ચીનની ચાલબાજીનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, 'અરુણાચલ અમારું છે, અને રહેશે' - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચીનની ચાલબાજીનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, ‘અરુણાચલ અમારું છે, અને રહેશે’

ચીનની ચાલબાજીનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, ‘અરુણાચલ અમારું છે, અને રહેશે’

 | 9:44 am IST

અરુણાચલ પ્રદેશના છ વિસ્તારોનાં નામ બદલવાની ચીનની ચાલબાજીનો ભારતે ગુરુવારે જડબાતોડ જવાબ આપ્યો હતો. ચીનને ચેતવણી આપતાં ભારતે કહ્યું હતું કે નામ બદલવાથી વાસ્તવિકતા બદલાઈ જવાની નથી. અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ કહ્યું હતું કે નામ અંગે ચીનની સરકાર સાથે હજી કોઈ વાતચીત થઈ નથી, જ્યાં સુધી સીમાવિવાદનો સવાલ છે ત્યાં સુધી બંને દેશો વચ્ચે અલગ વ્યવસ્થા કરાઈ છે. આથી સીમાવિવાદનો સૌહાર્દપૂર્ણ ઉકેલ આવશે તેવી આશા છે. ભારતે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને અરુણાચલ પ્રદેશમાં મુલાકાતની છૂટ આપી ત્યારથી ચીન ભડક્યો છે અને ચીને અરુણાચલ પ્રદેશના છ વિસ્તારોનાં નામ બદલી નાખ્યાં છે.

ચીનના મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટના સંદર્ભમાં પ્રવક્તાએ કહ્યું હતું કે મિટિંગમાં હાજર રહેવા ભારતને આમંત્રણ મળ્યું છે અને તે અંગે વિચારાઈ રહ્યું છે. આ બેઠક ૧૪ મેના રોજ બેઇજિંગમાં થવાની છે. વન બેલ્ટ વન રોડનો એક હિસ્સો ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના પીઓેકેમાંથી લઈ જવાની દરખાસ્ત છે તેથી ભારતે પ્રોજેક્ટનો હિસ્સો બનવા ક્યારેય રસ દર્શાવ્યો નથી. ચીને કહ્યું છે કે આ બેઠકમાં ભારતના પ્રતિનિધિ હાજર રહેશે.

ચીને વિસ્તારનાં નામ બદલવાની કામગીરી કાયદેસર ગણાવી

ભારતને ઉશ્કેરવા માટે ચીને તેનાં પગલાંને કાયદેસરનું ગણાવ્યું છે . ચીન અરુણાચલના આ વિસ્તારને દક્ષિણ તિબેટ ગણાવે છે, જોકે ભારત તેનો વિરોધ કરી રહ્યો છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે સરકારના નિયમોને આધીન ૧૪ એપ્રિલે દક્ષિણ તિબેટના છ વિસ્તારોનાં નામ ચીની, તિબ્બતી અને રોમન લિપિમાં માન્ય રાખવામાં આવ્યાં છે. ભારત આ વિસ્તારને અરુણાચલ પ્રદેશ ગણાવે છે. ચીને આ પ્રદેશનાં નામ વોગ્યેનલિંગ, મિલા રી, ક્વાઈદેનગાર્બો રી, મેનક્યુકા, બૂમો લા અને નામાકાપુબ રાખ્યાં છે. ચીને આ કામગીરી કાયદેસર હોવાનો દાવો કર્યો છે.

૩,૪૮૮ કિલોમીટર વિવાદિત વિસ્તાર

ભારત-ચીન સરહદ પર ૩,૪૮૮ કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણરેખા અંગે વિવાદ સર્જાયો છે. ચીન તેને દક્ષિણ તિબેટ કહે છે અને ભારત તેને અરુણાચલ પ્રદેશ કહે છે. ભારતનો દાવો છે કે વિવાદિત વિસ્તાર અક્સાઈ ચીન સુધીનો છે, જેના પર ચીને ૧૯૬૨નાં યુદ્ધમાં કબજો જમાવ્યો હતો. સીમાવિવાદ ઉકેલવા બંને દેશો વચ્ચે ૧૯ વખત વાટાઘાટો થઈ છે.

અરુણાચલ પર કબજો જમાવવા ચીનનું ગૂગલ પર દબાણ

અરુણાચલ પ્રદેશ પર કબજો જમાવવા માટે ગૂગલ પર દબાણ કરીને તેની સાઈટ પરના નકશાઓમાં અરુણાચલ પ્રદેશના નામ ચીની અને મેન્ડેરિન ભાષા મુજબનાં દર્શાવવા આગ્રહ રાખી રહ્યો છે. ભારતે કહ્યું છે કે ગૂગલ પર દબાણ કરવાની ચીનની ચાલ સફળ રહેશે નહીં. ગૂગલ જો આવું નહીં કરે તો ચીનમાં તેની કામગીરી બંધ કરી દેવાશે તેવી ધમકી ચીને આપી છે. વિશ્વ મંચ પર આનાથી અરુણાચલને પોતાનો હિસ્સો સાબિત કરવાનું ચીન માટે આસાન થશે તેવી તેની ગણતરી છે. ચીન જૂના દસ્તાવેજોને આધારે આ શહેરો સાથેનો તેનો સંબંધ હજારો વર્ષો જૂનો હોવાનું પુરવાર કરવા માગે છે.