીતી લીધી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં 243 અને 50 રન બનાવ્યા હતા જેને કારણે મેન ઓફ ધ મેચ અને સિરીઝમાં કુલ 610 રન બનાવતાં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ અપાયો હતો.

શ્રીલંકાએ મેચના અંતિમ દિવસે ત્રણ વિકેટે 31 રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી. જેમાં એન્જેલો મેથ્યુઝ માત્ર એક રન બનાવી આઉટ થઈ ગયો હતો. તે દુર્ભાગ્યશાળી રહ્યો હતો કારણ કે, તે જે બોલ પર આઉટ થયો હતો તે નોબોલ હતો પરંતુ અમ્પાયર જોએલ વિલ્સન તેને જોઇ ન શકતાં આઉટ ઇપાયો હતો. તે પછી ડી સિલ્વાએ ચંદીમલ સાથે મળી મેચ બચાવવા સંઘર્ષ કર્યો હતો. ડી સિલ્વાએ 92 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અર્ધી સદી પૂર્ણ કરી હતી. લંચના થોડા સમય પહેલાં જ્યારે ચંદીમલ 25 રને હતો ત્યારે જાડેજાએ બોલ્ડ કર્યો હતો પરંતુ ટીવી રિપ્લેમાં નોબોલ જણાતાં ચંદીમલને જીવતદાન મળ્યું હતું. ડી સિલ્વા સાથે ચંદીમલે પાંચમી વિકેટ માટે 112 રન જોડયા હતા.

અશ્વિને ચંદીમલને અંગત 36 રને બોલ્ડ કરી ભાગીદારી તોડી હતી. આ દરમિયાન ડી સિલ્વાએ 188 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી સદી પૂર્ણ કરી હતી. તેની ભારત સામે પ્રથમ અને ટેસ્ટમાં ત્રીજી સદી હતી. ડી સિલ્વા 119 રને હતો ત્યારે પગમાં ઇજાને કારણે રિટાયર્ડ હર્ટ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. તે વખતે શ્રીલંકાએ પાંચ વિકેટે 205 રન બનાવ્યા હતા. ભારત પાસે મેચમાં પરત ફરવાની તક હતી પરંતુ રોશન સિલ્વા અને નિરોશન ડિક્વેલાએ સંઘર્ષપૂર્ણ બેટિંગ કરી મેચને ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. રોશન સિલ્વા અને ડિક્વેલાએ ટીમનો સ્કોર પાંચ વિકેટે 299 રને પહોંચાડયો ત્યારે મેચ ડ્રો જાહેર કરાઈ હતી. રોશન સિલ્વા 74 રને અને ડિક્વેલા 44 રને અણનમ રહ્યા હતા. ભારત તરફથી બીજી ઇનિંગમાં જાડેજાને ત્રણ અને અશ્વિન-શમીને 1-1 વિકેટ મળી હતી.

સતત નવ ટેસ્ટ સિરીઝ જીતી ભારતે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી
ભારતીય ટીમે 1-0થી ટેસ્ટ સિરીઝ જીતવાની સાથે ભારતીય ટીમે સતત નવમી ટેસ્ટ સિરીઝ જીતી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના રેકોર્ડની બરાબરી કરી હતી. ઇંગ્લેન્ડે 1984થી 1992 દરમિયાન સતત નવ ટેસ્ટ સિરીઝ જીતી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાએ 2005 અને 2008માં સતત નવ ટેસ્ટ સિરીઝ જીતી હતી. ભારતીય ટીમે સૌથી પહેલાં 2015માં શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ જીતી હતી. તે પછી એક બાદ એક વિજય મેળવતાં સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, શ્રીલંકાને તેના દેશમાં પરાજય આપ્યો હતો અને અહીં આવેલી શ્રીલંકાને હરાવી નવમી સિરીઝ જીતી લીધી હતી. ભારતની પાસે હવે પાંચમી જાન્યુઆરીથી સાઉથ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ પર છે. જો ભારત આ સિરીઝ જીતે તો વિશ્વમાં સતત 10 ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ ટીમ બની જશે પરંતુ આફ્રિકાને તેના જ દેશમાં પરાજય આપવો આસાન પણ નથી.

કોહલીએ દ્રવિડને પાછળ છોડયો
વિરાટ કોહલીએ ફોર્મ જાળવી રાખતાં આ વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળી કુલ 2,818 રન બનાવ્યા છે. કોહલીએ 10 ટેસ્ટમાં 1,059 રન, 26 વન-ડેમાં 1,460 રન અને 10 ટી-20માં 299 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટે કુલ 11 સદી ફટકારી હતી જેમાં ત્રણ બેવડી સદીનો પણ સમાવેશ થાય છે. એક વર્ષમાં સૌથી વધુ રનનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે છે. સંગાકારાએ 2014માં 2,868 રન બનાવ્યા હતા જેમાં આઠ સદી સામેલ હતી. આ લિસ્ટમાં બીજા નંબરે રિકી પોન્ટિંગ છે જેણે 2005માં 2,833 રન બનાવ્યા હતા. કોહલીએ આ સાથે ભારત તરફથી એક વર્ષમાં સૌથી વધુ રન બનાવવાના મામલે દ્રવિડને પાછળ છોડયો હતો. રાહુલ દ્રવિડે 1999માં 2,626 રન બનાવ્યા હતા.